રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દર્દીઓની સારવારમાં ઓક્સિજન અત્યંત મહત્ત્વપૂર્ણ હોઈ તેની માંગ ખૂબ જ વધવા પામી છે. જેમાં કેટલીક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જવાની પણ ફરિયાદો ઉઠતા રાજ્ય સરકારે હવે વિશેષ જાહેરનામું બહાર પાડી ઓક્સિજન ઉત્પાદક એકમોને તેમના ઓક્સિજન ઉત્પાદન પૈકી પ૦ ટકા સુધીનો જથ્થો જ ઔદ્યોગિક વપરાશ માટે આપી શકાશે તેવી સૂચનાઓ જારી કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એટલું જ નહીં આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડિકલ ઓક્સિજનની માંગ ખૂબ જ વધી છે. આવા સંજાેગોમાં મેડિકલ ઓક્સિજનની માંગને પહોંચી વળવા રાજ્યમાં વિશેષ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે. તે ઉપરાંત અનિવાર્ય સંજાેગોમાં જાે મેડિકલ ઓક્સિજનની તાકીદે જરૂરિયાત ઊભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ છ મહિનાની સજા તેમજ દંડની જાેગવાઈ છે.
રાજ્યમાં મેડિકલ ઓક્સિજનનો હાલમાં વપરાશ આશરે ૨૫૦ ટન જેટલો છે અને મેડિકલ ઓક્સિજનના લાયસન્સ ઉત્પાદકો કુલ ૫૨ (બાવન) છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે ૫૦ (પચાસ) કાર્યરત છે. મેડિકલ ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અન્વયે રાજ્યના ઓક્સિજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સિજનનું ઉત્પાદન કરવાનું રહેશે. તેઓના કુલ ઉત્પાદનના ૫૦% ઓક્સિજન ફરજિયાતપણે મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે. ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. એમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews