કિસાન આંદોલનની મડાગાંઠને ઉકેલવા કેન્દ્ર સરકારની કવાયત, આવતીકાલે મંત્રણા માટે ૪૦ યુનિયનોને બોલાવ્યા

0

કૃષિ કાયદાઓ અંગે ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે કિસાનોની મંત્રણાની ઇચ્છા પછી બુધવારે ૪૦ ખેડૂત સંગઠનોને ચર્ચા માટે બોલાવ્યા છે અને કહ્યું છે કે, તે ખુલ્લા દિમાગથી મુદ્દા ઉકેલવા માટે કટિબધ્ધ છે તથા ૩૦મી ડિસેમ્બરે તમામ મુદ્દે વાત કરવા માટે તૈયાર છે. બીજી તરફ ખેડૂતોએ પોતાની માગો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓ કાયદાઓ રદ કરવાની માગ ઉપર જ અડગ છે અને એમએસપીને કાયદેસર બનાવવા માટે કાયદો બનાવવાની તરફેણમાં છે. ખેડૂત સંગઠનોએ મંગળવારે વાત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જ્યારે સરકારે તેમને બુધવારનો સમય આપ્યો છે. ખેડૂત સંગઠનોને મોકલેલા એક પત્રમાં કેન્દ્રીય કૃષિ સચિવ સંજય અગ્રવાલે રાષ્ટ્રીય પાટનગરના વિજ્ઞાન ભવનમાં બપોરે બે વાગે તમામ વિરોધ પ્રદર્શન કરતાં ૪૦ કિસાન સંગઠનોને આવવા માટે આમંત્રણ આપ્યું છે.
આ પહેલા અંતિમ બેઠક પાંચમી ડિસેમ્બરે યોજાઇ હતી જેમાં ખેડૂત સંગઠનોએ કાયદાઓ રદ કરવા માટે હા કે ના માં જવાબ માગ્યો હતો. જ્યારેે સરકાર દ્વારા કાયદામાં સુધારા કરવાની હઠ પકડી રખાઇ હતી અને તેના કારણે આંદોલન ઉગ્ર બન્યું હતું. તે પછી કિસાનો અને સરકાર વચ્ચે કોઇ વાત થઇ ન હતી. કિસાન સંગઠનો દ્વારા વાતચીત શરૂ કરવાની નોંધ લેતાં અગ્રવાલે કહ્યું કે, સરકાર પણ ખુલ્લા દિમાગથી અને તાર્કીક રીતે તમામ મુદ્દાનો ઉકેલ લાવવા માગે છે. બેઠક માટે સંગઠનો દ્વારા સૂચવાયેલા પ્રસ્તાવ અંગે સચિવે કહ્યું કે, ત્રણેય કાયદાઓ અંગે બેઠકમા વિગતવાર ચર્ચા કરાશે, એમએસપી પ્રક્રિયા અને ઇલેકટ્રીસીટી બિલ અંગે પણ ચર્ચાકરવામાં આવશે. જાેકે, સરકારે ખેડૂત સંગઠનો દ્વારા તમામ કાયદાઓ રદ કરવાની માગ અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. અત્યારસુધી સરકાર સાથે ૪૦ કિસાન સંગઠનોની પાંચ તબક્કાની મંત્રણા થઇ ચૂકી છે પરંતુ મડાગાંઠ ઉકેલાઇ નથી. આ પહેલા ૯ ડિસેમ્બરે પ્રસ્તાવિક બેઠક થવાની હતી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત બાદ ખેડૂત સંગઠનોએ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!