રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સાથે કોરોના થયેલા અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે ત્યારે એક કિસ્સો ખુબજ પ્રેરણા પુરી પાડે છે. લગભગ ૯૦% ફેલ્યોર ફેફસા, હાર્ટ અને કિડની ક્ષતીગ્રસ્ત થઈ ગઈ હોવા છતાં ૨૨ દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના ૬૮ વર્ષીય ખેડૂત રમેશભાઈ માકડીયા કોરોના મુક્ત બની મોતને મહાત આપી જીંદગી ગળે લગાડી છે. ઉપલેટાના આરોગ્ય કેન્દ્રમાં તબિયત બગડતા જયારે રમેશભાઈ માંકડીયા દેખાડવા જાય છે ત્યારે ત્યાંના આરોગ્ય અધિકારી તેમની તબિયત જોઈ તુરંત જ રાજકોટ હોસ્પિટલમાં જવા કહે છે. જુના ડાયાબિટીસ, હૃદય અને પ્રોસ્ટેટની તકલીફ અને ઓક્સિજન લેવલ હતું માત્ર ૭૦, તો પણ શારીરિક અને માનસિક રીતે મજબૂત રમેશભાઈ બાઈક લઈ ઘરે જઈ તેમના પરિવારજનોને આ વાત કરે છે. રાજકોટ સિવિલ ખાતે તેમનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવે છે અને તુરંત જ તેમને દાખલ કરી આપવામાં આવે છે. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ લગભગ એક સપ્તાહ બાદ સારવાર માટે આવેલા હતાં. હ્ય્દયનું એક કર્ણ બ્લોક થઈ ગયું હતું. ફેફસામાં ૯૦ % ઇન્ફેસકન હતું. કિડની પણ કામ કરતી નહોતી. રમેશભાઈ માંકડીયાને રેરેસ્ટ ઓફ ઘી રેર ૬ હાઈરિસ્ક ફેક્ટર કેટેગરીમાં મુકવામાં આવ્યા હતાં. સિવિલમાં તજજ્ઞ ડોક્ટર્સ ડો. આરતીબેન ત્રિવેદી, ડો. રાહુલ ગંભીર, અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સ સહીત ૬ ડોક્ટર્સની ટીમ રમેશભાઈની સારવારમાં કોઈ કચાસ ના રહે તેનો ખ્યાલ રાખી કોઈપણ ભોગે દર્દીને સાજા કરવા અગ્રીમ ભૂમિકા ભજવે છે. સારવાર અંગે વાત કરતા ડો. આરતીબેન ત્રિવેદી જણાવે છે કે, રમેશભાઈને ૧૧ દિવસ વેન્ટિલેર અને ૧૧ દિવસ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતાં. રેમેડીસિવીર, ટોસિલિઝુમેબ સહિતના ઇન્જેક્શનનો ડોઝ એકથી વધુ વાર આપવામાં આવ્યો. દર્દી બેભાન અવસ્થામાં આવી જતા તેમને વેઇન્સ વાટે દવા અને ખોરાક આપવામાં આવતો. મગનું પાણી, સરગવાનો જ્યુસ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ કરવામાં આવ્યો. રમેશભાઈ માંકડીયાનો વિલપાવર મજબૂત હોઈ તેઓ ઝડપથી સાજા થવા લાગ્યા હતાં. રમેશભાઈ માંકડીયાને સારવારમાં આર્યુવેદીક દવા પણ કારગત નીવડી. રાજકોટ ખાતે સમગ્ર ભારતના પ્રથમ આર્યુવેદીક કેર સેન્ટરના વડા ડો. હિતેશ જાનીના માર્ગદર્શન હેઠળ તેમને સતત ઉકાળા, સંજીવની વટી, કામધેનુ આસવ અને પંચગવ્ય દાણા દૂધ સાથે મેળવી તેમને આપવામાં આવતા. ડો. જાનીએ દર્દીને રોગપ્રતિકારક શક્તિ વધે અને ફેફસાના ઇન્ફેક્શનને દુર કરવામાં આયુર્વેદિક આધારિત પંચગવ્ય પ્રોટોકોલ ફોર કોવીડ મુજબ સારવાર આપી હતી. હાલ રમેશભાઈ માંકડીયાની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન મુજબ દિનચર્યા કરી રહ્યા હોવાનું તેમના પરિવારજન ધવલ માકડીયા જણાવે છે. તેઓ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર માનતા જણાવે છે કે મારા મોટા બાપુજીને સિવિલના ડોક્ટરોએ જાન લગાવી સારવાર કરી તેના ફળસ્વરૂપે અમારો પરિવાર અકબંધ રહ્યો છે. રમેશભાઈ માંકડીયા સાથે તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ કોરોનગ્રસ્ત થયા હતા જેઓ તમામ કોરોના સામે જંગ જીતી હસીખુશી એકસાથે પૂર્વવત જીવન જીવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews