રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યાર સુધીમાં ધોરણ.૧થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૮નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું.
બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ.૧થી ૫ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી. જ્યારે ધોરણ.૬થી ૮માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું. જાેકે આ પહેલાં માત્ર પીટીસીની લાયકાતથી ભરતી થતી હતી, જેથી ધોરણ.૬થી ૮માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પૂરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જાેગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજાેગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. આવા સંજાેગોમાં કોઈ શાળામાં વાસ્તવિક રીતે ધોરણ.૬થી ૮માં ગણિતના શિક્ષકની જગ્યા ખાલી પડી હોય, પરંતુ ત્યાં ધોરણ ૧થી ૫નો વધારાના શિક્ષક મૂકેલા હોવાથી ત્યાં અન્ય શિક્ષકની બદલી થતી નહોતી. બીજું કે સિનિયોરિટીમાં પણ સળંગ એકમ ગણાતો હતો. હવે નવા નિયમથી વધારાના શિક્ષકને સમાવવાની જાેગવાઈ દૂર કરાઈ છે, જાેકે ટેમ્પરરી કોઈ શિક્ષકને મૂકવામાં આવે તો તેને બદલી કેમ્પમાં અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે. સચિવાલય સંવર્ગના બિનબદલીપાત્ર કર્મચારી કે અધિકારીના પતિ કે પત્ની જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેમની ગાંધીનગર જિલ્લામાં સ્પેશિયલ કેસમાં બદલી કરવાની જાેગવાઈ હતી. જાેકે આ નિયમથી અત્યારસુધીમાં માત્ર સચિવાલયના કર્મચારીઓને જ લાભ મળતો હતો. હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે. આ સિવાય જિલ્લાફેર બદલી વખતે મહિલાઓને મોટી રાહત એ મળી છે કે તેમનું પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહીં, પણ લગ્ન નોંધણીવાળું સ્થળ જ ધ્યાનમાં લેવાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews