ખંભાત ખાતર કૌભાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રૂા. ૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

0

આણંદ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ એસીબીની ઝપેટમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મસ મોટા તોડ કરતા રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ખંભાતમાં ખાતર કૌભાંડનો મોટો કારોબાર આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીનું નામ સામે ન આવે માટે ખંભાતના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ દ્વારા ૬૦ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે રકઝકના અંતે ૫૦ લાખ નક્કી કરવામાં આવી હતી. આ અંગે સંડોવાયેલા વ્યક્તિ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમના ભત્રીજા દ્વારા એસીબીની મુખ્ય કચેરી ખાતે ફરિયાદ કરવામા આવી હતી.
ફરિયાદીની મળેલિ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી અને આણંદ એસીબીની સંયુક્ત ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં વર્ષ ૨૦૨૦ના સોથી મોટા લાંચ પ્રકરણનો ઘટસ્ફોટ થયો હતો. આ કાર્યવાહીમાં વિદ્યાનગર રોડ પર આવેલા હેવમોર રેસ્ટોરન્ટ પર ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ બપોરના અરસામાં રકમ સ્વીકારવા માટે ગોઠવણ કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટમાં પહેલાથી જ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં પહેલેથી નક્કી થયેલી લાંચની રકમ પ્રકાશસિંહ દ્વારા સ્વીકારવામાં આવી હતી. જેની સાથે જ એસીબી દ્વારા રંગેહાથ રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૨૦ના અંતિમ દિવસે જિલ્લામાં બનેલી આ ઘટના વર્ષની સૌથી મોટી સફળ ટ્રેપ સાબિત થશે. આ કિસ્સામાં એસીબી દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે.
રાજકીય નેતાઓ, અધિકારીઓના નામ ખુલવાની સંભાવના
આ તપાસ દ્વારા ઘણા મોટા અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામ સપાટી પર આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. વર્ષની સૌથી મોટી ટ્રેપ બાદ હવે આ પોલીસ કોન્સ્ટેબલની પાસેથી અઢળક અપ્રમાણસર મિલકત હોવાના પણ એંધાણ સામે આવી રહ્યા છે. ત્યારે એસીબીની જુદી જુદી ટીમ દ્વારા પ્રકાશસિંહના કરતૂતો ઉપર પ્રકાશ પાડવા મોટા સર્ચ ઓપરેશન હાથ ધરવાની કવાયત કરતી નજરે પડી રહી છે. ખંભાત ખાતે ઝડપાયેલા ખાતર કૌભાંડમાં ખાતર પાડવા જતા વર્ષની સૌથી મોટી ટ્રેપ સામે આવી છે. જે બાદ આ કોન્સ્ટેબલ સાથે મળી આચરેલા ભ્રષ્ટાચારમાં ભાગ પડાવનારા લોકોની નવા વર્ષની ઊંઘ હરામ થઈ ગઈ છે. હાલ એસીબી પોલીસ દ્વારા આ ભ્રષ્ટાચારી પોલીસ વિરૂધ્ધ લાંચરૂશ્વત વિરોધી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના અંતે આ પ્રકરણમાં મોટા ખુલાસા થવાની સંભાવના જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews