જૂનાગઢ મહામારીનાં જડબામાં નેતાઓની સૂફિયાણી વાતો

0

જૂનાગઢમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે અને દિવસેને દિવસે જૂનાગઢ શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યાનું લિસ્ટ લાંબુ થતુ જાય છે, તો બીજી બાજુ જૂનાગઢ શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં કોરોનાને અટકાવવા કોણ આગળ આવશે ? એ સવા મણનો સવાલ થઇ જવા પામ્યો છે. જૂનાગઢ શહેરની જો વાત કરીએ તો, ગઈકાલના સરકારી આંકડા મુજબ ૧૦૧ લોકો જૂનાગઢ શહેરમાં કોરોનાગ્રસ્ત છે અને તેવો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સહિત રાજકોટ, અમરેલી, વેરાવળની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. પુરા ગુજરાતભરમાં કોરોનાએ એન્ટ્રી કરી દીધા બાદ લાંબો સમય સુધી જૂનાગઢ જિલ્લો તંત્રના અધિકારીઓની રાત-દિવસની અથાગ મહેનતના કારણે ગ્રીન ઝોનમાં રહેવા પામ્યો હતો અને છેલ્લે સુધી એક પણ કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો ન હતો. પરંતુ જૂનાગઢ જિલ્લાને કોઈની નજર લાગી ગઇ હોય તેમ, છેલ્લા લોકડાઉન બાદ સરકાર અને તંત્ર દ્વારા અપાયેલ રાહતના કારણે બહારગામથી આવેલા લોકોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું હતું અને બાદમાં ધીરે ધીરે જૂનાગઢ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો ન હોય. અત્રે ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, જૂનાગઢના કોરોના વોરિયર્સ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે, જૂનાગઢ શહેરના એક પીએસઆઈ સહિત લગભગ છએક પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. જો કે, સદભાગ્યે તમામ પોલીસકર્મીઓએ કોરોનાને મહાત આપી હતી અને હાલમાં તેઓ ફરજ ઉપર હાજર પણ થઇ ગયા છે. તો બીજી બાજુ જૂનાગઢની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે, જેમાં જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ઉપરાંત તબીબો, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ તથા પટાવાળા સહિતના આરોગ્ય કર્મીઓનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં હાલમાં કોરોનાને રોકવું ખૂબ જ અગત્યનું નહીં પણ આવશ્યક બની ગયું છે અને આ સંક્રમણને રોકવા માટે જૂનાગઢના રાજકીય-સામાજિક આગેવાનોએ જ આગળ આવવું પડશે અને લોકોને સરકારી લોકડાઉન ન હોવા છતાં સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે સમજાવી અથવા તો બિનજરૂરી રીતે લોકો ઘરની બહાર ના નીકળે અને માસ્કનો ઉપયોગ કરે તે માટે માસ્ક વિતરણ કરી, વારંવાર હાથ તથા શરીર સેનીટાઇઝર કરે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપવા પડશે, સાથો સાથ માત્ર કોરોનાને રોકવો તંત્ર માટે એક જટિલ બાબતો છે ત્યારે તંત્રને પણ આ બાબતે સહકાર આપવો પડશે અને તંત્ર સાથે જૂનાગઢના આગેવાનોએ અને સામાજિક સંસ્થાઓએ સાથે બેસી કોરોનાને જૂનાગઢમાંથી કેમ દૂર કરવો તે માટે ચર્ચા વિચારણા કરવી પડશે. જો કે, આ માટે જૂનાગઢના નેતાઓ માત્ર સોશ્યલ મીડિયા ઉપર મોટી મોટી વાતો કરી, તંત્રની આળસ અને બેદરકારીની ચર્ચાઓ ચાલી રાખે છે પરંતુ કોઈ નેતા આગળ આવવા તૈયાર નથી ત્યારે જૂનાગઢની જનતા કોરોનાનો શિકાર બની રહી છે અને જો આવું જ ચાલ્યું તો જૂનાગઢ માટે કોરોના ખૂબ જ ખતરનાક સાબીત થશે તેમ જૂનાગઢના શિક્ષિત અને પ્રબુદ્ધ લોકો જણાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢની ખેવના કરવા કોણ આગેવાન પહેલ કરે છે ? તેના ઉપર આખા જૂનાગઢ શહેરના નગરજનોની મીટ મંડાઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!