જૂનાગઢમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં રાજ્ય સરકારે બનાવેલા કોરોના વાયરસના નિયમો નેવે મૂકાયા હતા. જાણે રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેમ દિક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો ગરબે ઘૂમીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. દિક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો ગરબે ઘૂમતા કાયદાના રખેવાળોએજ કાયદો તોડ્યો હતો. જૂનાગઢમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં એલઆરડી જવાનો માસ્ક પહેર્યા વગર ગરબા રમ્યા હતા, અહીં સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા. જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં દિક્ષાંત સમારોહ હતો. હવે આ મામલે રાજ્યના એડીજીપી વિકાસ સહાયે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે અને ચાર દિવસમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ પણ કર્યો છે. વિકાસ સહાયે કહ્યું કે, વીડિયો ખુબ જ આઘાતજનક છે અને ઘટનાને લઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું અને હાલ વીડિયોની ખરાઈ કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, વીડિયોમાં પોલીસ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડયા હતા. પોલીસ તાલીમાર્થીઓ જ ગરબે ઘૂમતા મોટો હોબાળો સામે આવ્યો છે. હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. માસ્ક પહેર્યા વગર જ કાયદાનું રક્ષણ કરતા લોકોએ કાયદો તોડીને ગરબે ઘૂમ્યા હતા. દિક્ષાત સમારોહ પહેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ૭ માસથી ટ્રેનિંગ સેન્ટરમાં જ તાલીમાર્થીઓ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એલઆરડી જવાનોના આંદોલન વચ્ચે ગાંધીનગર કરાઈ એકેડેમી ખાતે ૪૩૮ જવાનોના દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કુલ ૪૩૮ જેટલા જવાનો શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગૃહ સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યમા કુલ ૭૮૦૦ લોકરક્ષક દળની દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જે દીક્ષાંત સમારોહ દરમ્યાન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવા પોલીસ જવાનોને દીક્ષાંત સમારોહમાં ખાસ શિખામણ આપી હતી. જાડેજાએ શિખામણ આપતાં જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયાનાં જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે. લોકો પોલીસની કામગીરીનું આંકલન કરતા હોય છે. તેથી તમારે લોકોનું વિચારીને પણ પોતાની ફરજ નિભાવવી પડશે જ્યારે ગુજરાત પોલીસ અને તમારા પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવાનું છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં હવે પોલીસ નહીં પરંતુ સ્માર્ટ પોલીસની જરૂર છે તે દિશામાં પણ આગળ વધવું પડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews