દ્વારકાના મહિલાની કિંમતી જમીનનાં કપટપૂર્વક દસ્તાવેજ કરી જવા અંગે વકિલ સહીત ત્રણ સામે ફરિયાદ

0

દ્વારકામાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા એક એડવોકેટ દ્વારા દ્વારકા તાલુકાના મુળવાસર ગામના એક મહિલાની જમીન તેમના પિતા દ્વારા વારસાઈ રૂપે મળતા આ અંગે જરૂરી કાગળ કરવા જતા વકીલે કપટપૂર્વક અન્ય આસામીઓના નામે આ જમીન કરી નાખતા આશરે ૧૪ વર્ષ પહેલાંના આ પ્રકરણમાં સોમવારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખામંડળના દ્વારકા તાલુકાના મુળવાસર ગામના મુળ વતની અને હાલ હમુસર ગામે રહેતા જીજીબાઈ રાણાભાઈ બાલુભાઈ હાથિયા નામના ૫૧ વર્ષીય મહિલાના પિતા મુંજાભાઈ હાજાભાઈ આજથી આશરે વીસેક વર્ષ પહેલાં અવસાન પામ્યા છે. મૃતક મુંજાભાઈના વારસદાર તરીકે જીજીબાઈ હોવાથી તેણે પોતાના પિતાની મુળવાસર ગામે આવેલી જુદી જુદી સર્વે નંબરવારી બે કિંમતી જમીન અંગે વારસાઈ એન્ટ્રી કરાવવા માટે તેમજ જૂની શરતની પ્રક્રિયા થતાં ટાઈટલ ક્લિયર કરાવવા માટે વર્ષ ૨૦૦૬ની સાલમાં દ્વારકામાં રહેતા અને રેવન્યુ અંગેનું કામ કરતા સંજીવ નટવરલાલ ચાંદલિયા નામના એક વકીલનો સંપર્ક કર્યો હતો. આ કામ કરવા વકીલ સંજીવ ચાંદલીયાએ જીજીબાઈ પાસે રૂપિયા ૧૯ હજારની ફી માંગી, ટાઇટલ ક્લિયર અંગેની કામગીરી થઇ જશે તેમ જણાવ્યું હતું. બાદમાં વકીલ દ્વારા પૂર્વયોજીત કાવતરૂ રચી અને જીજીબાઈના વકીલાતપત્ર વિગેરેમાં અંગુઠાના નિશાન લઈ લીધા હતા. પરંતુ વકીલ દ્વારા સતત ત્રણ વર્ષ સુધી આ અંગેની કાર્યવાહી થઈ ન હતી. આ પછી થોડા સમય પૂર્વે વકીલ સંજીવ ચાંદલીયા વિરૂદ્ધ શિવરાજપુરના એક આસામી દ્વારા જમીન બાબતે થયેલી અન્ય એક પોલીસ ફરિયાદની જાણ જીજીબાઈને થતાં તેઓએ તેઓની જમીનના ટાઈટલ ક્લિયર માટેનું કામ સંજીવ ચાંદલીયાને ભરોસે અંગુઠો મારીને આપ્યું હોવાથી તેઓએ તપાસ કરતા વકીલ સંજીવ ચાંદલીયાએ તેમની જમીનનો દસ્તાવેજ તારીખ ૧૬-૧૧-૨૦૦૬થી પોતાના સંબંધી સોનલબેન અશ્વિનભાઈ ચાંદલીયા તથા પુષ્પાબેન નટવરલાલ ચાંદલીયાના નામે કરી લીધો હોવાનું ધ્યાને આવ્યું હતું. આટલું જ નહીં ફરિયાદી જીજીબાઈ અગાઉ કદી સોનલબેન તથા પુષ્પાબેનને મળ્યા પણ ન હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આમ, જમીનનું ટાઈટલ ક્લિયર કરાવવાનું કામ વકીલને સોંપાતા તેમના દ્વારા પૂર્વયોજિત કાવતરૂ રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી આ વકીલ દ્વારા કોરા કાગળો તથા વકીલાત પત્રમાં અંગુઠાના નિશાન લઈ અને પોતાના નામે પાવરનામું તૈયાર કરી અને તે પાવરનામાંના આધારે આ જમીન વકીલ દ્વારા બે મહિલાઓને વેંચાણ આપી દસ્તાવેજ કરી લીધો હોવા અંગેની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં જીજીબાઈ દ્વારા નોંધાવવામાં આવી છે. આથી દ્વારકા પોલીસે વકીલ સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, તથા ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. જી.જે. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ, દ્વારકાના ચકચારી વકીલ કે જેમની સામે અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયા છે, તે પ્રકરણમાં હવે શું થશે ? તે બાબતે ઇંતેજારી સાથે ભોગ બનનારાઓની મીટ મંડાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!