ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ ગઈકાલે સોમનાથ મહાદેવના સાંનિઘ્યે કર્યો છે. આ તકે આગામી સ્થાનીક સ્વરાજયની અને વિધાનસભાની ચુંટણીમાં ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર કમળ ખીલવવા કાર્યકરોને આર્ત્મનિભર બની કામે લાગી જવા અને આગેવાનોને જુથવાદથી ઉપર રહી સંગઠીત થઇ પાર્ટીને જીતાડવા માટે કામ કરવા પ્રમુખ પાટીલે ટકોર કરી હતી.
ગઈકાલે સવારે સોમનાથ પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું બાયપાસ ચોકડીએ માજીમંત્રી જશાભાઈ બારડ દ્વારા ૨૦૧ કાર અને તેના ઉપર ૧૨૦૦ મીટર લાંબા ભાજપના ઝંડા સાથે સાફો, તલવાર અને ફુલહારથી અદકેરૂ સ્વાગત કર્યુ હતુ. આ સ્વાગતમાં સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દિલીપભાઈ બારડ, જીલ્લા પંચાયતના ચેરમેન હરિભાઈ સોલંકી સહિતના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ પાટીલ મોટરમાર્ગે સોમનાથ મંદિરે ગયેલ જયાં મહાદેવને શીશ ઝુકાવી ઘ્વજાપૂજા-જળાભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. પરીસરમાં સરદાર પટેલ અને હમીરજી ગોહીલની પ્રતિમાને ફુલહારથી વંદના કરી હતી. સોમનાથના પાર્કીગ પાસેના યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે રખાયેલ સ્વાગત સન્માનના સ્થળે પ્રમુખ પાટીલ પહોચ્યા હતા. જયાં ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન, બ્રાહમણ, સોની, લોહાણા, સીંઘી, વાંઝા દરજી, આહીર સહિત જુદા-જુદા સમાજો, શૈક્ષણીક-સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓએ મોમેન્ટો, ફુલહારથી પાટીલનું સન્માન કર્યુ હતુ. ત્યારબાદ સન્માન સમારોહમાં જીલ્લા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ડોલરભાઇ કોટેચા, પુર્વમંત્રી જશાભાઇ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમાર, જે.ડી. સોલંકી, સીદાભાઇ પરમાર, હરદાસભાઇ સોલંકી સહિત મોટી સંખ્યામાં જીલ્લાના નેતાઓ અને કાર્યકરોએે પ્રતિકૃતિ આપી હાર-તોરા કરી સન્માન કર્યુ હતુ.
આ તકે કાર્યકરોને સંબોધતા પ્રમુખ સી.આર. પાટીલે ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક ચુંટણીઓમાં ભાજપને સતત મળી રહેલ પછડાટને લઇ આગેવાનોને આડકતરી રીતે ટકોર કરી હતી. તો કાર્યકરોને શીખ આપતા જણાવેલ કે, અમુક નેતાઓ પોતાના સ્વાર્થ માટે પ્રલોભન આપી કાર્યકર્તાઓમાં ભાગલા પડાવે છે. તો તેવા નેતાઓ સાથે ન ઉભા રહેલ અપીલ કરી હતી. આગેવાનોએ પાર્ટીમાં જુથવાદ ન ફેલાય તેનું ખાસ ઘ્યાન રાખવા ટકોર કરી હતી. ભાજપનો કાર્યકર હમેંશા નાત-જાતના ભેદ વગર ફકત કમળના નિશાનને લઇ કામ કરે છે તે રીતે તમારે કરવાનું છે. ભાજપ પાર્ટી આર્ત્મનિભર છે. જેથી હવે કોઇપણ કોંગ્રેસના ધારાસભ્ય કે નેતાને પ્રવેશ આપવામાં નહી આવે. આગામી સ્થાનીક સ્વપરાજયની કે વિધાનસભાની ચુંટણીમાં ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર કમળ જ ખીલવવાનું છે. જેની રણનીતી પ્રદેશકક્ષાએ ઘડાઇ રહી હોય કાર્યકર્તાઓએ આજથી જ કામે લાગી જવા વિસ્તૃત માર્ગદર્શન આપી અપીલ કરી હતી.
સ્વાગતના ઉન્માદમાં પ્રમુખ પાટીલને ઇજા પહોંચી
પ્રમુખ પાટીલ સન્માન સમારોહ સ્થળે પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગતના ઉન્માદમાં ગુલાબની પાંખડીઓની વર્ષાથી અભિવાદન કરવા તોપમાંથી ફટાકડો ફોડવામાં આવેલ હતો. જે ફટાકડો પાટીલની આંખ નજીક ફુટતા ઇજા પહોંચી હતી. જેના પગલે તાબડતોડ પાટીલને આંખના સર્જન પાસે લઇ ચેક-અપ કરાવી સારવાર આપવામાં આવ્યા બાદ ફરી સમારોહ સ્થળે આવી પહોંચ્યા હતા. જો કે, આ સમયે પાટીલની એક આંખ લાલ અને સોજી ગયેલ નજરે પડતી હતી. આ અકસ્માતનો ઉલ્લેવ પાટીલે પોતાના ઉદબોધન દરમ્યાન પણ કરેલ હતો. જો કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમનું ચુસ્તનપણે પાલન થયુ હોત તો સંભવતઃ અકસ્માત ટાળી શકાયો હોવાનું કાર્યકરોમાં ચર્ચાઓ ચાલી રહી હતી.
ભવ્ય સ્વાગતના ઉન્માદમાં કોવીડના નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરાયું
અત્રે નોંધનીય છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે અચંબિત કરવા માટે ભવ્ય સ્વાગતની તૈયારીઓ સ્થાનીક ભાજપ સંગઠનના નેતાઓએ કરી હતી. પ્રમુખના ભવ્ય સ્વાગતના ઉન્માદમાં ભાજપના નેતાઓ-કાર્યકરો પોતાની જ સરકારે જાહેર કરેલ કોવીડ-૧૯ની સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમનું સરેઆમ ઉલ્લધંન કરતા નજરે પડતા હતા. સમારો સ્થળે ભાજપના નેતાઓ અને કાર્યકરો ટોળે ટોળાવળેલા દ્રશ્યો નજરે પડતા હતા. તો બીજી તરફ તંત્ર પણ મુખપ્રેક્ષક બની તમાસો નિહાળતુ નજરે પડતુ હતુ. જો કે, આ વાતને લઇ દિવસભર સોશ્યલ મીડીયામાં કોવીડના નિયમો માત્ર આમ જનતા માટે જ છે ભાજપના લોકો માટે નહીં તેવી કોમેન્ટ કરી નાગરીકો અને વિપક્ષના કાર્યકરો ભાજપની ઠેકડી ઉડાડી રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews