સોમનાથ મંદિરના વિકાસમાં કેશુભાઈ પટેલે કરેલું પ્રદાન લોકો કદાપી નહીં ભુલે

0

ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગઈકાલે દુઃખદ અવસાન થતા સમગ્ર સોમનાથ મંદિર આસપાસ શોકનું ઘેરૂં મોજું છવાયું હતું.
કેશુભાઈ પટેલને સોમનાથના નગરજનો ‘કેશુબાપા’ના નામે વિશેષ ઓળખતા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે
તા.૧-૩-૧૯૯૯થી કાર્યરત થયા અને વર્ષ ર૦૦૪થી સતત ટ્રસ્ટ અધ્યક્ષપદે બિરાજમાન રહયા હતા.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરી કહે છે કે, તેમના નિધનથી ટ્રસ્ટને મોટી ખોટ પડી છે. તેઓ અધ્યક્ષ તરીકે ખુબજ સક્રિય હતા અને ભારતના બાર જયોર્તિલીંગ સોમનાથ જ્ઞાન અને ભક્તિનું કેન્દ્ર બને અને અત્રે આસ્થાથી આવતા યાત્રિકોને વધુ સેવા કેમ મળે અને રાત્રી-આવાસ સહિતની સગવડ, વ્યવસ્થાઓ અને દુરથી આવતા યાત્રિકોને સારી રીતે દર્શન થાય તેની તેઓ સતત ચિંતા કરતા હતા અને તેને લગતા વિકાસ કાર્યો કરવા અનુરોધ કરતા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર કહે છે કે, આજે આપણે સોમનાથને સુવર્ણમય જાેઈએ છીએ તેનો યશ કેશુભાઈ પટેલને ફાળે જાય છે. અત્યાર સુધીમાં મંદિરના વિવિધ ભાગોમાં અંદાજે ૧પ૦ કિલોગ્રામ સોનું સ્થાપત્યમાં જડાઈ ગયું છે અને હજી આ કાર્ય ચાલુ રહેશે. આમ સંપુર્ણ સોમનાથ મંદિરને સુવર્ણ મંડિત કરવાનું સ્વપ્ન તેમનું હતું.
જીવણભાઈ પરમાર આગળ ચાલતા કહે છે કે, નાના-મોટા વેપાર ધંધો કરતા લોકોની આજીવિકા વધે તે મોટ સોમનાથ ખાતે શોપીંગ સેન્ટર બનાવેલ છે. સોમનાથની ગૌશાળાનો કોન્સેપ્ટ કેશુભાઈ પટેલનો હતો અને તેઓ ગાયના દુધના પ્રેમી હતા. કેશુભાઈ પટેલ સોમનાથ મહાદેવ મંદિરના અનન્ય ભકત હતા. સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે કે, તેઓ નાના હતા ત્યારે સોમનાથ મંદિર જીર્ણ હતું અને નવું મંદિર બન્યું ન હતું ત્યારે અવાર-નવાર આ મંદિરની મુલાકાત લીધેલ અને હાલ કોરોના કાળમાં પણ તેઓએ ઘરે બેઠા સોમનાથ મહાદેવની વચ્ર્યુઅલ ઈ-પૂજા કરી હતી.
ભાસ્કરભાઈ વધુમાં કહે છે કે, સોમનાથ ટ્રસ્ટને તેઓ વારંવાર કહેતા કે યાત્રિકોને પરવડે અને ગરીબ માણસો લાભ લઈ શકે તેવા અતિથી ગૃહો પણ અદ્યતનની સાથે બનાવજાે અને ભાટીયા ધર્મશાળા સંકુલમાં માત્ર ૧પ રૂપિયામાં નાઈટ સેલ્ટર અતિથી ગૃહ ચાલુ કરાવ્યું અને બુકીંગ ઓફીસ કમ્પાઉન્ડમાં નાના નાના સ્કુલ બાળકો બુકીંગ માટે ઉભતા હતા. તેના આચાર્યને બોલાવીને કહયું કે આજના પ્રથમ એવા તમામ બાળકોના રૂમનો ચાર્જ હું ભરી આપીશ અને અંગત રીતે ભરી આપ્યો હતો.
કેશુભાઈ પટેલે તેમના ધર્મપત્નીનાં નામે ખાસ દાન કરી સોમનાથમાં લીલાવંતી ગેસ્ટહાઉસ સોમનાથ સંકુલમાં બનાવડાવ્યું એટલું જ નહીં જયારે સમગ્ર રાષ્ટ્ર-રાજય કોરોના સંક્રમણમાં ઘેરાયું ત્યારે આખે આખું લીલાવંતી અતિથી ગૃહ કોરોના કેર સેન્ટર માટે આપ્યું અને હજુ પણ તે સ્થળને બદલે સાંસ્કૃતિક હોલમાં ફેરવી પણ આપ્યું અને ટ્રસ્ટ તરફથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી દાખલ થતા તમામ દર્દીઓને ખાવા પીવા અને કીટ સહિતની વ્યવસ્થાનો પ્રબંધ પણ કરાવ્યો હતો. કેશુભાઈ પટેલે સોમનાથ મંદિરના પગથીયા પાસે બેસી ધજા તરફ આંગળી ચિંધતા કહયું હતું કે, મને ઘુંટણની તકલીફ હતી અને ઓપરેશન કરાવવામાં મારી ઈચ્છા કચવાતી હતી પરંતુ મેં જેવા સોમનાથ દાદાના દર્શન કર્યા અને મન મજબુત કર્યુ કે ભલે ઓપરેશન થાય અને થયું પણ આમ સોમનાથ દાદાથી મને નવી જીંદગી મળી છે. કેશુભાઈ પટેલને શોકાંજલી અર્પવા માટે આજે સોમનાથ ખાતે શોકસભા પણ યોજાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!