Thursday, January 21

ભારતના રિટેલ વેપાર ઉપર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જાેઈએ

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સોમવારે જણાવ્યું હતું કે, એમેઝોન દ્વારા ભારતીય રિટેલ વેપાર ઉપર આધિપત્ય જમાવવા માટે અજમાવાઈ રહેલી ચાલાકીપૂર્વકની, બળજબરી કરનારી, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓનો અંત આવવો જાેઈએ. રિલાયન્સ રિટેલને ફ્યૂચર ગ્રૂપનો હિસ્સો વેંચવા માટેના સોદાનો વિરોધ કરી રહેલા એમેઝોન અંગે દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યાના ગણતરીના કલાકો બાદ વેપારીઓના સંગઠન દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. રિલાયન્સ રિટેલ સાથેના રૂા. ૨૪,૭૧૩ કરોડના સૂચિત સોદાની સામે SIACના આર્બિટ્રલ ઓર્ડર અંગે એમેઝોનને સેબી, કોમ્પિટિશન કમિશન અને અન્ય સત્તામંડળને લેખિત રજૂઆત કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવાની ફ્યુચર રિટેલ લિમિટેડની (એફઆરએલ) અરજીને અદાલતે ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ મુક્તા કાપડિયાએ કહ્યું હતું કે, જ્યારે એફઆરએલ દ્વારા વચગાળાના હુકમનો પ્રથમ કેસ કરવામાં આવ્યો છે, ત્યારે રાહત આપી શકાતી નથી, કારણ કે કેસનું સંતુલન એફઆરએલ અને એમેઝોન બંનેની તરફેણમાં છે, અને ન ભરપાઈ કરી શકાય તેવું નુકસાન કોઈપણ પક્ષકારને થાય તો કેસની સુનાવણી દરમ્યાન અથવા સક્ષમ સત્તા દ્વારા તે અંગે ર્નિણય લઈ શકાય છે. વચગાળાનો મનાઈ હુકમ નહીં ફરમાવવા પાછળનું વધુ એક કારણ એ છે કે FRLઅને એમેઝોન બંને પક્ષકારોએ કાયદાકીય સત્તામંડળ અથવા રેગ્યૂલેટર્સ સમક્ષ પોતપોતાના પક્ષની રજૂઆતો અને પ્રતિરજૂઆતો કરી લીધી છે અને હવે કાયદેસરના સત્તામંડળ/રેગ્યૂલેટર્સ ઉપર ર્નિભર કરે છે કે આ મામલે કોઈ ર્નિણય લે, તેમ પણ અદાલતે જણાવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાના પરિદૃશ્યમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, અદાલતનો ચુકાદો સીએઆઇટી દ્વારા લાંબા સમયથી લેવામાં આવેલા સ્ટેન્ડને યોગ્ય ઠેરવે છે કે એમેઝોન ખુલ્લેઆમ સરકારની એફડીઆઇ નીતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચુકાદાને ટાંકીને વેપારીઓના સંગઠને જણાવ્યું હતું કે, “એમેઝોનના અણઘડ વર્તનને નિયંત્રણમાં લેવું જરૂરી બન્યું છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા અન્ય કાયદાકીય સત્તામંડળ દ્વારા સુધારાત્મક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે કે જેનાથી એમેઝોનને તેના ફાયદા માટે ભારતના કાયદાઓનું ઉલ્લંઘન કરતાં રોકી શકાય.” ઈ-કોમર્સ દ્વારા ભારતના રિટેલ વેપારને નિયંત્રિત કરવા અને તેના ઉપર પ્રભુત્વ મેળવવા માટે એમેઝોનની “ચાલાકીયુક્ત, બળજબરીપૂર્વકની, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓ” હવે સમાપ્ત થવી જાેઈએ. “એમેઝોન દ્વારા ફેમાના નિયમોનું ઉલ્લંઘન કરાયું છે તેવું હાઇકોર્ટનું અવલોકન CAITના એ અંગેના સતત પ્રયાસોને અનુમોદન આપે છે કે, એમેઝોન જેવા મોટા ઇ-કોમર્સ ખેલાડીઓ દ્વારા વારંવાર કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે,” તેવો દાવો પણ ઉપરોક્ત નિવેદનમાં કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ ૨૦૧૯માં એમેઝોન દ્વારા કિશોર બિયાનીના નેતૃત્વ હેઠળના ફ્યૂચર ગ્રૂપની અનલિસ્ટેડ કંપની ફ્યૂચર કુપન્સ લિમિટેડ (FCL)માં ૪૯ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો, જેમાં એવી પણ જાેગવાઈ કરવામાં આવી હતી કે જાે સરકાર મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં વિદેશી હિસ્સેદારી ઉપર નિયંત્રણ ઉઠાવી લે તો ફ્યૂચર ગ્રૂપની ફ્લેગશિપ કંપની FRLમાં હિસ્સો ખરીદવાનો અધિકાર તેને મળે. જ્યારે આ વર્ષે ફ્યૂચર ગ્રૂપે રૂા. ૨૪,૭૧૩ કરોડમાં ફ્યૂચર ગ્રૂપનું હસ્તાંતરણ કરવાનો સોદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે કર્યો હતો. ત્યારે એમેઝોને ફ્યૂચર ગ્રૂપને સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)માં ઢસડી જતાં એવો દાવો કર્યો હતો કે, અનલિસ્ટેડ કંપની FCL સાથે તેનો સમજૂતી કરાર હોવાથી રિલાયન્સ સહિત અન્ય વ્યક્તિઓ કે કંપનીઓ કોઈપણ સોદો નહીં કરી શકે. ગત ૨૫ ઓક્ટોબરે SIAC દ્વારા FRL પોતાની અસ્ક્યામતો વેંચવાની કે પ્રતિબંધિત પક્ષ પાસેથી મૂડીરોકાણ મેળવવા માટે પોતાનો હિસ્સો વેંચવાની મનાઈ ફરમાવતો એમેઝોનની તરફેણમાં વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!