કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો હતો. સિલેબસમાં ૩૦ ટકા ઘટાડો કરાયા બાદ સુધારેલો અભ્યાસક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે. જેમાં કયા ધોરણમાં કેટલા પ્રકરણો અને કેટલા પ્રશ્નો ઓછા થશે તે વિશે વિગતવાર માહિતી છે. જો કે, ધોરણ ૯ અને ૧૦માં વિજ્ઞાન વિષયમાં રદ કરવામાં આવેલા અને સમાવિષ્ટ કરાયેલા અમુક મુદ્દામાં સમાનતા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વિધામાં મૂકાયા છે. કોરોના મહામારીના લીધે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. ઓનલાઈન અભ્યાસમાં અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી નડતી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમજ સીબીએસઈ બોર્ડે કોરોનાની સ્થિતિને જોતાં અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને ગુજરાત બોર્ડે પણ ધોરણ ૯-૧૨નો અભ્યાસક્રમ ૩૦ ટકા ઘટાડ્યો હતો. કયા વિષયના કયા પ્રકરણમાંથી શું કાપવામાં આવ્યું છે તેની માહિતી શાળાઓ અને વિદ્યાર્થીઓને આપી દેવાઈ છે. જો કે, ધોરણ ૯ અને ૧૦માં વિજ્ઞાનમાં અભ્યાસક્રમમાં ચાલુ રખાયેલા અને દૂર કરાયેલા મુદ્દાઓમાં સમાનતા હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. ખરેખર કયા મુદ્દા ચાલુ રખાયા છે અને કયા દૂર કરાયા છે તેને લઈને વિદ્યાર્થી અને વાલીઓ ઉપરાંત શિક્ષકો પણ દ્વિધામાં છે. તાજેતરમાં જ વાલીઓએ આ અંગે બોર્ડમાં રજૂઆત કરીને ઝડપથી સ્પષ્ટતા કરવાની માગ કરી હતી. ધોરણ ૯ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ૧, ૨, ૩, ૪ અને ૭માં જે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે તે જ રદ્દ પણ કરાયા હોવાનું દર્શાવાયું છે. આ જ પ્રકારે ધોરણ ૧૦માં પણ વિજ્ઞાનમાં પ્રકરણ ૧, ૨, ૩, ૮, ૧૧, ૧૨, ૧૬ વગેરેમાં આ મુજબની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે વાલીઓએ માગ કરી છે કે ઝડપથી આ મામલે શિક્ષણ બોર્ડ તરફથી ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે. મહત્વનું છે કે, ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો તણાવ ઘટે અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો જાહેર કરાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews