લોઢવાની પરિણીતાને ઘરમાં મેલી વિદ્યાની અસર હોવાનું જણાવી એક મહિલા રૂા. ૧૮ હજારની માલમતા લઈ ‘છુ’

0

સુત્રાપાડાના લોઢવા ગામે રહેતી પરિણીતાને તેના ઘરમાં મેલી વિદ્યાની અસર હોવાનું જણાવી અજાણી મહિલાએ વિધી કરાવવાની વાત કરી રોકડા રૂા. ૬ હજાર તથા સોનાની બુટી અને બાલી કિ. રૂા.૧૨ હજાર લઇ છેતરપીંડી કરી રફુચકકર થઇ ગઇ હતી. જે અંગે પરીણીતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સુત્રાપાડાના લોઢવા ગામે રહેતી વનીબેન મેણસીભાઇ કછોટ (ઉ.વ.૪૦) નામની પરિણીતાના ઘરે પાંચેક દિવસ અગાઉ સવારના સમયે ૩૫ વર્ષની એક અજાણી મહિલા આવેલ હતી અને તમારા ઘરમાં કોઇએ મેલી વિદ્યા કરી છે જેથી તમારે વિધી કરાવવી પડશે. આ વિધી કરવા માટે રૂા.૬ હજાર જેટલો ખર્ચ થશે તેમ કહી પરિણીતાને વિશ્વાસમાં લઇ પૈસા લઇને કહેલ કે હું વિધી કરી તા.૨૯-૧ર-ર૦ના રોજ તમારા ઘરે પાછી આવીશ. ત્યારબાદ તા.૨૭-૧ર-ર૦ના રોજ સવારના સમયે ફરી એ અજાણી સ્ત્રી પરિણીતાના ઘરે આવેલ હતી અને કહેલ કે, હજુ તમારા ઘરમાં મેલી વિદ્યાની અસર ચાલુ હોય તેથી તમારા ઘરે વિઘી કરવી પડશે જેમાં તમારે તમારા સોનાના દાગીના મુકવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જેથી પરિણીતાએ નવ ગ્રામની સોનાની બાલી અને આઠ ગ્રામની સોનાની બુટી આવેલ સ્ત્રીને વિધી કરવા આપેલ હતી. ત્યારે સ્ત્રીએ દાગીના લઇ તમારા ઘરથી થોડે આગળ રોડ ઉપર વિધી કરવા લઇ જઉં છું દસ મિનિટમાં આવું છું તેમ કહી ગયા બાદ અડધો કલાક સુધી પરત આવેલ ન હતી. જેથી પરિણીતાએ તપાસ કરતા અજાણી સ્ત્રી કયાંય જાેવામાં ન આવતા તેની સાથે છેતરપીંડી થયાનું જણાતા પરીવારજનોને વાત કરી હતી. આ ઘટનામાં વનીબેન કછોટે અજાણી સ્ત્રી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews