ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે ત્યારે ભાજપ દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ જબરા શોનું આયોજન કરવામાં આવતા જાણકારોમાં ચર્ચા જાગી છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછુ જાણીતુ નામ છે અને તેથી જ સૌરાષ્ટ્રમાં પ્રભાવ પાડવા ભાજપ સંગઠન દ્વારા સી.આર.પાટીલનું મોટાપાયે સ્વાગત અને મિલન-મુલાકાતના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત લોકડાઉન અને કોરોનાના કારણે બજારોમાં ફરી વળેલ મંદીના કારણે વેપારીઓમાં તેમજ પાકવિમા સહિતના પ્રશ્ને ખેડૂતોમાં પ્રવર્તતી નારાજગી દૂર કરવાની મહત્વની જવાબદારી સી.આર.પાટીલના શીરે આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ તબકકામાં સી.આર.પાટીલના મોટા કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં જીલ્લા – તાલુકા-પંચાયતો, મહાનગર પાલિકાઓની સામાન્ય તેમજ ધારાસભાની ૮ બેઠકની પેટાચૂંટણીઓ પણ આવી રહી હોવાથી કાર્યકરોમાં જુસ્સો ભરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ ભપકાદાર બનાવવામાં આવી રહ્યો હોવાનું મનાય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ શહેર – જીલ્લા સ્તરના સંગઠનની પણ રચના થનાર હોય નવા પ્રદેશ પ્રમુખની નજરમાં આવવા ભાજપના સ્થાનિક હોદ્દેદારોમાં જબરી હોડ જામી છે અને તેથી પણ પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્રના પ્રવાસને વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને ગુજરાતની ભાજપ સરકારે પણ જાહેર સમારંભો યોજવા ઉપર પ્રતિબંધ મુકયો છે ત્યારે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું અંદાજે ૧૫૦થી વધુ વાહનોના કાફલા સાથે સન્માન અને ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ અને શ્રેણીબધ્ધ કાર્યક્રમો દ્વારા ભાજપ મોટો સંદેશો આપવા માગતુ હોય તેવું જણાય છે. જાે કે, સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અને ધારાસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી પૂર્વે નવા ભાજપ પ્રમુખ સંગઠનમાં પ્રાણ ફૂંકી કાર્યકરોની બેટરી ચાર્જ કરી શકશે કે કેમ ? ઉપરાંત હાલ ભાજપના થઈ રહેલા કોંગ્રેસીકરણના કારણે પ્રવર્તતી જૂથબંધી ડામવામાં નવા પ્રમુખ સફળ થશે કે કેમ ? તે તો સમય જ બતાવશે. બીજી તરફ હાલ વ્યાપાર ધંધામાં પ્રવર્તતી ભારે મંદી, બેરોજગારીના કારણે આમ નાગરિકોમાં તેમજ પાકવિમાના પ્રશ્ને ખેડૂતોમાં પ્રવર્તતી નારાજગી નવા પ્રદેશ પ્રમુખ દૂર કરી શકશે કે કેમ ? તે પણ મહત્વનો સવાલ છે. ભાજપ સંગઠન દરેક કાર્યક્રમને જાજરમાન બનાવવામાં માહિર છે અને પ્રદેશ પ્રમુખનો ત્રણ દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ પણ જાજરમાન બની રહેશે તેમાં બે મત નથી પરંતુ આ કાર્યક્રમો લોકો ઉપર કેવો પ્રભાવ પાડશે તે જોવાનું રહ્યું. સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ તબક્કાનો પ્રવાસભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનાં ચાર દિવસના પ્રવાસે આવી ગયા છે. તેમાં ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જીલ્લાને આવરી લેવામાં આવ્યા છે. જયારે આગામી દિવસોમાં અન્ય જીલ્લાઓને આવરી લેતા બે તબક્કાના કાર્યક્રમો પણ યોજાનાર છે. ભાજપ પ્રમુખ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જીલ્લાનો પ્રવાસ કરી શહેર અને જીલ્લા સ્તરના કાર્યકરો સામે સીધો વાર્તાલાપ કરી રહેલ છે. આગામી દિવસોમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લાના તેમજ જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસના કાર્યક્રમો પણ સી.આર. પાટીલ દ્વારા ગોઠવાઈ રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews