૩૮ જાતના પ્રાણીઓના વસવાટ મનાતા ગીર અભયારણ્યનો આજે પપ મો જન્મદિન

૧૮ સપ્ટેમ્બરનો દિવસ સિંહ પ્રેમીઓ માટે યાદગાર દિવસ છે. આજથી પપ વર્ષ પહેલાં ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬પ ના દિવસે ગીર જંગલના ૧૪૧ર.૧૩ ચો. કિ.મી.ને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ હતું. એવા ગીર અભયારણ્યમાં આગામી તા. ૧૬ ઓકટોબર, ર૦ર૦થી મુલાકાતીઓ માટે શરૂ થઈ રહયું છે. જંગલમાં વસ્તા ૩૮ જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ માટેના આશ્રયસ્થાન એવા ગીર અભયારણ્યના પપ માં જન્મદિવસની આજે ઉજવણી થઈ રહી છે.
૧૯મી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ગીર તથા આજુબાજુના વિસ્તારના જંગલમાં સિંહની સંખ્યા રાજા-રજવાડાઓ દ્વારા તથા બ્રિટિશ અધીકારીઓ દ્વારા કરાતા શિકાર, ટ્રોફી હન્ટિંગને કારણે સિંહોની સંખ્યા માત્ર ૬૦ થી ૧૦૦ સુધીની થઈ ગઈ હતી. સન ૧૯૦૦માં જૂનાગઢ રાજયના નવાબ રસુલખાનજીએ બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝનને સિંહના શિકાર માટે આમંત્રણ આપેલ હતું. તે સમયે બોમ્બેના એક અંગ્રેજી સમાચારપત્રમાં કોઈ જાગૃત નાગરિકે લખેલ પત્ર પ્રસિધ્ધ થયો હતો. ‘વાઇસરોય કે તોડફોડીયા?’ શીર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલ પત્રમાં, જો આ રીતે શિકાર થતા જ રહેશે તો નજીકના ભવિષ્યમાં ધરતી ઉપર એશિયાઇ સિંહોનું અસ્તિત્વ જ નહીં રહે, એવી ભીતિ પ્રદર્શિત કરવામાં આવેલ. લોર્ડ કર્ઝનની જાણમાં આ સમાચાર આવ્યા, તેથી તેઓ ગીરમાં શિકાર કરવા જવાને બદલે જૂનાગઢથી જ પાછા ફરી ગયા હતા. પરત ફરતી વખતે તેઓએ નવાબને અનુરોધ કરેલ કે હવેથી સિહોનાં શિકાર બંધ કરી, તેમનું સંરક્ષણ કરવાની જરૂર છે. માત્ર એક જાગૃત નાગરિક કે, એક દૈનિક સિંહના સંરક્ષણમાં કેટલું મહત્વનુ યોગદાન આપી શકે તેનું આ સચોટ ઉદાહરણ છે! આમ તો નવાબ રસુલખાનજીના પૂર્વજ નવાબ મહોબતખાનજી બીજા એ સન ૧૮૭૯માં વન્ય પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મુકતા નિયમો બનાવેલ, પરંતુ જુદા જુદા કારણોસર તેનો કડકાઇથી અમલ થઈ શકયો નહોતો. ત્યાર પછી જૂનાગઢના છેલ્લા નવાબ મહોબતખાનજી ત્રીજા એ સિંહ તથા બીજા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પગલાં લીધા. ભારતની આઝાદી પછી પણ સૌરાષ્ટ્ર સરકાર બાદમાં ગુજરાત રાજય તેમજ કેન્દ્રની ઉત્તરાત્તર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, સમાચાર માધ્યમો અને સ્થાનિક લોકોના મૂલ્યવાન પ્રદાનથી ગીરના સિંહની વસ્તી અત્યારે ૭૦૦ આસપાસ પહોંચી છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં વસી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકામાં ગીર જંગલ અને સિંહોએ ચડાવ-ઉતાર જોયા છે. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૫ના દિવસે ગીર જંગલના ૧૪૧૨.૧૩ ચોરસ કિલોમીટરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. તેથી ૧૮ સપ્ટેમ્બર એક મહત્વનો અને યાદગાર દિવસ છે. ગીર તથા સિંહ પ્રેમીઓ આનંદથી કહો શકે કે આજે શુક્રવાર, તારીખ ૧૮-૦૯-૨૦૨૦ નાં રોજ ગીર અભયારણ્યનો ૫૫ મો જન્મદિવસ છે!
કોવિડ-૧૯ તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તારીખ ૧૬ ઓકટોબર, ર૦ર૦થી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ ખુલી રહ્યું છે. ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન, દેવળિયા ૧લી ઓકટોબર, ર૦ર૦થી શરૂ થઈ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓને જણાવતા આનંદ થાય છે કે જંગલમાં ૩૮ જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, વિગેરે વસે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, ચોટલીયો સાપમાર ગરૂડ, ચોટલીયો બાજ, નવરંગ, દૂધરાજ, પીળક, વૂડપેકર, રાજ ગીધ, કલકલિયો, શીંગડીયો ઘુવડ, વિગેરે જેવા ૩૦૦ જાતિના સુંદર પક્ષીઓ છે. એટલે જ તો જાણીતા પક્ષીવિદ ડોકટર સલીમ અલીએ એક વખત કહ્યું હતું કે, ગીર જો સિંહનું અભયારણ્ય ન હોત તો જરૂર એક સુંદર પક્ષી અભયારણ્ય હોત! આ ઉપરાંત ગીરમાં અજગર, કોબ્રા, રૂપસુંદરી, મગર, કેમેલિયોન, વિગેરે જેવા ૩૭ જાતિના સરીસૃપ છે અને આશરે ૨૦૦૦ જાતના કીટકો પણ વસે છે. ત્યાં બારે માસ વહેતી સાત નદીઓ છે. જો આપને સિંહના નિવાસસ્થાનની સમૃધ્ધી જોવી અને માણવી હોય તો આપની સાથે આવેલા ગાઈડને જરૂર જણાવશો કે આપને આ બધી જીવસૃષ્ટિ પણ જોવી છે. અત્યારે કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં આપણે પસાર થઈ રહ્યા છીએ તેથી આપનું અને આપની આસપાસના દરેક લોકોનું ધ્યાન રાખી તકેદારીરૂપે સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું હિતાવહ છે.
જંગલમાં જવા માટેની પરમિટ માત્ર એડવાન્સમાં ઓનલાઇન જ બુક કરી શકાય છે. પરમિટ બુક કરવા માટેની એક માત્ર અધિકૃત સાઈટ-લિંક રંંॅજઃખ્તૈર્ઙ્મિૈહ.ખ્તેટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ છે. પરમિટ બુકિંગ ઉપરાંત ગીર વિષેની બીજી ઘણી રસપ્રદ માહિતી પણ આ લિંક ઉપર કિલક કરવાથી મળી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!