સમગ્ર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને આ વર્ષે સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી રીતે ચોમાસામાં અતિ ભારે વરસાદ અને અત્યારે કમોસમી પાણી વરસાવીને જગતના તાત ખેડૂતની ચિંતામાં ભારે વધારો કરી રહ્યા છે. અત્યંત વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાકનો નાશ થઈ જવા પામ્યો છે જેના કારણે તેની સ્થિતિ ‘જાયે તો જાયે કહા’ જેવી થઈ ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને તેમની હિતેચ્છુ હોવાના ઢોલ પીટતી રાજ્યની ભાજપ સરકાર સહાયના નામે ‘અઠન્ની-ચવન્ની’ ચૂકવી ખેડૂતોની ક્રુર મજાક કરી રહી હોવાનો સણસણતો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ ખેડૂત નેતા મનોજ રાઠોડે કર્યો છે. સાથે સાથે તેમણે કહ્યું છે કે આ પ્રકારની મજાકની ભાજપે આગામી સમયમાં ભારે કિંમત ચૂકવવી પડશે. મનોજ રાઠોડે જણાવ્યું કે અગાઉ ભારે વરસાદ અને તાજેતરમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતને ખેતીમાં ખૂબ જ નુકસાન જવા પામ્યું છે. આ એ જ ખેડૂત છે જેણે લોકડાઉન દરમ્યાન શાકભાજી અને અનાજ લોકો સુધી પહોંચાડવામાં બિલકુલ કસર નહોતી રાખી. લોકડાઉન દરમ્યાન લોકો ઘરમાં જ રહ્યા હતા પરંતુ ખેડૂતોને રાત-દિવસ જોયા વગર શાકભાજી અને અનાજની સપ્લાયને ખોરવાવા દીધી નહોતી. જો કે અત્યારે એ જ ખેડૂતની હાલત વરસાદે ખરાબ કરી નાખી છે. આવી કપરી સ્થિતિમાં ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતને સહાય ચૂકવવાના નામે તેની મજાક ઉડાવી રહી છે. સરકાર દ્વારા ખેડૂતને તેનો ગમે એટલા રૂપિયાનો પાક નાશ પામ્યો હોય પરંતુ ખેડૂતદીઠ માત્ર રૂા.૧૦ હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે જે જગતના તાતની ખીલ્લી ઉડાવવા સમાન છે ! કોંગ્રેસ નેતા અને ખેડૂત અગ્રણી મનોજ રાઠોડે ભારપૂર્વક માંગણી કરતાં જણાયું છે કે સરકારે તાત્કાલિક ખેડૂતદીઠ ૧૦ હજાર એટલે અત્યંત મામૂલી રકમ હોવાથી સરકારે ખેડૂતદીઠ નહીં પરંતુ એકરદીઠ નુકસાનીનો સર્વે કરીને એકરદીઠ રૂા.૨૦ હજારની સહાય તાત્કાલિક ચૂકવવી જોઈએ. આ સીઝનમાં ખેડૂતોએ મગફળી, કપાસ, તલ, ડુંગળી, અડદ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે મોટાભાગનો પાક નાશ પામ્યો હોવાથી આ નુકસાનીની ભરપાઈ કરવા માટે સરકારે ખેડૂતોની વ્હારે આવવું જોઈએ તો જ તે ખેડૂતોની સાચી હમદર્દ છે તેવું પ્રસ્થાપિત થશે અન્યથા આગામી સમયમાં આ જ ખેડૂતનો રોષ સરકારને ભારે પડી શકે છે. મનોજ રાઠોડે એવો કટાક્ષ પણ કર્યો હતો કે રાજય અને કેન્દ્રની સરકારે અમેરિકી રાષ્ટ્રપતિને આવકારવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું હતું પરંતુ તેને પાવલીભાર ફાયદો પણ ગુજરાતની જનતાને થયો નથી. સામી બાજુ એડી રગડી રગડીને અનાજ-શાકભાજી ઉગાડતા ખેડૂતો સાથે આવો અન્યાય શા માટે ?સરકાર સાચે જ ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો દિવાળી પહેલાં જ ખેડૂતોને નુકસાનીની ભરપાઈ કરી દેવી જોઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews