વેરાવળ બંદરમાં કોસ્ટ ગાર્ડના અમુક કર્મચારીઓના અત્યાચારથી માછીમારોમાં રોષ

0

વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ માછીમારો ઉપર કથિત અત્યાચાર કરતા હોવાને લઈ માછીમારોમાં ઉગ્ર રોષ પ્રર્વતેલ હતો. ગઈકાલે બપોરે અચાનક સ્વયંભુ માછીમાર સમાજના સેંકડો યુવાનોએ રેલી કાઢી કોસ્ટગાર્ડ સ્ટેશને પહોંચી જઇ સ્થાનીક અધિકારી સમક્ષ ઉગ્ર રજુઆત કરતા ભવિષ્યમાં આવું ફરી વખત નહીં બને તેમ જણાવી મામલો થાળે પાડયો હતો. જાે કે, આ રેલીની જાણ થતા સ્થાનીક પોલીસ સ્ટાફ કોસ્ટ ગાર્ડ સ્ટેશને દોડી જઇ યુવકોને શાંતિપૂર્વક રજુઆત કરવા સમજાવ્યા હતા. આ તકે બંદરમાં માછીમારને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયેલ જેથી સુરક્ષા વિભાગની કાર્યશૈલી સામે સવાલો સર્જાયા છે.
વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ દ્વારા વારંવાર થતા અત્યાચારના કારણે માછીમારોમાં ઉગ્ર રોષ વ્યાપેલ હતો. જેના વિરોધમાં ગઈકાલે બપોરે સેંકડો માછીમાર યુવાનો બંદરથી સ્વયંભુ રેલી સ્વરૂપે વેરાવળ ચોપાટી ઉપર આવેલ કોસ્ટગાર્ડ સ્ટેશન ઉપર પહોંચી સ્થાનીક અધિકારીને લેખીત રજુઆત કરી હતી. આ તકે માછીમાર શૈલેષ કુહાડાએ આક્ષેપ કરતા જણાવેલ કે, વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ દ્વારા માછીમારોને કોઇ કારણ વગર માર મારવામાં આવે છે અને અપશબ્દો ભાંડી ગેરવર્તન કરવામાં આવે છે. કોસ્ટગાર્ડ વિભાગ સાથે અમને કોઈ વાંધો નથી પરંતુ અમુક કર્મચારીઓ અને અધિકારીઓ માછીમારો સાથે ગેરવર્તન કરે છે તે યોગ્ય નથી આવી અત્યાચારની ઘટના બંધ થવી જાેઈએ. આવા જ અત્યાચારની એક ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં એક ફિશિંગ બોટ ઉપરના માછીમારને બોટ ઉપરથી બળજબરીથી ઉતારી માર મરાતો હોવાનું જાેવા મળે છે. આ અત્યાચારનો ભોગ બનેલ નરેશ રાઠોડ નામના માછીમારે જણાવેલ કે, કોઈ કારણ વિના તેને માર મારવામાં આવેલ અને આવું વારંવાર બને છે.
અત્રે નોંધનીય છે કે, ગઈકાલે બહાર આવેલ ઘટનામાં વેરાવળ બંદર ઉપર સુરક્ષા વિભાગ અને માછીમારો વચ્ચેના વિવાદના મુળમાં બંદરમાં બોટ પાર્કીંગ કરવાની ઓછી ક્ષમતા કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જે અંગે યુવા માછીમાર ભરત આગીયાએ જણાવેલ કે, વેરાવળ બંદર ૮૦૦ ફિશિંગ બોટની ક્ષમતા ધરાવે છે જેની સામે બંદરમાં ૩૦૦૦થી વધુ બોટો લાંગરવામાં આવે છે. માછીમારોની પણ મજબૂરી છે તો બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા સજડ વલણ અપનાવવું યોગ્ય નથી. માછીમાર યુવાનોની રજુઆત અંગે કોસ્ટગાર્ડ સ્ટેશનના સ્થાનીક અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેવું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!