કેશોદ નાયબ કલેકટરની અધ્યક્ષતામાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોની મળેલી બેઠકમાં કેશોદ તાલુકાના સોદરડા ગામે ગૌશાળાથી જોરાવરનગર તરફ જતાં રસ્તામાં કોઝવે પુલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. એટીવીટી અંતર્ગત મંજૂર કરવામાં આવેલ કોઝવે પુલ બનાવવાનું કામ સોદરડા ગ્રામ પંચાયત દ્વારા રાખવાની સહમતી દર્શાવવામાં આવતાં કેશોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વહીવટી અને તાંત્રિક પ્રક્રિયા પૂર્ણ કરી કરારનામું કરી વર્ક ઓર્ડર આપ્યો હતો. કેશોદ તાલુકાના સોદરડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલાં કોઝવે પુલના કામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તા વાળું મટેરીયલ અને માપ સાઈઝમાં ક્ષતિઓ હોવાનાં આધાર પુરાવા સાથે એટીવીટીનાં અધ્યક્ષ અને નાયબ કલેકટર કેશોદ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદી દાસાભાઈ ખાંભલાની ફરિયાદ અન્વયે નાયબ કલેકટર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ કેશોદને તપાસ કરી સ્પષ્ટ રીપોર્ટ કરવા લેખિતમાં જાણ કરવામાં આવેલ હતી. ત્યારે તપાસ રીપોર્ટ રજૂ કરવામાં ન આવતાં બે બે વખત લેખિતમાં જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પંચ રોજકામ તારીખ ૫/૧૦/૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું છે. ફરિયાદી દ્વારા તપાસમાં અસંતોષ દર્શાવી વાંધા સાથે હાજર હોવાની સહી કરી આપી છે. કેશોદના સોદરડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલાં કોઝવે પુલના કામમાં ખરેખર ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલાં આધાર પુરાવા સાથેની ફરિયાદમાં તથ્ય છે ત્યારે જવાબદાર સામે પગલાં ભરવામાં ન આવતાં સમગ્ર તાલુકામાં જુદા-જુદા તર્ક વિતર્ક ઉઠવા લાગ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળના કામો કરવા માટે ગ્રામ પંચાયત હસ્તકના કરાવી ખર્ચ અટકાવવા અને ગુણવત્તા જાળવવાના અભિગમનો કેશોદ તાલુકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દુરૂપયોગ થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે કેશોદ તાલુકાના સોદરડા ગામે કોઝવે પુલના કામમાં ગેરરીતિ આચરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો અન્ય કામોમાં ચાલતી ગેરરીતિઓનો સીલસીલો અટકશે. કેશોદ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ખુદ પોતાના વિભાગમાં ગેરરીતિઓ આચરતાં હોવાની ફરિયાદો થયેલી છે અને ઉપલી કચેરીનાં હુકમોનો ઉલાળીયો કરી ભૂમાફિયાઓને છાવરવા પ્રયત્ન કરે છે. ત્યારે સોદરડા કોઝવે પુલના કામમાં નિષ્પક્ષ તપાસ કરી રીપોર્ટ આપવામાં આવશે કે ભ્રષ્ટાચારીઓને બચાવવા મેદાને પડશે. રાજ્ય સરકારની કરોડો રૂપિયાની વિકાસનાં કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ હેઠળનાં કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવતાં રહિશોને પુરતાં પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી અને ફરિયાદ થાય તો પગલાં ભરવામાં ન આવતાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળી ગયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews