એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતા તરફ ડગ માંડી રહેલ છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ આવ્યા છે. રોપવે સાઈટ ઉપર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર ઉપર દોરડા લગાવીને તેના ઉપર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે. સૌ પ્રથમ ખાલી ટ્રોલી ટ્રાયલ બાદમાં તેમાં વજન ભરીને ક્રમશઃ અલગ અલગ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ તમામ કામગીરી ઓસ્ટ્રીયાથી આવેલા નિષ્ણાંતોની દેખરેખમાં થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉન દરમ્યાન કામગીરી બંધ હતી અને ભારતમાં સંક્રમણને જોતાં ચારેય નિષ્ણાંતો સંપૂર્ણ આઈસોલેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે. ઓક્ટોબર સુધી ગિરનાર રોપવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં સમગ્ર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ ૯ ટાવર ઉભા કરાયા છે. તેમાં ૬ નંબરનો ટાવર કે જે ગિરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે. જેની ઉંચાઈ ૬૭ મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કી.મી.નું છે જે રોપવેથી પ્રવાસીઓ ૭ મીનીટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં ૨૪ ટ્રોલી લગાવાશે. એક ટ્રોલીમાં ૮ લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં ૧૯૨ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. આ ગિરનાર રોપવે પ્રોજેક્ટથી યાત્રિકોના સમય અને ઉર્જામાં બચત થશે. ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે. કોરોનાના લોકડાઉન પહેલા મેં માસના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. ત્યારે તો ચર્ચા પણ હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે પહેલી ટ્રીપમાં ગિરનાર ઉપરના અંબાજી માતાના મંદિરે શીશ નમાવશે તેવી અટકળો પણ હાલ ચાલી રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews