કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારથી જ દેશમાં ખાનગીકરણને સૌથી વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જાણે કે ખાનગીકરણને વધારવા સરકાર તેની બેનમૂન સરકારી સેવાઓ ઉપર ધ્યાન આપતી નથી. જેના લીધે ટપાલ સેવાને મરણતોલ ફટકો પડ્યો છે. એક સમય એવો હતો, જ્યારે ટપાલની સેવાઓના ઉદાહરણ અપાતા હતા, પરંતુ કેન્દ્ર સરકારની ખાનગીકરણ વધારવાની નીતિને લીધે આજે ટપાલ સેવા સાવ ખાડામાં ગઈ છે, કહીએ તો નવાઈ નહીં. કેમ કે, જે ટપાલ સેવામાં પાર્સલ ઝડપથી પહોંચાડવા માટે સ્પીડ પોસ્ટની સુવિધામાં જ પાર્સલ સાત-સાત દિવસ સુધી પહોંચતું નથી તો પછી સામાન્ય ટપાલ યોગ્ય સરનામે યોગ્ય સમયે પહોંચતી હશે કે કેમ ? તે એક સવાલ છે. એટલે કે, ભારતીય ટપાલની “સ્પીડ પોસ્ટ સેવા”ને સ્પીડ બ્રેકર લાગી ગયું છે. જેને જાેતા લોકો ટપાલની કથળેલી સેવાથી કંટાળીને તેનો ઉપયોગ કરવાનું છોડીને અને આખરે સરકારને “ભાવતું હતું અને વૈદે કીધું”ની જેમ ટપાલ સેવાનું ખાનગીકરણ કરવાનો મોકો મળી જાય. વિગતવાર વાત કરીએ તો દેશમાં વર્ષોથી ચાલતી ભારતીય ટપાલ સેવાને વધુ સવારવાના દાવા જરૂર કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ટપાલની સૌથી પ્રથમ પ્રાથમિક સેવા એવી સ્પીડ પોસ્ટ સેવા ઉપર જ સરકાર ધ્યાન આપતી નથી. તેનું તાજું ઉદાહરણ અમદાવાદ શહેરમાં જાેવા મળ્યું છે. અમદાવાદની એક જાણીતી હસ્તી વર્ષોથી ટપાલ સેવાનો નિયમિત ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો ટપાલ સેવામાં ભારે બેદરકારી કહો કે, લાસરિયું ખાતું ચાલતું હોય તેમ એક સ્પીડ પોસ્ટ સાત-સાત દિવસ સુધી તેમને મળતી નથી. એટલે તેમને નાછૂટકે ખાનગી કુરિયર સેવાનો લાભ લેવાની ફરજ પડે છે. આ અંગે અમદાવાદની જાણીતી હસ્તીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વર્ષોથી હું મેગેઝીન, પુસ્તકથી લઈને કોઈપણ વસ્તુની આપ-લે માટે ટપાલ સેવાનો જ ઉપયોગ કરૂં છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારે ત્યાં સ્પીડ પોસ્ટથી આવતું પાર્સલ સાત-સાત દિવસ બાદ મળે છે તો પછી સ્પીડ પોસ્ટનો મતલબ જ શું ? જાે કે, એક સમય હતો, ત્યારે આ જ બેનમૂન ટપાલ સેવાની તારીફ કરતા કરતા અમે થાકતા ન હતા. પરંતુ આજે જાણે સરકાર આ ટપાલ સેવા બંધ કરવા માંગતી હોય તેમ તેની પ્રત્યે ઉદાસિનતા દાખવી રહી છે. એટલે નાછૂટકે મારે ઘણીવાર ખાનગી કુરિયર સેવાનો લાભ લેવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૪ પછી કેન્દ્રમાં આવતા જ ભાજપ સરકારે એરપોર્ટ અને રેલવે સેવાનું ખાનગીકરણ કરવાનું શરૂ કરી દીધું છે, ત્યાં જ બીએસએનએલ અને ટપાલ સેવા પણ નામ પૂરતી જ ચાલી રહી છે. તેમાં આધુનિકતા લાવીને ખરા અર્થમાં તેને બેઠી કરવાનું કામ થાય તો સારૂં, નહીંતર જે રીતે બીએસએનએલ અને ટપાલની સેવા કથળી છે. તેને જાેતા એવું લાગી રહ્યું છે કે, આ સેવા ખાનગીકરણના વમળમાં બહુ જલદી ફસાય જાય તો નવાઈ નહીં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews