ગુજરાત રાજ્યમાં સારા વરસાદને પગલે ખરીફ વાવેતર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. તા.૧૦ ઓગષ્ટની સ્થિતિએ રાજ્યમાં ૭૮.૦૨ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન થઇ ગયું છે. જે કુલ વાવેતર વિસ્તારના ૯૧.૯૦ ટકા વાવેતર થઇ ગયાનું દર્શાવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૬,૬૭ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. બાજરી, મગફળી, તલ અને સોયાબીનમાં ખેડૂતોએ ૧૦૦ ટકાથી પણ વધુનું વાવેતર કર્યું છે. ૧૫ ઓગષ્ટ સુધીમાં લગભગ ખરીફ વાવેતર સંપન્ન થઇ જતું હોય છે. ત્યાર બાદ એરંડાનું વાવેતર થતું હોય છે. આ વર્ષે ખેડૂતોએ મનમૂકીને વાવેતર કર્યું છે. હાલમાં પડી રહેલા વરસાદે ખેડૂતોની મહેનતને ઉગારી લીધી હોવાની લાગણી ખેડૂત વર્ગમાં અનુભવાઇ રહી છે. આ વર્ષે ગત વર્ષની તુલનામાં ડાંગર, બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર સીડ, શાકભાજી અને ઘાસચારામાં વધારે વાવેતર જોવા મળી રહ્યું છે. આ વર્ષે ખેડૂતોએ તલના વાવેતરમાં ખૂબ રસ દાખવ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં તલનું વાવેતર ૬૨,૧૯૫ હેક્ટર હતું જેની સામે આ વર્ષે ૧,૩૭,૩૭૧ હેક્ટરમાં તલનું બમ્પર વાવેતર થવા પામ્યું છે. મગફળીમાં પણ આ વર્ષે ખેડૂતોએ વધુ વિશ્વાસ રાખીને ૫.૨૪ લાખ હેક્ટરમાં વધુ વાવેતર કર્યું છે. જ્યારે કપાસનું વાવેતર ગત વર્ષ કરતા આ વર્ષે ૩.૨૯ લાખ હેક્ટરમાં ઓછુ થયું છે. તેવી જ રીતે મકાઇ અને તમાકુંના વાવેતરમાં પણ ઘટ જોવા મળી રહી છે. ખરીફ વાવેતરમાં ઉ.ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લો, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો મોખરે છે. રોગચાળો ન હોવો, સારો વરસાદ, પિયતની બચત ખેડૂતોના પક્ષમાં હોવાથી આ વર્ષે ખેડૂતોને ખરીફ વાવેતરમાં સારો એવો ફાયદો થશે તેવી આશા ખેડૂત વર્ગ રાખી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews