કેશોદ તાલુકાનાં મઘરવાડા ગામે યુવાને કુવામાં પડી મોતને વહાલું કર્યું

0

કેશોદ તાલુકાના મઘરવાડા ગામે રહેતા યુવાન નવનીતભાઈ લાખાભાઈ હેરભા (ઉ.વ.૨૫)એ ગામમાં આવેલાં પાતાળ કુવામાં કુદકો લગાવી મોતને વહાલું કર્યું છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં મઘરવાડા ગામે સમાચાર પ્રસરી જતાં ગામનાં આગેવાનો અને ગામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભાનાં પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જૂનાગઢ એલસીબી પોલીસ અમારાં ગામનાં દશેક યુવાનોને ગુનાની તપાસ સબબ છેલ્લાં એક સપ્તાહથી લઈ જતાં હતાં અને ઢોરમાર મારી છોડી મુકતાં હતાં. જૂનાગઢ એલસીબી પોલીસે ઢોરમાર મારતાં કંટાળી મોતને વહાલું કર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. કેશોદ તાલુકાના મઘરવાડા ગામનાં આગેવાનો અને ગ્રામ્યજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી જૂનાગઢ એલસીબીનાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સંભાળવામાં નહીં આવે. કેશોદ સરકારી દવાખાને યુવાનનો મૃતદેહ લાવવામાં આવતાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. કેશોદ તાલુકાના મઘરવાડા ગામનાં અન્ય યુવાનોને જૂનાગઢ એલસીબી પોલીસે ઢોરમાર માર્યો છે એવાં પાંચેક યુવાનો કેશોદ સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા જૂનાગઢ એલસીબી પોલીસકર્મીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરી છે. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું છે. કેશોદ સરકારી દવાખાને કોઈ અગમ્ય ઘટના બને નહીં એ માટે કેશોદ ડીવાયએસપી, પોલીસનાં કાફલા સહિત જૂનાગઢ પોલીસ ખડકી દેવામાં આવી છે. કેશોદ સરકારી દવાખાને મઘરવાડા ગામનાં ગ્રામ્યજનો અડગ રહેતાં રાજકીય આગેવાનોની હડીયાપટ્ટી વધી ગઈ હતી. કેશોદ તાલુકાના મઘરવાડા ગામે શોકનું મોજું ફરી વળ્યું છે.
મઘરવાડા મૃતક યુવાનનાં પરિવારજનોને આપી ન્યાયીક તપાસની ખાત્રી
કેશોદ તાલુકાના મઘરવાડા ગામે બનેલી દુઃખદ ઘટનાનાં સમાચાર મળતાં આહિર સમાજના આગેવાનો અને યુવાનો કેશોદ સરકારી દવાખાને પહોંચી ગયા હતાં. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભા અને તપાસમાં ઢોરમાર માર્યો હતો એવાં સરકારી દવાખાનામાં દાખલ થયેલાં યુવાનોને ન્યાય અપાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. કેશોદ ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓ સાથે આહિર સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી એવું જાહેર કર્યું હતું કે મૃતકના પરિવારજનો અને સારવાર મેળવી રહેલાં યુવાનોનાં નિવેદનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. કેશોદના મઘરવાડા ગામે બનેલી ઘટનાનો સુલેહ ભર્યો ઉકેલ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!