જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોવા છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ બધા જાણે છે. છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓને મારી, તોડી અને કચુંબર જેવા બનાવી દીધા છે. કયારેક પાણીની પાઈપલાઈન તો કયારેક ભૂગર્ભ ગટરનાં પ્રશ્ને અને નહીંતર પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કેબલ પાથરવાને બહાને રસ્તાઓમાં સતતને સતત તોડફોડ કરવામાં આવે છે. ધણીધોરી વિનાનું આ ગામ જેવી હાલત રસ્તાની થાય છે અને હાલતાચાલતા જે કોઈ ઘુસ્તા મારીને જતા રહે તેવી હાલત વચ્ચે જૂનાગઢવાસીઓ પિડાઈ રહ્યા છે. કાળવાચોક, એમજી રોડ, ચિત્તાખાનાચોક સહિતના આ મુખ્ય માર્ગની હાલત સાવ કથળી ગઈ છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના વડપણ હેઠળ બિસ્માર રસ્તાના પ્રશ્ને એક મહત્વની બેઠક મળી હતી. અરવિંદ સોની, સંજય પુરોહિત, ભૂપતભાઈ તન્ના સહિતના ૧૦૦ જેટલા વેપારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને સત્તાધીશોની આંખ ઉઘાડવા આંદોલન સહિતના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. આજથી જ લડતનું રણશિંગું ફૂકવામાં આવેલ છે તેમાં આજે સવારથી બપોરના બે વાગ્યા સુધી એમજી રોડ સજ્જડ બંધ રાખવામાં આવેલ છે. તેમજ કાળવાચોકથી ચિત્તાખાના ચોક સુધીના તમામ વેપારીઓ પોતાના ધંધા, રોજગાર બંધ રાખી પોતાની નારાજગી વ્યકત કરવા આજે જૂનાગઢ મનપા કચેરીએ પહોંચ્યા છે અને ત્યાં મેદાનમાં જ ઉભા રહ્યા છે અને આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકનો ઘેરાવ કરી રહયા છે. ઉપરાંત અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલ આપીને રસ્તા પ્રશ્ને રજૂઆતો કરવામાં આવી રહી છે. જયાં સુધી રોડનું કામ શરૂ નહીં થાય ત્યા સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે તેવું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews