કચરાનું કમઠાણઃ માંગરોળ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન

0

સ્વચ્છ ભારત અભિયાનની સુફિયાણી વાતો વચ્ચે માંગરોળ શહેરના ઘનકચરાની સમસ્યા નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની છે. લગભગ છેલ્લા આઠ મહિનાથી માંગરોળ પાલિકા પાસે સ્થાયી ડમ્પિંગ સાઈટ ન હોવાના કારણે ઘન કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન પેચીદો બની ગયો છે.
ભાજપ-કોંગ્રેસની સંયુક્ત બોડીના નવનિયુક્ત પ્રમુખે સત્તામાં આવતાની સાથે જ ચિમકી ઉચ્ચારી હતી કે જો ડમ્પિંગ સાઈટ નહીં મળે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. પરંતુ આ ચિમકીનો કોઇ પ્રભાવ ન પડતા સોમવારે માંગરોળ ભાજપ-કોંગ્રેસના સંપથી શાસિત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રસ્તા રોકી પાલિકાની સ્થાયી ડમ્પિંગ સાઈટની માંગ કરવી પડી હતી. માંગરોળ-કેશોદ ચોકડી બાયપાસ રોડ ઉપર પાલિકાના સેનીટેશન શાખાના કચરો ભરેલા ટ્રેક્ટરો, જેસીબી, બોલેરો, વગેરે સાધનો રસ્તાના આડે રાખી દઈ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ભાજપ-કોંગ્રેસના સત્તાધીશો રસ્તા ઉપર બેસી જઈને હાઈવે રોડ સદંતર બંધ કરી દેતા અવરજવર કરી રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માંગરોળ પોલીસે તમામની અટકાયત કરી રસ્તો ખોલાવ્યો હતો. ત્યારબાદ પાલિકા સત્તાધીશોના આદેશથી પાલિકાના તમામ સાધનો માંગરોળ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં ખડકી દીધા હતા. સત્તાધીશોના ધમાસાણ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ આખરે માંગરોળના શેરીયાજ ખાતે હંગામી ધોરણે પડતર જમીનમાં ઘનકચરો નાખવાનું નક્કી થતા જ શેરીયાજના સરપંચ દ્વારા કોઈ પણ સંજોગોમાં ત્યાં ઘન કચરો નાખવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારતી ટેલીફોનીક વાતચીતની ક્લીપ વાયરલ થઈ ગઈ છે.
માંગરોળનો ઘન કચરો હવે પબ્લીક ઈશ્યુ કમ રાજકીય ઇશ્યુ વધારે બની ગયો હોય તેવું જણાઈ આવે છે. શરૂઆતમા શાપુર રોડ ઉપર ઉદ્યોગનગરની જગ્યામાં શહેરનો ઘન કચરો ઠાલવવામાં આવતો હતો પરંતુ પાલિકાનું યોગ્ય વ્યવસ્થાપન ન હોવાના કારણે સ્થાનિકો ગંભીર બિમારીઓનો ભોગ બન્યા હતા અને નામદાર હાઇકોર્ટે ત્યાં કચરો ન નાખવા પાલિકાને હૂકમ કર્યો હતો. ત્યારબાદ બંદરના બળ વિસ્તારની બંધ પડેલી ખાણમાં કચરો ઠાલવવા પાલિકાને કલેકટર દ્વારા જગ્યા ફાળવાતાં ત્યાં કચરો નાખવામાં આવતો હતો. પરંતુ આ જગ્યા રહેણાંક વિસ્તારથી દૂર હોવા છતાં સ્થાનિક લોકોના વિરોધના ડોળ વચ્ચે ભાજપના જ રાજકીય દબાણને વશ થઈ પાલિકાએ ત્યાં કચરો નાખવાનું બંધ કરી દિધેલ. ત્યારબાદ કરમદી ચિંગરીયામા કચરો નાખવાનું શરૂ કરતા કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓએ સ્થાનિક લોકોની સાથે રહીને વિરોધ કરેલ, ત્યારબાદ ચોટલી વીરડીમા કામઠાણ જતા ત્યાં પણ સ્થાનિકોનો વિરોધ થતા આખરે માંગરોળના મકતુપુર સીમ વિસ્તારમાં કચરો નાખવાનું નક્કી કરેલ. પરંતુ ત્યાં પણ ખુદ ભાજપના સાંસદ સ્થાનિકો સાથે વિરોધમાં આવતા ઘન કચરા માટે એ જ વિડંબણા ઉભી થયેલ હતી.
પાલિકાના વ્યવસ્થાપનના અભાવે દરેક જગ્યાએ ઘન કચરો નાખવાના વિરોધ વચ્ચે અધિકારીઓએ કચરાના વ્યવસ્થાપન કરવા માટે દર વખતે પાલિકાને નવી જગ્યાની ફાળવણી કરવામાં આવી પરંતુ દરેક જગ્યાએ પાલિકાને કયાંક કોંગ્રેસ તો ક્યાંક ભાજપની વોટબેંકના રાજકારણ વચ્ચે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે હવે માંગરોળ પાલિકામા ભાજપ અને કોંગ્રેસ સંપથી ગઠબંધન કરીને સત્તામાં ભાગીદારી બન્યા ત્યારે મહામારીના દિવસોમાં આંદોલન કોની સામે કરી રહ્યા છે? ભાજપ સરકાર સામે કે ભાજપ શાસિત સરકારના હોદ્દો ધરાવતા લોકો સામે? અઢી વર્ષથી સુસ્ત રહેલા વિપરીત વિચારધારા ધરાવતા બંને પક્ષોના સદસ્યો શું ખરેખર પ્રજા માટે રસ્તા ઉપર બેઠા છે કે પછી જનઆક્રોશ શાંત કરવા ? આખરે દરવખતની જેમ ઘન કચરા માટે શેરીયાજ ખાતે નવી જગ્યા તો મળી ગઇ પરંતુ એ સાથે વિરોધની ચિમકી પણ સાથે જ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસની રાજનીતિમાં માંગરોળની જનતાને ગંદકી કચરાથી છૂટકારો મળશે કે આવા જ તાયફાઓ થાશે તે આવનારો સમય બતાવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!