ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે નિષ્ફળ ગયેલી ખંભાળિયા નગરપાલિકાને અહીંના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારી દ્વારા સખત શબ્દોમાં ઝાટકણી કરી આ અંગે તાકીદે પગલા લેવામાં આવે તે માટે હુકમ કર્યો છે. ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તે રઝળતા ધણિયાતા તથા નધણિયાતા ઢોરનો ત્રાસ ઘણા સમયથી યથાવત બની રહ્યો છે. જાહેર માર્ગો ઉપર પહેલા ઢોરના ડેરાતંબુના કારણે ખાસ કરીને વાહન ચાલકો ઉપરાંત પદયાત્રીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહીં આવા ઢોરની ઢિંકનો ભોગ અનેક લોકો બની અને ઇજાગ્રસ્ત થયાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ અંગે આઈ.એ.એસ. અધિકારી ડી.આર. ગુરવ દ્વારા હુકમ કરી, તારીખ ૫ ડિસેમ્બર સુધીમાં રખડતા ઢોરોને લીધે ઉપસ્થિત થયેલી આ પરિસ્થિતિ દૂર કરવા અથવા આગામી તારીખ ૧૬ ઓક્ટોબરના રોજ અહીંની કોર્ટમાં હાજર રહી અને આ હુકમનો શા માટે અમલ ન કરવો તે અંગેનું કારણ દર્શાવવા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને હુકમ કર્યો છે. શહેરના મહત્વના પ્રશ્ને પ્રાંત અધિકારીની આ કડક કાર્યવાહીએ પાલિકા તંત્રને દોડતું કરી દીધું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews