વેરાવળ-સોમનાથમાં ૬, સુત્રાપાડામાં ૮ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક સાથે જળબંબાકાર જેવી સ્થિતિ

ગીર સોમનાથ જીલ્લાાનાં લોકો ઘણા દિવસોથી અસહય બફારાથી ત્રસ્ત બની ગયેલ હતાં ત્યારે એકાદ માસ પૂર્વે મેઘરાજાના બીજા રાઉન્ડ બાદ મોટાપાયે રવિ પાકોનું વાવેતર કરનાર ખેડુતો પણ કાગડોળે વરસાદ વરસવાની રાહ જોઇ રહયા હતા. દરમ્યાન સોમવારની રાત્રીથી વાતાવરણમાં આવેલ અચાનક પલ્ટા બાદ ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કરી સાર્વત્રીક વરસાદ વરસાવ્યો હતો. જેમાં વેરાવળ-સોમનાથમાં ૧૪૯ મીમી (૬ ઇંચ) અને સુત્રપાડા પંથકમાં ૨૦૫ મીમી (૮ ઇંચ)થી વધુ વરસાદ વરસ્યો છે. જયારે બાકીના તાલાલામાં ૩૭ મીમી (દોઢ ઇંચ), કોડીનારમાં ૭૦ મીમી (ત્રણ ઇંચ), ગીરગઢડામાં ૩૭ મીમી (દોઢ ઇંચ) અને ઉનામાં ૧૦ મીમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં પડેલ સાર્વત્રીક વરસાદની સાથે જંગલ અને બોર્ડરના ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હોવાથી નાની-મોટી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. તો જીલ્લમાં અમુક સ્થળોએ હાઇવે અને ગામોને જોડતા મુખ્ય માર્ગો ઉપર ગોઠણડુબ પાણી ભરાયા હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં આકાશમાં કાળાડીંબાગ વાદળો મુકામ કરી મેઘરાજાની ગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. મંગળવારે વહેલી સવારે પાંચેક વાગ્યાથી શરૂ થયેલ મેઘસવારી અવિરત બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેતા સાત કલાકમાં જોડીયા શહેરમાં અનરાધાર ૬ ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ભારે વરસાદના પગલે જોડીયા શહેરમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ મદીના પાર્ક, દિવાનીયા કોલોની, ખોજા કોલોની, અલીભાઈ મેઈન રોડ, બે પાટા વચ્ચે હરસિધ્ધી સોસાયટી સહિતની અનેક સોસાયટીઓમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. જયારે અમુક સોસાયટીઓમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીને વ્યાપક નુકશાન થતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળતો હતો. હરસિધ્ધી સોસાયટીના પ્રાથમીક આરોગ્યક કેન્દ્રમાં પણ વરસાદી પાણી ઘુસી ગયુ હતુ. જયારે વેરાવળની સટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર રોડ, ગાંધીચોક, એસટી રોડ સહિતની બજારોના મુખ્ય રસ્તાઓ ઉપર ગોઠણડુબ વરસાદી પાણી ભરાયા ગયા હતા.જોડીયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઇ આગોતરી વ્યવસ્થા નગરપાલીકા તંત્રે ન કરી હોવાથી શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વેરાવળ તાલુકાના ઇન્દ્રોય, પંડવા, ઉંબા, આંબલીયાળા, ડાભોર, તાંતીવેલા, દેદા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે ગામના મુખ્ય રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતાં. જયારે અમુક ગામોના નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. જો કે, ઉપરવાસ ગીર જંગલમાં પડેલ ભારે વરસાદના પગલે તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી દેવકા નદી ગાંડીતુર બની બે કાંઠે વહી રહી હતી. ભારે વરસાદના પગલે આંબલીયાળા સહિતના અનેક ગામો અડધો દિવસ સુધી સંપર્ક વિહોણા પણ બની ગયા હતા. તો આ વરસાદથી તાલુકામાં રવિ પાકોનું વાવેતર કરનાર ખેડુતો ખેતરોમાં પાણી વાળવાના કામમાં વ્યસ્ત બની ગયા હતા. મેઘરાજાની મહેરબાનીથી જગતનો તાત ખુશખુશાલ બની ગયો હતો.
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદનું પાણી સોમનાથ મંદિરે પહોંચવાના નેશનલ હાઇવેના વેરાવળથી સોમનાથ વચ્ચેના દસેક કીમીના રસ્તામાં ફરી વળ્યું હોવાથી ઠેર ઠેર ગોઠણડુબ પાણી ભરાયા હતા. જેમાં તાલાલા ચોકડી અન્ડરબ્રીજ પાસે, ભાલપરા ગામના પાટીયા પાસે સહિતના હાઇવેના સ્થળોએ પાણી ભરાયુ હોવાથી એક તરફનો હાઈવે બંધ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિના લીધે થોડા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ પણ થયો હતો.
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા પંથકમાં સોમવારની મોડીરાત્રીથી જ મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કરી સવાર ૬ સુધીમાં સાંબેલેધાર ૪ ઇંચ ત્યારબાદ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી વધુ ૪ ઇંચ અનરાધાર વરસાદ વરસી જતા કુલ ૮ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે સુત્રાપાડા શહેરના નીચાણવાળા વિસ્તાતરોમાં પાણી ભરાયા ગયેલ જો કે, વરસાદે વિરામ લઇ લેતા ઉતરી પણ ગયા હતા. જયારે તાલુકાના વડોદરાઝાલા, પ્રશ્નાવડા, કદવાર, લોઢવા, ધામળેજ, વાવડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાથી મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળતી હતી. પંથકના અમુક ગામોના ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો જોવા મળતા હતા. ગીર સોમનાથ જીલ્લા પંથકના ખેડુતો ઘણા દિવસોથી પીયત માટે વરસાદની રાહ જોઇ રહેલ એવા સમયે જ મેઘરાજાએ હેત વરસાવતા ખુશીની લાગણી પ્રસરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!