Sunday, January 24

કેશોદ શહેર-તાલુકામાં આવનારી સ્થાનિક ચૂંટણી માટે શંખ ફુંકતો કોંગ્રેસ પક્ષ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ચોકઠાં ગોઠવવા આગેવાનોને જવાબદારી આપી કાર્યકરો વચ્ચે પહોંચી નાડ પારખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ શહેર-તાલુકામાં યોજાનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે કોગ્રેસ પક્ષ દ્વારા કાર્યાલયનો શુભારંભ અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરૂકુળનાં સ્વામીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. કેશોદ પંથકના કાર્યકરો આગેવાનોનું સંમેલન યોજાયું હતું જેમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લાના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા સહિત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા અને આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સ્થાનિક વાદવિવાદ ભુલી એકજુટ બની ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયાએ ચૂંટણી માટે શંખ ફુંકી જાહેર કર્યું હતું કે જે કાર્યકરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લડવા ઈચ્છતા હોય તેઓ પોતાની માહિતી મોકલી આપે ત્યારબાદ દરેક વિસ્તારોમાં મીટીંગ બોલાવી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેશોદ શહેર તાલુકામાં ગત યોજાયેલી સામાન્ય ચૂંટણી સમય પાટીદાર અનામત આંદોલનનાં કારણે કોંગ્રેસ તરફી માહોલ હતો ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં બહુમતી મળી હતી ત્યારે કેશોદ નગરપાલિકામાં વિરોધ પક્ષમાં બેસવાનું જન સમર્થન મળ્યું હતું. ધારાસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને સંખ્યાબંધ આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં જોડાઈ ગયા છે. કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિનાં કારણે ઉભાં પાકને નુકશાન થયું છે ત્યારે સરકાર વિરૂધ્ધ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કરોડો રૂપિયા ખર્ચવા છતાં ગેરરીતી આચરવામાં આવી હોવાનું ધ્યાને પડતાં સત્તાધારી પક્ષથી મતદારોમાં નારાજગી જોવા મળે છે. કેશોદ શહેર તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આવનારાં દિવસોમાં વધું ચિત્ર સ્પષ્ટ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!