ગીર સોમનાથ જીલ્લામાં સૌથી વધુ તાલાલામાં ૭૦ ઇંચ, સૌથી ઓછો ઉનામાં ૪૫ ઇંચ વરસ્યો

0

ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં ચાલુ વરસાદની સીઝનનો સરેરાશ ૧૫૧ ટકા ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાલાલા ગીરમાં ૭૦ ઇંચ જયારે સૌથી ઓછો ઉનામાં ૪૫ ઇંચ વરસાદ વરસ્યો છે. જે જીલ્લાના સરેરાશ વરસાદ કરતા ૫૧ ટકા વધુ છે. જીલ્લાના છ તાલુકામાં સરેરાશ કરતા ૨૭ થી ૮૦ ટકા સુઘી વધુ વરસાદ વરસ્યો છે. જેના લીધે ખેતરોથી લઇ રોડ-રસ્તાઓને ભારે નુકશાન થયુ છે તો ઢોર-ઢાખર તણાય જવા, લોકોના ડુબી જવા જેવી જાનહાનિ સાથે મકાનો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા છે.
છેલ્લા એકાદ માસથી સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં સતત વરસાદ વરસી રહેલ હતો. જેમાં છેલ્લા અઠવાડીયામાં જીલ્લાના છ તાલુકામાં મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્યા બાદ ત્રણ-ચાર દિવસથી વિરામ લેતા લોકો અને ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. ચાલુ વર્ષની ચોમાસાની સીઝનમાં જુનથી ઓગષ્ટ સુધી એટલે કે ત્રણ મહિનામાં જીલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦.૫૫ ટકા થયો છે. જેમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ તાલાલા ગીરમાં ૭૦ ઇંચ જયારે સૌથી ઓછો ઉનામાં ૪૫ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બાકીના તાલુકાઓમાં વેરાવળમાં બાવન ઇંચ, સુત્રાપાડામાં ૬૧ ઇંચ, કોડીનારમાં ૫૯ ઇંચ, ગીરગઢડામાં બાવન ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં તંત્ર દ્વારા નકકી થયેલા સરેરાશ કરતા ૨૭ થી ૮૧ ટકા સુધી વરસાદ વરસેલ છે. સમગ્ર જીલ્લામાં ચાલુ સીઝનમાં સતત વરસેલ વરસાદ અને તેના લીધે ડેમો ઓવરફલો થવાની અને નદીઓમાં આવેલ પુરના લીધે જીલ્લામાં વાવેતર કરાયેલા પાકોને વ્યાપક નુકશાન થયું છે. ચાલુ વર્ષે જીલ્લામાં કુલ ૧ લાખ ૪૬ હજાર ૨૪૬ હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થયુ હતુ. જેમાં સૌથી વધુ ૧ લાખ ૨ હજાર ૭૫૯ હેકટરમાં મગફળીનું, ૧૨૪૦૯ હેકટરમાં કપાસ, ૫૧૫૯ હેકટરમાં સોયાબીન, ૪૪૭૭ હેકટરમાં શાકભાજી, ૧૯૨૭ હેકટરમાં શેરડીના તેમજ અન્યમાં ઘાસચારો, બાજરી, તલ કઠોળનું વાવેતર થયુ હતુ. જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાના પગલે વાવેતર કરાયેલા મોટાભાગના પાકોને વ્યાપક નુકશાન થયુ હોવાનું ખેડુતોએ જણાવી સરકાર સમક્ષ સહાયની માંગણી કરી રહયા છે. જો કે, સરકારે પણે પડેલ ભારે વરસાદની નોંધ લઇ સત્વરે ખેડુતોના પાકોને થયેલ નુકશાનીનો સર્વે કરાવવા ૨૨ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે. એકાદ માસની અંદર તમામ ટીમોનો સર્વે પુરો થયા બાદ નુકશાનીની સાચી હકકીત જાણવા મળશે તેમ ખેતીવાડી અધિકારી એસ.બી. વાઘમશીએ જણાવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં પડેલ ભારે વરસાદથી ૨૦ પશુઓ તણાવા સહિતના કારણોથી મૃત્યું પામ્યા છે. જયારે વીજળી પડવાથી ૩, ડુબી જવાથી પાંચ અને અન્ય કારણોથી બે મળી કુલ ૧૦ લોકોના મૃત્યું થયા છે. પાકા મકાનો -૧૦, કાચા મકાનો -૧૭૪ તથા સરકારી મકાન -૧ ધરાશાયી થયા છે.
બીજી તરફ ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાાઓને પણ ભારે વરસાદથી વ્યાપક નુશાન થયુ હોય તેમ ક્ષતિગ્રસ્ત બન્યા છે. જેના પગલે જીલ્લા પંચાયતા માર્ગ અને મકાન વિભાગે તાબડતોડ પેચવર્કની કામગીરી યુઘ્ઘના ધોરણે શરૂ કરી દીધી છે. જેની વિગત આપતા પંચાયતના કાર્યપાલક ઇજનેર એસ.જે. મછારે જણાવેલ કે, જીલ્લાના ગ્રામ્ય વિસ્તાારોના ૧૦૫૮ કીમીની લંબાઇના માર્ગો જીલ્લા પંચાયત હસ્તકના જ છે. જેમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બનેલાની માહિતીના આધારે વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાના કુલ ૬૯ કીમીના રસ્તાઓની રીપેરીંગ કામગીરી પુર્ણ કરી દેવાયેલ છે. આગામી દિવસોમાં જેમ જેમ સરપંચો અને મંત્રીઓની રસ્તા બિસ્માર બની ગયાની માહિતી આવશે તે મુજબ પેચવર્કની કામગીરી કરવાનું આયોજન કરાયેલ છે. જયારે જીલ્લામાં જુદા-જુદા પાંચ પુલોના એપ્રોચ ભારે વરસાદના કારણે ધોવાય ગયેલ જે તમામને યુઘ્ઘના ધોરણે રીપેરીંગ કરી દેવાયેલ છે. જીલ્લામાં ૮૦ કીમીના સ્ટેટ હાઇવે બિસ્માર બની ગયા હોય જેનું રીપેરીંગ કામ પણ ટુંક સમયમાં શરૂ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!