સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીને છ મહિના પૂર્ણ થઈ ગયા છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સ્કૂલ અને સિનેમા સિવાયના તમામ વેપાર-ધંધા ખોલવાની છૂટ આપી દીધી છે. સાથો-સાથ વ્યાપાર-ઉદ્યોગને ધમધમતા કરવા માટે સરકાર શ્રેણીબધ્ધ રાહતો આપી જરૂરી છૂૂટછાટો પણ આપી રહી છે. પરંતુ, ‘ખાટલે મોટી ખોટ’ કહેવત મુજબ તમામ પ્રકારની કચેરીઓમાં તાલુકા-જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર શિથીલ થઈ ગયું છે અને કોરોનાના બહાના હેઠળ રૂટીન તથા ઘણા અગત્યના કામો પણ છેલ્લા ચાર-પાંચ મહિનાથી થતાં નહીં હોવાથી લોકોમાં દેકારો મચ્યો છે. રાજયની તમામ જિલ્લાની જ વાત લઈએ તો દરેક કલેકટર કચેરીમાં છેલ્લા ચાર મહિનાથી સામાન્ય પ્રજાજનોના એકપણ ખાનગી પ્રકરણનો નિકાલ થયો નથી. કચેરીઓમાંથી કોવિડની કામગીરીમાં ‘સાહેબો’ વ્યસ્ત હોવાના મૌખીક જવાબો આપી અરજદારોને વળાવી દેવામાં આવી રહ્યા છે. એક તરફ સરકારે લોકડાઉન અને કોરોનાના કારણે ભાંગી પડેલા ઉદ્યોગોને ફરી બેઠા કરવા જમીન ખરીદીથી માંડી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એન.ઓ.સી.માંથી મુકિત સહિતની અનેક છૂટછાટો આપી છે. પરંતુ સરવાળે આ કામો જિલ્લા કક્ષાની કચેરીઓમાં અટકીને પડ્યા છે. અમૂક તો સરકારી નિયમ મુજબ ટાઈમ લિમિટવાળા અરજન્ટ પ્રકરણોનો નિકાલ કરવામાં આવ્યો નથી. કોવિડની કામગીરીને તંત્ર દ્વારા પ્રયોરિટી આપવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ, કોવિડના બહાના હેઠળ સામાન્ય કામો પણ રઝળાવવાની વૃત્તિ ટિકાપાત્ર બની છે. સરકારની કામગીરી સાથે લોકોને પણ પોતાના કામોની અગત્યતા હોય છે. પરંતુ, જિલ્લા પંચાયત, કલેકટર અને કોર્પોરેશન તંત્રમાં હાલ સામાન્ય લોકોના કામો ટલ્લે ચડી રહ્યા છે અને તેના કારણે સરકારે જાહેર કરેલી યોજનાઓનો લાભ લેવામાં પણ લોકોને ઓશિયાળા બનીને કચેરીઓના ધકકા ખાવા પડી રહ્યા છે. કલેકટર કચેરીમાં પ્રિમિયમ, જમીનના હેતુસર, નવા ઉદ્યોગોને જમીન ખરીદવા માટે કલમ ૫૪ હેઠળની મંજૂરી, બિનખેતીના પ્રકરણો વગેરેનો છેલ્લા ચારેક માસથી નિકાલ જ થયો નથી. સરકાર બધી વ્યવસ્થા ઓનલાઈન કરી લોકોના કામોનો ઝડપી નિકાલ કરવાનો અભિગમ અપનાવ્યો છે. પરંતુ, ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી હુકમમાં સહિ કરવામાં જવાબદાર અધિકારીઓ અક્ષમ્ય ઢીલ કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અનેક કિસ્સા તો એવા છે કે, ત્રણ માસ પહેલા ફાઈલ ઉપર પ્રકરણ મંજૂર થઈ ગયા છે અને પ્રિમિયમની રકમ ભરાઈ ગઈ હોય પરંતુ, ઓર્ડરની ટાઈપકોપીમાં જવાબદાર અધિકારીએ હજુ સુધી સહી કરી નથી. એક પ્રકરણ એવું છે કે, સરકારે જાહેર કરેલી યોજના માટે દવા ઉત્પાદન કરતી એક કંપનીએ ફેકટરી બનાવવા માટે ખેતીની જમીન ખરીદી છે. પરંતુ ખેતીની જમીનનો દસ્તાવેજ કરવા માટે કલેકટરની મંજૂરી ફરજિયાત હોય, બે માસથી મંજૂરી નહીં મળતા કંપનીનો દસ્તાવેજ અટકયો છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, આ કંપનીની પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડના એનઓસીમાં છૂટછાટની મુદત તા.૩૦ સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે અને જો તા.૩૦ સુધીમાં જમીન ખરીદીનો દસ્તાવેજ રજૂ કરે નહીં તો પર્યાવરણ સુનાવણી સહિતના મોટા ઈસ્યુ આવી શકે તેમ છે. માત્ર કલેકટરની મંજૂરી વાંકે આ કંપનીના સંચાલકો પરેશાન થઈ રહ્યા છે. આવા તો અનેક પ્રકરણો છે કે, ગુજરાતના તમામ જીલ્લાની કચેરીઓમાં ટલ્લે ચડેલા અનેક પ્રશ્નો છે. આની ફરીયાદ કલેકટર સુધી પહોંચી ગઈ હોય પરંતુ, ત્રણ-ત્રણ મહિનાથી નિકાલ થયો નથી. અમુક જીલ્લામાં જિલ્લા કલેકટરને કોરોના હોવાથી કલેકટરનો ચાર્જ ડીડીઓ પાસે છે. પરંતુ ડીડીઓ આજ સુધી ડીડીઓના કલેકટર કચેરીમાં દર્શન થયા નથી અને એકપણ ફાઈલની અગત્યતા વિષે નીચેના અધિકારીઓને પૂછ્યું પણ નથી.
રૂડામાં અંધેર નગરીને ગંડુ રાજા
ગુજરાત કરતાં ટી.પી.ના નિયમોમાં ઘરની ધોરાજી હોય તો સામાન્ય લોકોને સૌથી વધુ હેરાનગતિ રૂડા, જુડા, ઓડા કચેરીમાં થતી હોવાની ફરિયાદ ઉઠી છે. રૂડા વિસ્તારમાં જમીનના લે-આઉટ અને બાંધકામ પ્લાન સહિતના રૂટીન કામો માટે લાંબી લચક પ્રક્રિયાથી લોકો કંટાળી જાય છે. આ કચેરીમાં અનેક ઘરના નિયમો ચાલે છે. મુખ્યમંત્રીનું હોમટાઉન હોવા છતાં રૂડા કચેરીના અંધેર વહિવટ અંગે છાશવારે ફરિયાદો ઉઠતી રહે છે અને ઠેઠ મુખ્યમંત્રી સુધી પણ અનેક વખત ફરિયાદો પહોંચી છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રૂડા કચેરીમાં જ ૪૦ ટકા જમીન કપાતમાં નીતિ-નિયમો અલગ અને વિચિત્ર છે. રૂડામાં પહેલા ૪૦ ટકા કપાત માટે સાત ટેબલ ફરીને ફાઈલ ચેરમેન સુધી જાય છે અને ત્યાં સુધીમાં ૩-૪ મહિનાનો સમય વેડફવામાં આવે છે. ત્યારબાદ લે-આઉટ માટે ત્રણેક મહિનાનો સમય ખેંચી લેવામાં આવે છે. ગુજરાતમાં કોઈ એવી કચેરી નથી કે જ્યાં એક જ જમીનમાં ૪૦ ટકા કપાત માટે અને લે-આઉટ માટે અલગ-અલગ ફાઈલો ચાલે છે. સામાન્ય રીતે ટાઉન પ્લાનિંગ અને જીડીસીઆરના નિયમો એક સમાન હોય છે. પરંતુ એકમાત્ર રૂડા કચેરીમાં ઘરના નિયમો ચલાવે છે. રાજ્ય સરકાર ભલે ગતિશિલ અને સંવેદનશીલ વહિવટની વાતો કરે પણ રૂડા કચેરીમાં તપાસ કરે તો ખબર પડે કે, પાંચ દિવસમાં થતું કામ એક મહિને પણ થતું નથી. રાજકોટમાં બિલ્ડરો પણ હવે થાક્યા છે અને કહે છે કે, રૂડાના વહિવટ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે પણ પરિણામ કંઈ આવતું નથી.
જીલ્લા પંચાયતમાં પણ પ્રજાના કામોનો ઊલાળિયો
રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોરોનાના નામે પ્રજાના સામાન્ય કામોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી ભાજપ દ્વારા ‘અમીચંદ’ જેવા અધિકારીઓ મારફત વહિવટમાં સતત ચંચુપાત થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટાઈને ઘણા સભ્યો મતદારો સાથે દ્રોહ કરી ભાજપની કઠપૂતળી બની ગયા છે. જેના કારણે જિલ્લા પંચાયતનો વહિવટ ખાડે ગયો છે. ગ્રામ્ય પ્રજાના સામાન્ય રસ્તા, પૂલ રિપેરીંગ સહિતના કામોમાં પણ જિલ્લા પંચાયતનું ગંદુ રાજકારણ ભળી જતું હોવાથી કામો ટલ્લે ચડે છે. આ ઉપરાંત લોકોને-ખેડૂતોને સામાન્ય દાખલા કઢાવવામાં પણ પગે પાણી ઉતરી રહ્યા છે. કોરોનાના નામે દરેક બ્રાન્ચમાં કામો ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતનાં અન્ય જીલ્લાઓમાં મુશ્કેલી પડી રહી છે
ગુજરાત રાજયમાં વિવિધ જીલ્લાઓમાં અનેક પ્રકારની પ્રજાનાં પ્રશ્નો અંગે મુશ્કેલી પડી રહી છે. સરકાર તંત્ર દ્વારા કોરોનાનાં નામે લોકોનાં કોઈ કામનો ઉકેલ આવતો નથી અને સરકારી કચેરીઓમાં જાણે કોઈ કર્મચારી ફરકતા ન હોય તેવું વાતાવરણ ઉભું થતું હોય છે અને જેનાં કારણે આમ જનતા પીડાઈ રહી છે. ગુજરાતની મોટા ભાગની જીલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રજા સાથે આવો વ્યવહાર થાય છે અને લોકોને અનેક વાર ધકકા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે અને આ બાબતે રાજય સરકાર દ્વારા પગલા લેવાની માંગણી ઉઠી છે. ગુજરાતમાં તુમાર નિકાલ ઝુંબેશ કેમ નથી ચલાવાતી. એકપણ કચેરીમાં નિર્ણય લીધા વગરની ફાઈલો બંધ હોય તો તેની જવાબદારી ફિકસ કરવા પ્રજામાંથી માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews