જૂનાગઢનાં નાગરીકે હાઈવેઓથોરીટીનાં અધિકારીઓ સામે હત્યા અને હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરવા પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી

0

જૂનાગઢના એક નાગરિકે સોમનાથ મહાદેવના દર્શને જતી વખતે હાઇવે ઉપરના મોટા ખાડા અને તેને લીધે થતા અકસ્માત અને તેમાં મોતના બનાવમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની માંગણી કરતી લેખિત ફરિયાદ પ્રભાસપાટણ પોલીસમાં આપી છે. જૂનાગઢના ધર્મેશભાઇ પ્રવિણભાઇ ડોબરિયા (ઉ. ૩૦) આજે વ્હેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના મિત્રો કિશનભાઇ ભટ્ટ, અરવિંદભાઇ સોલંકી, ભાવિનભાઇ બારોટ અને સુમિતભાઇ અરવિંદભાઇની કારમાં જૂનાગઢથી સોમનાથ જવા નિકળ્યા હતા. હાઇવેમાં ખાડાને લઇ તેમણે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને જઇને સીધી લેખિત ફરિયાદ આપી દીધી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે, નેશનલ હાઇવે પૈસા લઇને ચાલવા માટે બનાવાયો છે. પણ આ રસ્તામાં કોઇપણ વાહન ૩૦-૩૫ની સ્પીડથી પણ વધુ ચાલી શકે એમ નથી. દર ૧૦૦ થી ૨૦૦ મીટરના અંતરે ૨ થી લઇ ૭ ફૂટ પહોળા અને ૧ થી ૩ ફૂટ ઉંડા ખાડા છે. આથી આજની તારીખથી પાછલા એક વર્ષમાં આ રોડ ઉપર જેટલા અકસ્માતો થયા હોય અને તેમાં મૃત્યુ પામ્યા હોય તેના માટે સદોષ માનવ વધનો ગુનો અને ઇજાગ્રસ્તો માટે માનવ હત્યાના પ્રયાસ માટેનો ગુનો નોંધવામાં આવે. તેવી લાગણી દર્શાવી છે.
આ રોડનું સંચાલન કરતા રોડ બનાવનાર કંપની, તેના સીઇઓ, મેનેજીંગ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ એન્જીનિયર, રોડ મેન્ટેનન્સ કરતા એન્જીનિયર, રોડના નિર્માણ માટે નિમેલા અને રોકાયેલા ઇન્સપેક્શન માટે થર્ડ પાર્ટી એજન્સીના મુખ્ય અધિકારી, નેશનલ હાઇવે ઓથોરિટીના આ રોડ માટેના કાર્યપાલક ઇજનેર, વાહન ચાલવા માટે પૈસા ઉઘરાવતી કંપનીના કોન્ટ્રાક્ટર, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર તમામ ઉપર સદોષ માનવ વધનો ગુનો અને માનવ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માંગણી છે.
હાઇવે ઓથોરિટી સફાળી જાગી
જૂનાગઢના નાગરિકે પોલીસમાં ફરિયાદ અરજી આપ્યાને પગલે આજે હાઇવે ઓથોરિટી સફાળી જાગી છે. અને ખાડાઓ પુરવા માટે જેસીબી કામે લગાડ્યાનું જાણવા મળ્યું છે.

કેટલા મોત થયા તેની તપાસ કરીશું : PI

જે રીતે ફરિયાદ અરજીમાં આક્ષેપ છે એ મુજબ, ખાડાને લીધે અકસ્માત થયો હોય અને મોત થયા હોય એવા કિસ્સા અને ખાડાને લીધે અકસ્માતમાં ઇજાગ્રસ્તના કિસ્સાની તપાસ પહેલાં કરીશું. અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનનાં પીઆઈ જી. એમ. રાઠવાએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!