વેરાવળના ૨૭ વર્ષીય ભેજાબાજ ગઠીયાએ દસેક શહેરોના ૩૦ વેપારીઓ સાથે ૨૦ લાખની છેતરપીંડી આચરી

0

વેરાવળ તાલુકાના છાત્રોડા ગામનો ભેજાબાજ ગઠીયો મોટાપાયે છેતરપીંડી આચરતો હોવાની ફરીયાદ પોલીસને મળી હતી. જેમાં વેરાવળના એક વેપારીએ નોંધાવેલ છેતરપીંડીની ફરીયાદના આધારે ર૭ વર્ષીય ભેજાબાજ ગઠીયા ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ પુછપરછ હાથ કરતા મોટી છેતરપીંડીના રેકેટનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ભાવેશ છાત્રોડીયાએ ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાના સાતેક શહેરો અને અમદાવાદના એક મળી ૩૦ જેટલા વેપારીઓ પાસેથી રૂા.૨૦ લાખથી વધુની રકમની મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરી છેતરપીંડી આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
ભેજાબાજ ગઠીયાની કરતુત અંગે ગઈકાલે ડીવાયએસપી એમ.એમ. પરમાર, તપાસનીસ પીઆઇ ડી.ડી. પરમારે યોજેલ પત્રકાર પરીષદમાં જણાવેલ કે, વેરાવળમાં બસ સ્ટેશન સામે શાઓમી કંપનીના સ્ટોરમાંથી તા.૨૩ અને ૨૫ ડીસેમ્બર દરમ્યાન છાત્રોડા ગામે રહેતો ભાવેશ વરજાંગ છાત્રોડીયાએ એલઇડી ટીવી, વોટર પ્યોરીફાયર, ટ્રીમર અને પાવર બેંક મળી કુલ રૂા.૪૧,૪૯૫ની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ફોન પે એપ્લીકેશનમાંથી ટ્રાન્સફર કરી ચુકવી આપેલ હોવાનું કહી વસ્તુઓ લઇ નિકળી ગયો હતો. તે રકમ સ્ટોરના ખાતામાં જમા ન થઇ હોવાથી ભાવેશ છાત્રોડીયાને જણાવતા તેણે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવારૂપ બે સ્ક્રીન શોટ સ્ટોરના કર્મચારીને મોકલી કહેલ કે, પેમેન્ટ જમા ન થાય તો મને વાત કરજાે હું રોકડા આપી દઇશ. ત્યારપછી ઘણા દિવસો સુધી પેમેન્ટની રકમ જમા ન થયા અંગે ફરી જાણ કરતા ભાવેશ છાત્રોડીયા ગલ્લા તલ્લા કરતો હોવાથી શાઓમી સ્ટોરના માલીક વેપારી કાનજી ચારીયાએ ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે સર્વેલન્સ સ્ટાકફના પીએસઆઇ મુસાર, બી.એન. મોઢવાડીયા, દેવદાનભાઇ, નટુભાઇ બસીયા, અરજણભાઇ, મયુર મેપાભાઇ, સુનીલ માંડણ સહિતનાએ શોધખોળ હાથ ધરી વેરાવળમાંથી જ ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ હાથ ધરતા છેતરપીંડીના કૌભાંડની ચોંકાવનારી હકકીતો જાણવા મળી હતી. જેમાં ભાવેશ છાત્રોડીયાએ વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, કેશોદ, મેંદરડા, જૂનાગઢ અને અમદાવાદ સહિતના શહેરોમાં ફરી જુદા-જુદા ૩૦ જેટલા વેપારીઓ પાસેથી સોનાના ઢાળીયા, આઇફોન, મોબાઇલ, ઇલેકટ્રીક રમકડાનું બાઇક, કોમ્પ્યુટર સેટ, એ.સી., ટાયરો જેવી રૂા.૨૦ લાખથી વધુની રકમની મોંઘીદાટ ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ વેપારીની સામે ફોન પે અને ગુગલ પે એપ્લીકેશનના માધ્યમથી શેડયુલ પેમેન્ટી ટ્રાન્સફર કરી જતો રહેતો અને બાદમાં શેડયુલ પેમેન્ટ કેન્સલ કરી છેતરપીંડી આચરતો હતો.
આટલા શહેરોમાંથી ખરીદ કરેલ રૂા.૮.૪૮ લાખની વસ્તુઓ રીકવર કરાઇ
જેમાં વેરાવળમાં શાઓમી સ્ટોરમાંથી ટીવી, વોટર પ્યોરફીયર રૂા.૪૬,૪૮૬, આઝાદ સાયકલમાંથી ઇલેકટ્રીક બાઇક રૂા.૮ હજાર, પુજારા મોબાઇલમાંથી આઇફોન-૧૨ રૂા.૮૯,૯૦૦, શ્રીનાથજી જવેલર્સમાંથી સોનાના ઢાળીયા નંગ- ર (અઢી તોલા) રૂા.૧,૨૪,૦૦૦, ભાગ્યોદય કોમ્પ્યુટરમાંથી કોમ્પેકટનો કોમ્પ્યુટર સેટ રૂા.૨૫ હજાર, ગેલેકસી ટાયરમાંથી ટાયર નંગ-૪ રૂા.૫૦ હજાર, કેશોદમાં રોયલ ટેલીવીઝનમાંથી એસી રૂા.૫૪,૯૯૦, કેશોદમાંથી જ ઇન્વેટર અને બે મોટી બેટરી રૂા.૪૧,૩૫૦, ગણેશ ટોયઝમાંથી રમકડા રૂા.૨૨ હજાર, ઉનામાં ફોનવાલે સ્ટોરમાંથી માઇક્રોવેવ- ૪૩ ઇંચનું ટીવી- વીવો વી-૨૦ પ્રો મોબાઇલ મળી કુલ રૂા.૯૨,૯૮૦, કોડીનારમાં ભારત મોબાઇલમાંથી એન્ડ્રોઇડ ટીવી- વીવો વી-૨૦ મોબાઇલ મળી કુલ રૂા.૮૩,૯૯૦, તાલાલામાં આકાશ ટેલીવીઝનમાંથી સેમસંગ કંપનીનું ૪૩ ઇંચનું ટીવી રૂા.૪૩ હજાર, મેંદરડામાં ગેલેકસી માર્કેટીંગમાંથી ઓપો રેનો-૩ મોબાઇલ કિ. રૂા.૩૨,૯૯૯, જૂનાગઢમાં પ્રિતમ મોબાઇલમાંથી આઇફોન ૧૧ પ્રો રૂા.૧,૦૬,૬૦૦, અમદાવાદમાં ઇસ્કોન કેસરીયા વોચમાંથી ટાઇટન કંપનીની બે ઘડીયાળ રૂા.૨૭ હજાર મળી કુલ રૂા.૮,૪૮, ૨૯૫નો મુદામાલ ભાવેશ છાત્રોડીયાએ છેતરપીંડીથી ખરીદ કરેલ જે રીકવર કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!