ઉપલેટા : પ્રેમસંબંધમાં ૧૮ વર્ષના યુવાનની હત્યા, માતા-પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો

 

ઉપલેટામાં રહેતાં ૧૮ વર્ષના કોળી પરિવારના યુવાનને પડોશમાં રહેતી યુવતિ સાથે ફોનમાં વાતચીતના સંબંધ હોય, તેની સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોવા બાબતની યુવતિના ભાઇને જાણ થઇ જતાં તેણે યુવાનના ઘરે આવી સમાધાનની વાતચીત કરતાં યુવાને માફી માંગી લેતાં યુવતિના ભાઇએ ઘર બહાર નીકળી જઇ બાદમાં ફરીથી અચાનક ઘરમાં છરી સાથે આવી બધા પરિવારજનોની નજર સામે જ કોળી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકી દઇ ‘હવે પછી મારી બહેન સાથે વાતચીત કરીશ કે નજર કરીશ તો જાનથી મારી નાંખીશ’ તેમ કહી ભાગી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે અને આરોપી પોલીસના સકંજામાં છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગ્ત મુજબ ઉપલેટામાં સ્વામિનારાયણ મંદિર સામે કાદી વિસ્તારમાં રહેતાં અને જુના પોરબંદર રોડ ઉપર ઉમા ઇન્ડસ્ટ્રીમાં ફીટર તરીકે કામ કરતાં દિલીપભાઇ જગુભાઇ પરમાર (ઉ.વ.૫૨)ની ફરિયાદ ઉપરથી ઉપલેટા કાદી વિસ્તાર સતવારા સમાજ પાસે રહેતાં હાર્દિક જીવાભાઇ સોલંકી સામે આઇપીસી ૩૨૬, ૫૦૪, ૫૦૬ (૪), ૪૪૭ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમ્યાન રાજકોટમાં અમિત પરમારનું મોત નિપજતાં કલમ ૩૦૨નો ઉમેરો કર્યો છે. દિલીપભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહું છું, અમે ચાર ભાઇઓ છીએ જેમાં સોૈથી મોટા પરષોત્તમભાઇ, તેનાથી નાના ગોકુળભાઇ અને ત્રીજા નંબરે હું તથા મારાથી નાના મહેન્દ્રભાઇ ઉર્ફ બાવનજીભાઇ છે. અમે ત્રણ ભાઇઓ એક જ ઘરમાં રહીએ છીએ. નાના ભાઇ મહેન્દ્રભાઇને સંતાનમાં એક દિકરી હિરલ છે જે સાસરે છે અને બે દિકરા અમિત (ઉ.વ.૧૮) તથા વિનોદ (ઉ.વ.૧૫) છે. સોમવારે તા. ૭ના સાંજે છએક વાગ્યે હું તથા મારો ભાઇ મહેન્દ્રભાઇ ઉર્ફ બાવનજીભાઇ, મારો દિકરો રાજેશ, મારા મોટાભાઇનો દિકરો ભાવેશ પરષોત્તમભાઇ પરમાર બધા ઘરે હતાં ત્યારે બાજુની શેરીમાં રહેતો હાર્દિક જીવાભાઇ સોલંકી (આહિર) અમારા ઘરે આવ્યો હતો અને મને વાત કરી હતી કે તમારા ભાઇ મહેન્દ્રભાઇ ઉર્ફ બાવનજીભાઇ પરમારનો દિકરો અમિત પંદર દિવસથી મારી બહેન આરતીને વારંવાર ફોન કરે છે અને એ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાઈ ગયો છે. તમારો દિકરો અમિત અમારી મરજી વિરૂધ્ધ મારી બહેન સાથે ફોનમાં વાતચીત કરે છે. તમે તેને બોલાવો, મારે તેને જાેઇ લેવો છે તેમ વાત કરતાં અમે બધાએ હાર્દિકને કહેલ કે અમારો દિકરો અમિત હજુ નાનો છે, તેને સમજાવી દઇશું. આ બાબતે તમે સમાધાન કરી લો. તેથી તેણે કહેલ કે પહેલા અમિતને મારી સાથે હાજર કરો પછી જ સમાધાન કરશું. આથી મારા ભાઇનો દિકરો અમિત કે જે ઉપલેટા કિરણ ફર્નિચર નામની દૂકાને કામે ગયો હોય ત્યાંથી મારા મોટા ભાઇના દિકરા ભાવેશભાઇ પરષોત્તમભાઇ પરમારે તેને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ અમે બધા ઘરમાં બેઠા હતાં જયાં હાર્દિકે આવીને બેસતાં તેને અમે હાર્દિકની બહેન સાથે ફોનમાં વાતચીત કરી હોઇ અને તેની સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતે માફી માગી લેવા કહેતાં તેણે માફી માંગી હતી. ત્યારબાદ હાર્દિક ઉભો થઇ ઘરની બહાર જતો રહ્યો હ તો. અમે બધા ત્યાં જ બેઠા હતાં. દરમ્યાન અમિત અમારી સામે પ્લાસ્ટીકની ખુરશીમાં બેઠો હતો ત્યારે હાર્દિક સોલંકી ઘરની બહારથી અચાનક ઉશ્કેરાઇ જઇ છરી સાથે અંદર આવ્યો હતો અને અમિતને પેટમાં છરી ઝીકી દીધી હતી. તેમજ હાર્દિકે અમિતને ગાળો દઇ હવે પછી જાે મારી બહેન સામે નજર કરીશ કે, તેની સાથે વાતચીત કરીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી દોડીને તે જતો રહ્યો હતો. અમિતને પેટમાંથી લોહી વહેતુ હોઇ તેને તુરત જ ડો. દલસાણીયાની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો હતો.
ઉપલેટા પીઆઇ કે. જે. રાણાએ આ મામલે પ્રથમ આઇપીસી ૩૨૬ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમિતનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. યુવાન અને એકના એક દિકરાની હત્યાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એન્ટ્રી નોંધી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયાનું જાણવા મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!