Monday, January 18

વડોદરા(ઝાલા)ના કિનારે ખારાને મીઠુ પાણી બનાવવા ડી-સેલીનેશન પ્લાન્ટને અન્યત્ર સ્થળે બનાવવા માંગણી

સુત્રાપાડાના વડોદરા (ઝાલા) ગામે દરીયાના ખારા પાણીને મીઠુ બનાવવાના ડી-સેલીનેશન પ્લાન્ટ નાખવાનું નકકી કરાયેલ છે. જેને રદ કરવા ગુજરાત ખેડુત સમાજે મુખ્યમંત્રી સહીતનાને મુદાસર લેખીત રજુઆત સાથે માંગણી કરી
છે. ગુજરાત ખેડુત સમાજના જીલ્લા પ્રમુખ ભગવાન સોલંકી, ઉપપ્રમુખ જયેશ મેરે રજુઆતમાં જણાવેલ કે, વડોદરા (ઝાલા) ગામે અરબી સમુદ્ર કિનારે રેવન્યુ સર્વે નં.૭૯૭૧ની ગૌચરની હે.૧૪૬-૧૬-૬૯ ચો.મી જમીનમાંથી હે. ૧૨-૦૦-૦૦ ચો.મી જમીન ડી-સેલીનેશન ખારા પાણીને મીઠુ બનાવવાનાં પ્લાન્ટ બનાવવાનો મેગા પ્લાન્ટ સ્થાપવા માટે રાજય સરકારે પાણી પુરવઠા બોર્ડને ભાડાપેટે ફાળવી છે. જેની સામે વડોદરા (ઝાલા)ના ખેડુતો દસેક દિવસથી ધરણા કરી વિરોધ કરી ગીર સોમનાથ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવેલ છે. (૧) વડોદરા (ઝાલા)ની આ રેવન્યુ ગૌચર હેડેની જમીનમાંથી હે. ૧૨-૦૦-૦૦ ચો.મી.જમીન ડી-સેલીનેશન ખારા પાણીને મીઠુ બનાવવાનાં પ્લાન્ટ બનાવવા સામે ગ્રામ પંચાયતે જમીન નહી ફાળવવા સર્વાનુમતે ઠરાવ કરી વિરોધ રજુ કરેલ છે. સ્થાનીક ગ્રામ પંચાયતનાં અભિપ્રાય અને લોકોને સાંભળ્યા વગર જમીન ફાળવણી કરી દીધી હોવાથી ખેડુતો અને તંત્ર વચ્ચે ઘર્ષણ ઉભું થયેલ છે. જે બાબતે રાજ્ય સરકારના જવાબદાર વિભાગ દ્વારા સ્થાનિક લોકોને પ્લાન્ટની સંપૂર્ણ માહિતી આપી લોકોને પોતાના પ્રશ્નો કરવાનો અવસર આપવો જોઇતો હતો. જે કાર્યવાહી કર્યા વગર ગેરબંધારણીય રીતે તંત્ર સીધુ જ જમીનનો કબજો લેવા પહોંચી ગયેલ હતુ. (ર) જે જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તે દરીયા કિનારો ડોગરી એટલે કે ચુનીયા પથ્થરનો બ્લેટ છે. જે ચુના પથ્થરનું કામ કુદરતી આરો જેવું છે. આ પથ્થરનો બેલ્ટ વરસાદી પાણીની સંગ્રહ શક્તિથી જમીનનું ભૂગર્ભ મીઠુ ખેતીલાયક અને પીવાલાયક જળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત સંગ્રહ કરી રાખે છે. તેથી સ્થાનિક ખેડુતો દ્વારા ખુબ મોટા આર્થિક ખર્ચ કરી ખેતીમાં શિયાળુ અને ઉનાળુ પાક માટે સીંચાઇ માટે આ જમીનની આજુ-બાજુમાં અંદાજીત ૧૫૦ કુવાઓ બનાવવામાં આવેલ છે. ભૂગર્ભ પાઇપ લાઇન બેસાડી ખેડૂતો આ જમીન ઉપરનાં કુવામાંથી પોતાના ખેતરો સુધી ખેતીલાયક મીઠુ જળ ઉપયોગમાં લે છે. તે કુવાઓ અને પાણીની પાઇપ લાઇન આ પ્લાન્ટ આવવાથી નષ્ટ થશે. જેથી ખેડુતોને મોટું આર્થીક નુકશાન વેઠવું પડે માટે આ પ્લાન્ટ અન્ય જગ્યાએ સ્થાળાંતર કરવો જોઇએ. (૩) જે જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં જંગલી ગાંડા બાવળો આવેલા છે . આ બાવળનાં વૃક્ષો દરીયાઈ ક્ષારવાળી હવા તથા રજકણોને ખેડુતોની ખેતીલાયક જમીનમાં આવતા અટકાવવાનું કુદરતી રીતે કામ કરે છે. આ પ્લાન્ટ સ્થાપવા બાવળોનાં વૃક્ષોનું કટીંગ તથા જમીન આસપાસની ખેડુતની ખેતીલાયક જમીનમાં ક્ષારનું પ્રદુષણ ફેલાતા અહીના ખેડુતોની ખેતીલાયક ફળદ્રુપ જમીન બંજર બની જશે. આ પ્લાન્ટ માટે જીલ્લાના ૭૦ નોટીકલ માઇલ લાંબા દરીયા કિનારે અન્ય કોઇપણ સ્થળે બનાવવો જોઇએ. સુત્રાપાડા તાલુકા પંચાયત કારોબારી સમિતિ સમક્ષ કદવાર ગ્રામ પંચાયતે આ ડી-સેલીનેશન પ્લાન્ટ ત્યાં બનાવવા માંગણી કરી છે. તો રાજય સરકારે આ માંગણી બાબતે વિચારણા કરવી જોઇએ. (૪) આ પ્લાન્ટ માટે સરકારના પર્યાવરણ, સી.આર.ઝેડ., ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી સી.ટી.ઇ., સી.ટી.ઓ.,એન.ઓ.સી. જેવી મંજુરીઓ મેળવવાની હોય જે મેળવેલ નથી. જેથી પ્રથમ તમામ મંજુરીઓ મેળવ્યા બાદ પ્લાન્ટની કાર્યવાહી હાથ ધરવી જોઇએ. ઉપરોકત તમામ મુદાઓનું નિરાકરણ લાવી યોગ્ય સ્થળે લોકોને નુકશાની ન થાય તે રીતે પ્લાન્ટ સ્થાપવા અંતમાં માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!