અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે ખાનગી અને સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વિસ્તૃત અહેવાલ માંગી રાજ્યના તમામ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલી તમામ ઈમારતોમાં ફાયર સેફ્ટી સંશાધનો મુદ્દે તમામ પક્ષકારોને વિસ્તૃત સોગંધનામું કરવા હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના મુદ્દે ભારે ઉહાપોહ થયો હતો. હજી ગઈકાલે પણ જામનગરની જી.જી. હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગ લાગતા ૯ દર્દીઓનો બચાવ થયો હતો. આગની ઘટના બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો પુનઃ ચર્ચાના કેન્દ્રમાં છે. કારણ કે, રાજ્યમાં ફાયર સેફ્ટીનો કાયદો અમલમાં છે પરંતુ તેનો અમલ થતો નથી. અમુક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો છે ખરા પરંતુ દશેરાના દિવસે ઘોડો ન દોડે તેવી સ્થિતિમાં છે એટલે કે, જરૂરતના સમયે જ આ સાધનો કામ લાગતા નથી. ઉપરાંત જે બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાચક હોવા છતાં કર્મચારીઓમાં યોગ્ય તાલીમના અભાવે તેનો ઉપયોગ થઈ શકતો નથી. આ તમામ પરિસ્થિતિમાં લોકોના જાન-માલનો ખતરો વધી જાય છે. દરમ્યાન ફાયર સેફ્ટીની અમલવારીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજી પણ સુનાવણી કરતા હાઈકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે ખાનગી તથા સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે અને કહ્યું છે કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને દર્દીઓનાં મોત થાય તે વ્યાજબી નથી. હાઈકોર્ટે રાજ્યમાં જે પણ ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને તેની એનઓસી લેવાની હોય તેવી ઈમારતોનો વિસ્તૃત અહેવાલ જમા કરાવવાનો આદેશ આપી જણાવ્યું છે કે, આ અરજી માત્ર અમદાવાદ શહેર પૂરતી મર્યાદિત નથી. હાઈકોર્ટે તમામ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલી તમામ ઈમારતોમાં ફાયર સેફ્ટી સંશાધનો મુદ્દે તમામ પક્ષકારોને વિસ્તૃત સોગંધનામું કરવા અને સોગંધનામામાં છ સપ્તાહની અંદર જવાબ આપવા આદેશ કર્યો છે. સાથે એવી પણ ટકોર કરી છે કે, ફાયર સેફ્ટી જેવી ગંભીર બાબતો હોવાથી વધુ સમય આપવામાં નહીં આવે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews