વિસાવદરના સુખપુર ગામે રૂા. ૪.૭૧ લાખની છેતરપીંડી કરનાર શખ્સો બે દિવસના પોલીસ રીમાન્ડ ઉપર

0

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણી (ઉ.વ. ૫૦) દ્વારા આરોપીઓ રવજી રાઠોડ ઉર્ફે રવિબાપુ (રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર), લાલજીભાઇ રામજીભાઇ વાળંદ (રહે. સુખપુર તા. વિસાવદર), રમેશભાઈ કોળી ઉર્ફે કાળું (રહે. પોઇચા) તથા અઘોરીબાબા (ઉ.વ. આશરે ૪૦) વિરૂધ્ધ પોતાની જમીનમાં માયા (સોનુ) હોવાનું જણાવી, વિશ્વાસ દેખાડી, રૂા. ૪,૭૧,૦૦૦ની વિશ્વાસઘાત ઠગાઈ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, વિસાવદર પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખેડૂત સાથે માતબર રકમની કરવામાં આવેલ છેતરપિંડીના ગુન્હામાં તાત્કાલિક આરોપીઓને પકડી પાડી, ખેડૂતના છેતરપિંડી કરવામાં આવેલ રૂપિયા રિકવર કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તેમજ સ્ટાફના વિમલભાઈ, પુનાભાઈ, કિશોરભાઈ, વિરલભાઈ, અવિનાશભાઈ, મેણશીભાઇ, હિતેશભાઈ સહિતની ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ધરી, જુદી જુદી જગ્યાઓએ રેઇડ કરી, આરોપીઓ લાલજીભાઈ રામજીભાઈ લીંબાણી (ઉ.વ. ૪૭ રહે. સુખપુર તા. વિસાવદર જી. જૂનાગઢ), રવજીભાઈ ઉર્ફે રવિબાપુ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૫ રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર જી. જૂનાગઢ), કાળુશા ઇસ્માઇલશા બચુશા રફાઈ (ઉ.વ.૩૩ રહે. રાજપરા તા. વિસાવદર જી.જૂનાગઢ), દિનેશભાઇ ઉર્ફે સુરેશભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૫ રહે. ચુડા તા. ભેસાણ જી. જૂનાગઢ), મહેબુબભાઈ અલ્લારખાભાઈ શેખ (ઉ.વ. સાસણ, સરકારી દવાખાના પાસે, તા. મેંદરડા જી. જૂનાગઢ) તથા અસ્લમશા રહેમાનશા બનવા (ઉ.વ. ૩૦ રહે. વડલી શેરી, સાસણ તા. મેંદરડા જી. જૂનાગઢ)ને રાઉન્ડ અપ કરી, કોવિડ ૧૯ નો ટેસ્ટ કરાવી, ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ફરિયાદી તથા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આરોપીઓ હકીકત સાથે સહમત નહોતા થયા પરંતુ પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીઓ ભાંગી પડયા હતા અને ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ હતી. પોલીસ ટીમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તાજેતરમાં ફરિયાદી ઉપર રૂપિયાનું દેણું થઈ ગયું હોય પોતાની જમીન વેંચવાના કારણે ફરિયાદી પાસે રૂપિયા આવ્યા હોવાનું આરોપી લાલજીભાઈ રામજીભાઈ લીંબાણી કે જે ફરિયાદીના ગામનો જ હોઈ અને ઇકો ગાડી ભાડે ફેરવતો હોઈ, તેને જાણવા મળતા, તેણે આરોપી રવજીભાઈ ઉર્ફે રવિબાપુ ખીમાભાઈ રાઠોડને જાણ કરતા, ફરિયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ આરોપી રવજી ઉર્ફે રવિબાપુને આરોપી કાળુશા ફકીર સાથે સંપર્ક હોઈ, કાળુશા સોનું બતાવી, છેતરપીંડી કરવામાં માહિર હોઈ, આ ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મળી, તેઓની જમીનમાં સોનું દટાયેલ હોઈ, વિધિ કરવામાં આવે તો, માલામાલ થઈ જશે એવું જણાવી વિધિ કરવા માટે સ્મશાનની ભભૂત જાેઈએ અને તે ભેંસાણ બાજુથી મળશે, રૂા. ૫૧,૦૦૦ નો ખર્ચ થશે તેમ જણાવી, ફરિયાદીને લઈને ભેંસાણ બાજુ જતા, આરોપી દિનેશભાઇ ઉર્ફે સુરેશભાઈ ખીમાભાઈ રાઠોડ ભભૂત લઈને આવેલ અને રૂા. ૫૧,૦૦૦ તેને આપવામાં આવેલ હતા. ત્યારબાદ આ ભભૂત લઈને ખેતરમાં આયોજનપૂર્વક વિધિ કરતા સોનાના જણાવી પિત્તળના ત્રણ બિસ્કીટ કાઢી આપેલ હતા જેથી ફરિયાદીને વિશ્વાસ આવેલ હતો. ત્યારબાદ ત્રણેય મુખ્ય આરોપીઓ દ્વારા વધુ માયા (સોનું) માટેની વિધિ કરવા સાડા સાત તોલાના સોનાના નાગની જરૂરિયાત પડશે, જેના માટે
રૂા. ૪,૨૦,૦૦૦ ની જરૂરિયાત હોવાનું જણાવતા, ફરિયાદીને લાલચ જતા, જમીન વેંચેલ તે રૂપિયા એચડીએફસી બેંકમાં પડ્યા હોય ત્યાંથી ઉપાડી આપેલ અને પિતળનો નાગ સોનાનો હોવાનું જણાવી, લઈ આવી, ખેતરમાં ત્રણ ચાર કલાક વિધિ કરી, ડબ્બામાં નાગ મુકેલ છે એને બે ત્રણ દિવસ બાદ ખોલી, ખેતરમાં બતાવેલ જગ્યાએ ખોદકામ કરવા જાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણીએ બે ત્રણ દિવસ બાદ તપાસ કરતા માયા કે સોનુ મળેલ નહીં. ત્યારબાદ આરોપીના સંપર્ક કરતા વાયદાઓ કરેલ અને ત્યારબાદ તમામ આરોપીઓ દ્વારા મોબાઈલ ફોન બંધ કરી દેતા, ફરિયાદીને છેતરાયા હોવાની જાણ થતાં, પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવેલ હતી. વિસાવદર પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓના કબજામાંથી રોકડ
રૂા. ૩,૦૦,૦૦૦ તેમજ ગુન્હામાં વપરાયેલ ઇકો ગાડી કિંમત રૂા. ૩,૦૦,૦૦૦ સહિત કુલ રૂા. ૬,૦૦,૦૦૦નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. બાકીની રોકડ રકમ આરોપીઓએ કામ સફળ થતા, દિવમાં પાર્ટી કરી અય્યાશીમાં ઉડાવી વાપરી હોવાની કેફિયત રજૂ કરેલ હતી. વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ પાસેથી બાકીના મુદ્દામાલના રોકડ રૂપિયા રિકવર કરવા, આરોપીઓએ બીજા કોઈ જિલ્લા કે શહેરમાં આ પ્રકારના ગુન્હાઓ આચરેલા છે કે કેમ? અન્ય કોઈ ગુન્હાઓમાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ.? વિગેરે બાબતે સઘન પૂછપરછ હાથ ધરી બે દિવસનાં પોલીસ રીમાન્ડ મેળવી, વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews