સંસ્કૃતિ માનવીના વિકાસ તથા સંવર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોનાની સામે મક્કમતાથી બાથ ભીડી રહ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પેરામેડીકલ સ્ટાફમાં કાર્યરત ૮ મહિલાઓ સંસ્કૃતિની જાળવણી સાથે કોરોનાનાં દર્દીઓની સેવા કરે છે. પ્રશ્ન થાય કે કઈ રીતે ? ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓ સાડીનો પોશાક ધારણ કરે છે, આ પ્રથાને અનુસરી સંસ્કૃતિના સન્માનને જાળવી આ મહિલાઓ ૮-૮ કલાક સુધી સાડી ઉપર પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં કાર્ય કરે છે. સામાન્ય રીતે વ્યક્તિને પીપીઈ કીટ પહેર્યા બાદ અસહ્ય ગરમીનો તો સામનો કરવો જ પડે છે. ફરજ પુરી થયા બાદ પીપીઈ કીટ ઉતારને તેને નષ્ટ કરી દેવાય છે. જેથી તે પહેરનારને કે અન્યને ચેપ ન લાગે. આથી ફરજ દરમ્યાન ૮ કલાક સતત પીપીઈ કીટ પહેરી રાખવી પડે છે. સાથો સાથ જ્યાં સુધી પીપીઈ કીટ પહેરી છે, ત્યાં સુધી કોઇ પણ દૈનિક કાર્ય કરી શકાય નહીં, આ બધું સહન કરીને આ વિરાંગનાઓ સાડી ઉપર પીપીઈ કીટ પહેરે છે અને નિરંતર ૮ કલાક કામ કરે છે. પોતાની કાર્યપ્રણાલી વિષે વાત કરતા સુધાબેન અનિલભાઈ વાઘેલા જણાવે છે કે, હું વોર્ડ નં-૫માં સાફ સફાઈ કરૂ છું, કોઈ દર્દી અશક્ત હોય અને તેનાથી બેડ ઉપર ઉલ્ટી થઈ જાય કે ટોઇલેટ થઈ જાય તો હું તુરંત બેડશીટ બદલાવી નવી બેડશીટ ચડાવી દઉં છું. સાડી ઉપર પીપીઈ કીટ પહેરીને સાફ સફાઈ કરવામાં થોડી મુશ્કેલી તો આવે છે પણ મારા ઘરની પરંપરા મુજબ મને સાડી પહેરીને કામ કરવામાં જરાય વાંધો નથી, મને તો ગર્વ છે કે હું કોરોનાના દર્દીઓની આ રીતે સેવા કરી શકું છું. તો તેમના અન્ય સહકર્મી ભાનુબેન વાળા જણાવે છે કે, મારૂ કામ કોઈ દર્દી અશક્ત હોય તો તેમને જમાડવાનું, પાણી પીવડાવવાનું તથા સમયસર દવા તથા ઉકાળા આપવાનું છે અને જો જરૂર પડે તો દર્દીને ટોયલેટ કે બાથરૂમ માટે પણ હું લઈ જાઉં છું, સાડી પહેરીને કામ કરવું મારા માટે કઠિન નથી. આ તો આપણી સંસ્કૃતિ છે, અને તેને અપનાવવામાં શેની તકલીફ હોય. તેમની વાતમાં સુર પુરાવતા અને દેશની સંસ્કૃતિના મહત્વને જણાવતા દલ મુમતાઝબેન જણાવે છે કે, ભારતીય નારીની આગવી ઓળખ સમી સાડી એ તો અમારો રોજીંદુ પરિધાન છે, તો દેશની સંસ્કૃતિનું મહત્વ સમજીને હું સાડી ઉપર પીપીઈ કીટ પહેરીને જ મારૂ સાફ-સફાઈનું કાર્ય કરૂ છું અને આ રીતે હું મારી સંસ્કૃતિ અને કોરોનાગ્રસ્ત દર્દીઓ બન્નેનું રક્ષણ કરૂ છું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews