ગુજરાત કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અને દિલ્હીમાં ધરણાં ઉપર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આજરોજ ગાંધીનગરના સેક્ટર-૬ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક દિવસના પ્રતિક ઉપવાસની ૫૦ લોકોની સંખ્યાની મર્યાદામાં ગાઈડલાઈનના પાલન સાથે પોલીસે મંજૂરી આપી હતી. આ ધરણાં કાર્યક્રમમા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં કોંગ્રેસ પણ સામેલ થશે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ બિલ લોકસભા રાજ્યસભામાં આવ્યું ત્યારે સરકારે કહ્યું હતું ખેડૂત ગમે ત્યાં ખેત પેદાશ વેચી નહી શકે. બે રાજ્ય હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આ સ્પષ્ટ કર્યું છે. તો શું હવે ગુજરાતનો ખેડૂત મધ્યપ્રદેશમાં ખેતપેદાશ નહિં વેચી શકે ? મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ખેડૂતોને જેલમાં નાંખવાની વાત કરી છે. છેલ્લા ૬ વર્ષમાં કેન્દ્ર સરકારે એક પણ સારૂં કામ ખેડૂતો માટે કર્યું નથી. હવે ત્રણ કાળા કાયદા કેન્દ્ર સરકાર લઈને આવી છે. ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો નથી મળ્યો અને અનેક જિલ્લા તાલુકામાં વધારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને વળતર પણ આપ્યું નથી. માત્ર એક જ કંપની દેશનાં ખેડૂતોની ખેતપેદાશ લેશે. ફરી ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી રહી છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ ધરણામાં કાળા કપડા પહેરીને આવ્યા હતા. તેમણે આ બિલને કાળો કાયદો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, ‘આખા દેશમાં ભાજપની કિસાન વિરોધી નીતિઓને કારણે ખેડૂતો આંદોલનના માર્ગે છે. છેલ્લા કેટલા દિવસથી કિસાન કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર બેસીને વિરોધ કરી રહ્યાં છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં જ્યારથી ભાજપ સરકાર શાસનમાં આવી છે ત્યારથી જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરીને ખેડૂતોની જમીન હડપવા માટે ઉદ્યોગગૃહોઉદ્યોગપતિઓ માટે વ્યવસ્થા કરી આપી છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદામાં એકપણ જગ્યાએ મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (સ્જીઁ) નો ઉલ્લેખ નથી. ખેતી-ખેડૂતોને મજબુર અને મજદૂર બનાવતા કાયદાથી ભારતની અર્થ વ્યવસ્થા તૂટી જશે.પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ કાળા કાયદાને પાછા ખેંચવા માટે આખા દેશના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, જે વિરોધ કરી રહ્યા છે. તે જ વિરોધમાં ગુજરાતનો એક એક ખેડૂત પણ સામેલ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે, સરકાર કહે છે કે, ‘એમએસપી રહેશે તો પછી કૃષિ બિલની અંદર તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી ? આ સાથે બિલમાં એપીએમસી માર્કેટનો પણ કેમ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ? સવાલ બહું સ્પષ્ટ છે. પહેલીવાર કંઇ એવું બન્યું કે, સરકાર પાસે કંઇ માંગવામાં નથી આવી રહ્યું પરંતુ આપેલી વસ્તુઓનો વિરોધ થઇ રહ્યો છે. ખેડૂતોને એટલું જ કહીશ કે ૭/૧૨ની નકલમાં તમારે નામ રાખવું હોય તો ૮/૧૨ના ભારત બંધના એલાનને સમર્થન આપો. કોરોનામુક્ત થયેલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું કે, નવા મળેલા જીવનમાં પ્રથમ વખત લોકોની વચ્ચે આવ્યો છું. આ દેશમાં ભાજપના બે સરમુખત્યાર વલણ ધરાવતા આગેવાનોના કારણે દેશમાં નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતને લેબોરેટરી બનાવી દેશમાં સરમુખત્યાર શાહી લાદવાનું કામ થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews