દીપોત્સવીની રાત્રે ખંભાળિયામાં એક દુકાન તથા એક મકાનમાં રાખવામાં આવેલા નીરણમાં આગ

0

ખંભાળિયાના જુદા જુદા બે વિસ્તારોમાં દિવાળીની રાત્રે શનિવારે આગના બે બનાવો બન્યા હતા. જેમાં એક દુકાન તથા એક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલ નીરણનો જથ્થો આગનો ભોગ બન્યા હતા. ખંભાળિયાના રહેણાંક વિસ્તાર એવા ગગવાણી ફળી ખાતે શનિવારે રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યે સાડીની દુકાન ધરાવતા ધર્મેશભાઈ દાસાણી નામના એક આસામીની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા આ વિસ્તારના રહીશોએ તાકીદે પાણીનો મારો ચલાવ્યો હતો. આટલું જ નહીં, નગરપાલિકા સ્ટાફને જાણ કરાતા ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ કાબૂમાં આવી જવા પામી હતી. આ આગમાં દુકાનમાં રહેલા માલસામાનને નુકશાની થવા પામી હતી. ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ નજીક આવેલ ગુલાબનગર ટેકરી વિસ્તારમાં શનિવારે રાત્રીના આશરે બે વાગ્યે રાણશીભાઈ ગઢવી નામના એક આસામીના ઘરની અગાસી ઉપર રાખવામાં આવેલા નિરણના જથ્થા ઉપર કોઈ સળગતો આકાશી ફટાકડો પડતાં નિરણના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ વિસ્તારના રહીશોમાં દોડધામ પ્રસરી ગઈ હતી. આ અંગે નગરપાલિકાને જાણ કરાતા ફાયર ફાઈટર સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી ને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસોમાં કોઈ ફટાકડા સહિતના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની સુચના મુજબ સિનિયર કર્મચારી જે.બી. ડગરાના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો. જેમાં બે ફાયર ફાઈટર તથા એક વોટર બ્રાઉઝર સાથે સ્ટાફના મહેન્દ્રભાઈ ચોપડા, સુખદેવસિંહ વાઢેર, જયપાલસિંહ જાડેજા, નિતેશ આલાભાઇ તથા હજુગ ગઢવીએ સ્ટેન્ડબાય રહી અને આગના બનાવો ઉપર કાબુ મેળવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!