ગુજરાતનાં માછીમારોને વેટમુક્ત ડીઝલ પેટે ચાલું વર્ષે રૂા.૬૫.૩૦ કરોડની સહાય ચૂકવાઇ : મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગુજરાત રાજયનાં મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માછીમારોને આર્થિક રીતે પગભર કરવા અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી અનેકવિધ નવતર આયામો રાજ્ય સરકારે અમલી બનાવ્યા છે. મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ મારફત મત્સ્યોદ્યોગ ખાતાના “લોગો”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મત્સ્યોદ્યોગ ખાતાના લોગોનું અનાવરણ કરતા મંત્રી ચાવડાએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માછીમારોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે જેમાં દરિયામાં માછીમારી કરવા માટે માછીમારોને વેટમુક્ત ડીઝલ સહાય પણ ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ચાલું વર્ષે અત્યાર સુધી પાંચ હજાર જેટલા માછીમારોને રૂા.૬૫.૩૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે. તે ઉપરાંત નાના બોટ ધારકોને કેરોસીન ઉપર સહાય આપવાની યોજના અંતર્ગત અંદાજીત ૧૯૦૦ જેટલા માછીમારોને રૂા.૧૪૯.૦૮ લાખની સહાય આપવામાં આવી છે. આંતર્દેશીય મત્સ્યોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે રાજ્યમાં ઉપલબ્ધ જળાશયો ઈજારા ઉપર આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૫૩૩ જળાશયો ઈજારા ઉપર આપીને તેમાં મત્સ્ય બીજ સ્ટોકીંગ કરીને ઉત્પાદન મેળવવામાં આવે છે. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓને વિવિધ યોજનાઓનું અમલીકરણ તથા મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય દ્વારા અધિકારીઓને પ્રધાનમંત્રી સંપદા યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવે તે મુજબની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!