જૂનાગઢ શહેર અને જીલ્લામાં હાલ જ્વાળામુખીની ટોચ ઉપર હોય તેમ લાગે છે. દરરોજ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કોરોનાંનાં કારણે મૃત્યુ થયાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ઘોર નિદ્દામાં પોઢેલા જૂનાગઢ મહાનગરપાલિકાનાં તંત્રએ તાત્કાલિક અસરથી દરેક વોર્ડમાં સેનીટાઈઝેશન તેમજ આરોગ્ય વિષયક પગલાં લેવાની લાગણી અને માંગણી આમ જનતામાંથી જાેવા મળી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં એટલે કાયમને માટે ચર્ચામાં રહેતું મોટા પાયાનું ગામડું ! આ શહેરમાં વિકાસની બહુ મોટી વાતો થાય છે અને મોટા બિલો ફટકારી અને ભ્રષ્ટાચારનો ચોખ્ખો વ્યવસાય થતો હોય તેવા અનેક બનાવો અને અનેક કૌભાંડો બહાર આવેલ છે. ગૌશાળાની ગાયોનાં અપમૃત્યુના બનાવોની સામે તટસ્થ તપાસની માંગણી પણ થઈ હતી. ભારે પસ્તાળ પડી હતી. કમિશ્નર કક્ષાનાં એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ આખું પ્રકરણ સંકેલાય ગયું છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર પેશકદમીઓનો રાફડો ફાટેલો છે. તંત્ર કહેવા પુરતી દબાણ હટાવવા નોટીસો આપે છે અને પછી પાછલા બારણેથી સમાધાન કરી અને નાણાં ઉઘરાવી લેતું હોવાની પણ અનેક ફરીયાદો ઉઠવા પામી છે. હાલ જ્યારે કોરોનાની મહામારીનો રોગચાળો ભયંકર બનીને આ જૂનાગઢ સોરઠ શહેર અને જીલ્લા ઉપર ત્રાટકી રહ્યો છે ત્યારે રોજેરોજ કોરોના પોઝિટીવનાં કેસોની સંખ્યામાં વધારો થાય છે. પરંતુ આરોગ્ય વિષયક પગલાં નક્કર લેવાતા નથી. ચોમાસાની સિઝનમાં આજે જૂનાગઢ શહેરનાં તમામ વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાનાં ઢગલાઓ, ખાબોચિયાંઓ જાેવા મળે છે. જૂનાગઢ શહેરનાં રસ્તાઓનું તો એવું છે કે કયારેક પાણીની પાઈપલાઈન, કયારેક ભુગર્ભ ગટર યોજના તો કયારેક ખાનગી કંપનીના કેબલ નાંખવાની કામગીરી થાય છે અને કેબલ નંખાયા ગયા બાદ કોઈ રસ્તાઓને પાછા રિપેર કરતું નથી અને જેને કારણે આ શહેરની જનતા ખુબ જ તકલીફ વેઠી રહી છે. હાલ ચોમાસાનાં સમયમાં ગંદકીનગર બનેલાં આ શહેરમાં યોગ્ય સફાઈ કાર્ય પણ થતું નથી. જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં કાદવ કિચડ અને ગંદકીનાં થર જામ્યાં છે ત્યારે જૂનાગઢનાં જાગૃત નાગરીક અને એનજીઓ દ્વારા દરેક વિસ્તારનું વિડીયો શુટીંગ કરી અને ઉચ્ચકક્ષાએ તેની રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોરોનાનાં સંકમણ કાળમાં દરેક વિસ્તારોમાં ફોગીંગ થવું જાેઈએ. ગંદકી-કચરો ઉપાડવો જાેઈએ, જંતુનાશક દવાઓનો છંટકાવ થવો જાેઈએ. તેમજ દરેક વોર્ડને સેનીટાઈઝ કરવું જાેઈએ પરંતુ તેવી કામગીરી થઈ નથી. જ્યારે કોઈ વિસ્તારમાં કોઈ કેસ કોરોના પોઝિટીવના આવે છે ત્યારે એ વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ ઝોન, બફર ઝોન તેમજ સેનેટાઈઝની થોડી ઘણી પપુડી વગાડી અને મહાનગરપાલિકા એમ સમજે છે કે અમારી કામગીરી પુરી થઈ છે. આ શહેરનાં રહેવાસીઓની અનેક ફરીયાદો છે. મહાનગરપાલિકામાં શાસન કોઈપણનું હોય પરંતુ સુખનો સુરજ અત્યાર સુધીમાં ઉગ્યો નથી. મોટી-મોટી વાતોનાં ફડાકા ખુબ જ મારવામાં આવે છે પરંતુ સરવાળે મલાઈ ખિસ્સામાં ઉતારી દેવાનાં કારસા સતત થઈ રહ્યાં છે. આ પ્રશ્ને રૂમાલનો જાદુ પણ ઓસરી ગયો હોય તેવું લોકો બોલી રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews