કોઈ તો બતાવો… આમાં રસ્તો કયાં છે ?

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોનાં રસ્તાઓ અતિ બિસ્માર બની ગયા છે. રસ્તાઓ ઉપરથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બની ગયું છે. ચોમાસાનાં વરસાદનાં કારણે રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. મનપા તંત્ર દ્વારા ખાડા બુરવામાં આવે છે પરંતુ થોડા દિવસ બાદ વાહનોની અવર જવરને કારણે ફરી ખાડા પડી જાય છે. વિકાસની વાતો કરતું મનપા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાને કારણે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
જૂનાગઢ શહેરનાં બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર બની ગયો છે. અહીથી વાહન પસાર કરનારને અકસ્માતનો ભય સેવાય છે તો અમુક લોકોની કમરમાં દુઃખાવો થઈ ગયો છે. આ રસ્તા ઉપરનાં મસમોટા ખાડામાં વરસાદનું પાણી ભરાય જવાને કારણે જાણે તળાવ બની ગયા છે. ત્યારે સત્તાધીશોએ તેમાં હોડી ચલાવવી જાેઈએ તેવો રોષ ઠાલવી રહ્યા છે. આ રસ્તા ઉપરથી પસાર થવું એટલે યમરાજાથી ‘બચાવવા માટે’ પ્રાર્થના કરવા સમાન બની ગયો છે ! આ રસ્તો પસાર કરવો એટલે લોઢાનાં ચણા ચાવવા સમાન બની ગયો છે. આ રસ્તા ઉપર અનેક વખત આમ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકારણીઓ, કોર્પોરેટરો પસાર થતાં હશે, પરંતુ આમાંથી કોઈકની આ પ્રશ્ન રજુ કરવામાં મજબુરી હશે કે શું ? તેવંુ લોકોમાં ચર્ચાઈ રહયું છે. આ હદ રેલ્વે વિભાગમાં જાે આવતી હોય તો જૂનાગઢનાં સંબંધીત વિભાગ, જીલ્લા સાંસદ સભ્ય, ધારાસભ્યે તેનું સંકલન કરી સરદારપરા, જાેષીપરાની હજારોની સંખ્યાનાં લોકોનાં મહત્વનાં પ્રશ્નને વાચા આપવી જાેઈએ. આ રસ્તા ઉપરથી તમામ અધિકારી, પદાધિકારી, રાજકારણીઓ એક વખત પસાર થાય તો તેને પ્રેકટીકલ જ્ઞાન સમજાશે અન્યથા એક-બે દિવસ બાદ આ પ્રશ્ન જ કયાંય ટલ્લે ચડી જશે અને જાેષીપરા, સરદારપરાની જનતાને આ રસ્તાનાં ખાડાનાં પ્રશ્ને ટેવાઈ જવું પડશે ? જેમ કે રેલ્વે ફાટક વારંવાર બંધ થવાથી લોકોનો સમય બગડતો હતો અને હવે ઓવર બ્રીજ બનાવવાનું લોકોને સ્વપ્ન દેખાડવામાં આવે છે તેનાં કરતાં હાલ આ રસ્તા પ્રશ્ને તાત્કાલીક ધ્યાન આપવામાં આવે તો પણ લોકો સહયોગ આપનાર તમામનો હૃદયથી આભાર માનશે તેમ લોકોમાં ચર્ચાઈ રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!