જૂનાગઢની અદ્યતન સુવિધાથી સજ્જ અને કરોડો રૂપિયાના ખર્ચવાળી જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની પુરતી સાર સંભાળ લેવામાં આવતી નથી, મૃત્યુને છુપાવવામાં આવે છે તેવા અહેવાલથી સરકારી તંત્ર પાસે જવાબ આપવો મુશ્કેલ પડી રહ્યો છેઅને તબીબોની બેદરકારીના કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા હોવાની અનેક ફરિયાદોના પગલે સિવિલ હોસ્પીટલના રેઢીયાળ બની ગયેલા તંત્રને વ્યવસ્થિત કરવા અને જૂનાગઢના આંગણે જ સિવિલ હોસ્પીટલમાં દાખલ થનારા દર્દીઓને સારી સુવિધા અને આરોગ્ય સેવા મળી શકે તેવા મક્કમ નિર્ધાર સાથે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી દ્વારા સિવિલ હોસ્પીટલમાં ધામા નાખવામાં આવ્યા છે અને દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા આદેશો જારી કરવામાં આવ્યા છે.
વૈશ્વિક મહામારી કોરોનાને નિયંત્રણમાં લેવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને મળતી સારવાર સુવિધા સહિતની બાબતો અંગે જાણકારી મેળવી હતી. બન્ને અધિકારીઓ પી.પી.ઇ. કીટ પહેરી કોરોના વોર્ડ અને આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓ પાસેથી પણ સારવારની વિગતો મેળવી હતી. કલેક્ટરશ્રીએ કોરોના વોર્ડ સાથે આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓને અપાતી સારવારની ડોક્ટરો પાસેથી વિગતો મેળવવા સાથે ડોક્ટરોને દર્દીઓની સારવારમાં તેમજ સુવિધામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા-સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તકેદારી લેવા હોસ્પીટલ તંત્રને જણાવ્યુ હતું. ઉપરાંત કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સંબંધીઓને એક જ હેલ્પ ડેસ્ક ઉપરથી હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને મળતી સારવારની વિગતો મળે તેમજ વીડીયો કોલીંગની સુવિધા મળતી થાય તે અંગે વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સ્પષ્ટ સુચનાઓ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જૂનાગઢ હોસ્પીટલના અધિક્ષક ડો.બગડાએ આ તકે જણાવ્યું કે, જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓને રાજકોટ ખાતે મળતી સુવિધાઓ અને સારવાર મળે તેવા અમારા પ્રયાસો છે. તે માટે હેલ્થ ઓફીસર ડો.રવિ ડેડાણિયા તેમજ સિવિલના આર.એમ.ઓ. ડૉ.સોલંકીએ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સાથે રાજકોટ સિવિલની મુલાકાત પણ લીધી હતી. ઉપરાંત સિવિલમાં આવતા કોરોના દર્દીઓને સમયસર શ્રેષ્ઠ સારવાર મળે તેમને સારવારમાં વિલંબ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા કામ શરૂ કરાયું છે. તેમજ દર્દીઓના સંબંધીઓને વિગતો મળતી રહે તેની તકેદારી લેવાશે. હાલ સિવિલ હોસ્પીટલ ખાતે કોરોનાના ૯૭ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમને આઇ.સી.યુ. સહિતની સુવિધા આપવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews