દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન સાથે પોલીસ બેડામાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા જુગાર અંગેના વાયરલ થયેલા વિડીયો સંદર્ભે ભારે ઉહાપોહ થયા બાદ ગત સાંજે જિલ્લા પોલીસ વડાએ આકરૂ પગલું લઈ, ખંભાળિયા પોલીસ મથકના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. જ્યારે નબળી કામગીરી સબબ અન્ય ત્રણ પોલીસની બદલીનો હુકમ કર્યો છે. પોલીસ બેડામાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ કથિત વીડિયો આશરે પચીસેક દિવસ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જુગાર અંગેના ખંભાળિયા પોલીસના દરોડા બાદ પોલીસ મથકમાં કેટલાક પોલીસ કર્મચારીઓ આરોપીની હાજરીમાં જુગાર રમી રહેલા હોવાની વાતોએ ભારે ચર્ચાનું જોર પકડ્યું હતું. સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા વિડિયો સાથે અન્ય એક ઓડિયો રેકોર્ડિંગ પણ સોશ્યલ મિડીયામાં વહેતું થયું હતું. જેમાં પોલીસ કર્મચારીઓના નામજોગ આક્ષેપ કરાયા હતા. આ કથિત વિડિયો તથા ઓડિયો સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશો તથા આ અંગેના રિપોર્ટ બાદ સોમવારે સાંજે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસ મથકના એલ.આર. શક્તિસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજા નામના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જ્યારે અહીંના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આસપારભાઈ મોવર, સામતભાઈ ગઢવી તથા જીતુભાઈ જામ નામના ત્રણ પોલીસ કર્મીઓના નબળી કામગીરીના કારણસર ઓખા મંડળમાં બદલીના ઓર્ડરો પણ કરવામાં આવ્યા છે. આમ, ખંભાળિયાના વિડિયો તથા ઓડિયો પ્રકરણ સાથે પોલીસ કર્મચારીઓના સામુહિક સસ્પેન્શન તથા નબળી કામગીરી બદલ ત્રણની બદલીના ઓર્ડરે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. ખંભાળિયા પોલીસ મથકના સાત પોલીસ કર્મચારીઓના સામૂહિક ઓર્ડરો થતા અહીંના ડી સ્ટાફનું વિસર્જન થયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.