જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આંગણવાડી, તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો આક્ષેપ

0

જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો કેટલાક ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે સરકારની વેબસાઈટમાં થયેલી ભૂલને કારણે નીચી મેરીટવાળા ઉમેદવારો પાસ થયેલ હોવાનો અને ઉંચી મેરીટવાળાને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈસીડીસી શાખા દ્વારા જૂનાગઢ જિલ્લામાં ર૭પ જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કુલ ૪૯૦૦ જેટલી અરજીઓમાંથી ૧૬૮૪ અરજીઓ મેરીટના આધારે લેવામાં આવી હતી. તેમાંથી ૯૪ અરજીઓ અપીલમાં બોલાવાઈ હતી. માળીયા અને કેશોદથી આવેલા અનેક મહિલા ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, સરકારની વેબસાઈટમાં અનેક ભૂલોને કારણે ઉમેદવારોએ તેનો ભોગ બનવું પડેલ છે. સુધારા માટે મોકલવામાં આવેલ લીંકમાં પણ ભૂલો છે જેના કારણે હાલ ધોરણ ૧૦ વાળા ઉમેદવારો પાસ થઈ ગયા છે અને પીટીસી, બીએડ પાસ કરેલા ઉમેદવારો નાપાસ થયા છે. ઓનલાઈન અરજીમાં ભૂલને લઈ ૪૯૦૦ અરજીઓમાંથી ૩ર૦૦ અરજી રદ કરવામાં આવેલ છે. માત્ર સરકારી તંત્રની ક્ષતિને કારણે ઉમેદવારોને સહન કરવું પડેલ હોય આ અંગે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જાે કે, આ અંગે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુું કે, સરકારના ધારાધોરણ મુજબ જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. કોઈ સાથે અન્યાય થયેલ નથી અને મેરીટ લીસ્ટના આધારે જ કામગીરી કરવામાં આવી રહી છે.
જગ્યાની ભરતીનું નોટીફીકેશન કેટલા સમજયા હતાં ?
કોઈપણ નાગરીકનો રહેઠાણ અંગેનો પુરાવો આપવા માટે એકમાત્ર આધારકાર્ડને વેલીડ ગણવામાં આવે છે. પરંતુ તાજેતરમાં આંગણવાડી-તેડાગરની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં જે તે અરજદાર પાસે જે તે વિસ્તારમાં રહે છે તેવું સોગંદનામું પણ કરાવવામાં આવ્યું. આ સોગંદનામામાં પહેલા કોર્પોરેટરનો દાખલો, ત્યારબાદ એફીડેવીટ કરાવવું પડે અને એના માટે વેરીફીકેશન માટે સીટી મામલતદાર સહી-સિકકા કરે ત્યારબાદ આ અરજદાર પોતાની અરજીને ઓનલાઈન કરી શકે. આંગણવાડી-તેડાગરની ભરતીમાં મહિલાઓ-યુવતીઓ કે જેમની પાસે આવકનું કોઈ સાધન ન હોય તેવા જરૂરીયાતમંદોને નોકરી આપવાનો ઉદેશ રહેલો છે. પરંતુ આવી બધી પ્રક્રિયાને કારણે આંગણવાડી-તેડાગરમાં નોકરી મેળવવા માંગતા ઘણી એવી મહિલાઓ અને યુવતીઓ છે કે જેઓએ અરજી કરવાનું જ માંડી વાળ્યું ! અથવા તો અડધે સુધી પ્રક્રિયા પૂર્ણ કરી હતી પરંતુ ત્યારબાદ અટકાવી દીધું. વિશેષમાં જે જગ્યા ઉપર ભરતી કરવાની હતી તે જગ્યાઓ માટે એવું કોઈ નોટીફીકેશન ન હતું કે આમાં ફકત અને ફકત પરણીત મહિલાઓને જ લેવાની છે. અનેક સામાન્ય રીતે જેમ બને છે તેમ આ જગ્યા ઉપર લગભગ મોટાભાગે મહિલાઓ યુવતીઓએ અરજીઓ કરી હતી. ધો. ૧૦ કે ધો. ૧ર પાસને જ લેવાના છે તેવું પણ કોઈ જણાવેલ ન હોય જેને કારણે હાઈકવોલીફકેશનવાળા લાયક ઉમેદવારોએ પણ અરજીઓ કરી હતી. આમ આ ભરતી પ્રક્રિયા સદંતર અનેક ક્ષતિઓ વાળી હોવાની અનેક ફરીયાદો ઉઠી છે જેથી આ ભરતીની પ્રક્રિયા હાલનાં સંજાેગોમાં સ્થગીત કરી અને નવેસરથી ભરતીની પ્રક્રિયા પુર્નઃ હાથ ધરવાની માંગણી ઉઠવા પામી છે. ચોકકસ નિયમો અનુસાર, ચોખ્ખી માર્ગદર્શીકા બહાર પાડી અને પારદર્શક રીતે ભરતી કરવાની માંગણી ઉઠી છે.

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનું લાઈવ રીપોર્ટીંગ….
આંગણવાડી-તેડાગરની ભરતીનાં ફોર્મ ભરવામાં લોકોને પગમાં પાણી આવી ગયા !
જૂનાગઢ જીલ્લા પંચાયત દ્વારા આંગણવાડી-તેડાગરની જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કેટલીય શિક્ષીત-પરણીત મહિલાઓને આ જગ્યા માટે આશા બંધાઈ હતી. પરંતુ તેમને કયાં ખબર છે કે આ જગ્યા માટે ફોર્મ ભરવામાં કેટલા કોઠા પાસ કરવા પડશે ? સૌ પ્રથમ કોર્પોરેટરનો દાખલો લેવા ધકકા, એફીડેવીટ કરાવવા ધકકા, મામલતદાર ઓફીસમાંથી દાખલો કઢાવવા કલાકો સુધી ભર તડકામાં લાઈનમાં ઉભા રહયા… કેટલીક મહિલાઓને મજબુરીવશ નાના બાળકોને સાથે રાખવા પડતાં હતાં તેની ચીચીયારી તમે સાંભળો તો તમારૂ હૃદય પણ દ્રવી ઉઠે તેવી સ્થિતિ વચ્ચે અરજદારો દોડાદોડી કરી રહયા હતાં પરંતુ…. અંતે તેમને મળ્યું શું ? આ બધા પાછળ અરજદારોને કેટલો ખર્ચ કરવો પડયો અને કેટલો સમયનો વેડફાટ થયો તે તો રીજેકટ થયેલ અરજીનાં અરજદારોનું મન જાણે છે. જયારે આ જગ્યાનું મેરીટ બહાર પડયું ત્યારે કેટલાયની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. સત્તાવાળાઓએ ઓનલાઈન અરજી કરવાનું કહેલ પરંતુ અરજદારને કોઈ માહિતી પણ ન હોવાથી ભારે મુશ્કેલી પડી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!