આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં યોગ્ય વ્યકિતઓના હાથમાં સુકાન સોંપવાના નિર્ધાર સાથે ચેરમેન ભીખાભાઈ ગજેરાએ નિવૃતિની જાહેરાત કરી

0

ખેડુતોનાં સાચા અર્થમાં હિતેચ્છુ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડને પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી અને વિરાટ વટવૃક્ષ બનાવનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ આજે શુભેચ્છકો અને મિત્રો સમક્ષ પોતાની લાગણી જાહેર કરી હતી અને તેઓ માર્કેટીંગ યાર્ડમાંથી નિવૃતી લઈ રહયા હોવાનું જણાવ્યંુ હતું. લોહી, પાણી એક કર્યાનું માર્કેટીંગ યાર્ડને ઉંચાઈએ પહોંચાડનાર ભીખાભાઈ ગજેરાએ આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આવી રહી છે. ત્યારે માર્કેટીંગ યાર્ડનો વિકાસ વધુને વધુ આગળ વધારી શકે તેવી વ્યકિતઓને સુકાન સોંપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
છેલ્લા ૬ દાયકાથી ભીખાભાઈ ગજેરા રાજકીય અને સહકારી ક્ષેત્રે સતત સંઘર્ષનો સામનો કરી ઝઝુમી રહયા છે. ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, તાલુકા – જીલ્લા ખરીદ વેંચાણ સંઘ, સહકારી ખાંડ ઉધોગ વિગેરે સંસ્થાઓમાં તેઓ પોતાની સેવાનો લાભ આપી ચુકયા છે. ૧૯૭પમાં જયારે સમગ્ર રાજયમાં કોંગ્રેસનું એકહથુ શાસન હતું ત્યારે પણ ભીખાભાઈ ગજેરા જૂનાગઢ તાલુકા પંચાયતમાં જનતાપક્ષમાં સતત ૧ર વર્ષ સુધી જૂનાગઢ તાલુકા પંચાયત ઉપર શાસન કરી પ્રમુખ પદે રહયા. એ દરમ્યાન એક વિચાર એમને સતત મુંઝવતો હતો કે હું ખેડુતોનો પ્રતિનિધિ છું તો ખેડુતોના વિકાસના અને કલ્યાણ માટે ખેડુતોના હિતોનું રક્ષણ થાય એ માટે રાજકોટ, ગોંડલ, ઉંઝા, મહેસાણા, અમદાવાદ બધે માર્કેટીંગ યાર્ડ હોય તો જૂનાગઢમાં કેમ નહિ ? આ વિચારમાત્રથી માર્કેટીંગ યાર્ડ ઉભુ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો અને અનેક રાજકીય સંઘર્ષોનો સામનો કરી ૧૯૭૯ માં સરકાર પાસે મંજુરી મેળવી જૂનાગઢની પાવન ધરતી ઉપર ગરવા ગીરનારની ગોદમાં માર્કેટીંગ યાર્ડ શાકાર થયું. હાલ ૯૦ વર્ષની ઉંમરે પણ લોકોના સાથ સહકારથી હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપી રહયા છે. આજના આ સહકારી ક્ષેત્રમાં લોકો પદ અને પૈસા માટે આવતા હોય છે. એવા સમયે સામાપુરે તરીને અનેક રાજકીય સંઘર્ષો સામે ઝઝુમી માર્કેટીંગ યાર્ડ જૂનાગઢને પ્રગતિના પંથે લઈ ગયેલ છે. હાલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો માટે અને વેપારીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જણાવતાં આનંદ થાય છે કે જૂનાગઢ જીલ્લામાં પ્રથમ હરોળનું આપણું માર્કેટીંગ યાર્ડ સતત પ્રગતિ કરી રહયું છે. આ માર્કેટીંગ યાર્ડ એટલી કરકસરથી ચલાવે છે. હાલ માર્કેટીંગ યાર્ડ પાસે આટલો બધો વિકાસ કર્યો હોવા છતાં પણ રૂપિયા ૧પ કરોડનું રોકડ બેલેન્સ છે. તેમજ બજાર સમિતિએ સબયાર્ડ બનાવવા માટે દોલતપરા પાસે હાઈવે ટચ લીધેલી ૪ કરોડની જમીનની કિંમત અત્યારે રપ થી ૩૦ કરોડે પહોંચી છે. અને સાથો સાથ જણાવતાં હર્ષ થાય છે કે વર્ષોથી માર્કેટીંગ યાર્ડમાં એકપણ રૂપિયાનો બોજ નથી. ખરેખર વિકાસની વ્યાખ્યા કોને કહેવાય એ માર્કેટીંગ યાર્ડ જૂનાગઢ બતાવે છે. થોડા દિવસમાં જ માર્કેટીંગ યાર્ડ જૂનાગઢની ચૂંટણી આવી રહી છે. હાલ ઉંમરની પરીપકવતાને કારણે હવે ભીખાભાઈ ગજેરા માર્કેટીંગ યાર્ડમાંથી નિવૃતી લેવા માંગે છે. ૧૯૭૯થી આજદિન સુધી માતૃસંસ્થા ગણીને માર્કેટીંગ યાર્ડ ચલાવ્યું છે. હવે એવી વ્યકિતના હાથમાં સુકાન સોંપવા માંગે છે કે જે આ સંસ્થા માતૃસંસ્થા ગણી ચલાવે અને જે રીતે માર્કેટીંગ યાર્ડ વિકાસ કરી રહયું છે એ વિકાસને એક ડગલુ આગળ વધારે. જે રીતે ભીખાભાઈ ગજેરાએ યાર્ડને સાચવ્યું છે એજ રીતે આવનાર સુકાની યાર્ડને સાચવે અને ખેડુતોનું તેમજ વેપારીઓનું હિત કરે. ભીખાભાઈ ગજેરાને આશા છે કે આવનાર સુકાનીઓ આ રીતે માર્કેટીંગ યાર્ડ ચલાવશે અને ગમે ત્યારે તેમની સલાહ સુચનની જરૂર હોય ત્યારે તેઓ ચોકકસ હાજર રહેશે અને સહકાર આપશે. તમામ વેપારી મિત્રો યાર્ડની અંદરના તેમજ યાર્ડ વિસ્તારના વેપારી મિત્રોનો પણ ખુબજ આગ્રહ છે કે ભીખાભાઈ ગજેરા માર્કેટીંગ યાર્ડમાં સુકાની રહે. યાર્ડનો વહીવટ ભીખાભાઈ ગજેરા જ કરે. પણ ઉંમરના પ્રભાવને કારણે ભીખાભાઈ ગજેરાએ નિવૃતિનો નિર્ણય કર્યો છે અને જયારે જરૂર પડશે ત્યારે સલાહ, સુચન, મદદ માટે હંમેશા તેઓ તત્પર હશે. છેલ્લા ૪ર વર્ષથી બજાર સમિતિનું પ્રતિનિધિત્વ કરવા બદલ સહકારી ક્ષેત્રના તમામ ખેડુતો, સહકારી આગેવાનો અને વેપારીઓનો આભાર વ્યકત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!