‘ગિરનાર રોપવે’ ગુજરાતનું નંબર વન અને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ

0

સોરઠ પંથકની રાજધાની એવા જૂનાગઢ શહેરમાં ભૂતકાળના રાજાશાહી અને નવાબી શાસન દરમ્યાન પણ એક આગવો અને અનોખો દબદબો હતો. આઝાદી બાદ પણ ભવનાથ ક્ષેત્ર, ગરવો ગીરનાર આકર્ષણનું કેન્દ્ર બનેલ છે અને તાજેતરમાં જ તા. ર૪ ઓકટોબર, ર૦ર૦ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે દેશની પાયોનિયર ગણાતી ઉષા બ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ગીરનાર રોપવે શરૂ થયેલ છે અને ખુબ જ ટુંકા ગાળામાં બે લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓએ ઉડન ખટોલાની સફર માણી છે. દરમ્યાન એક મહત્વનાં યોજાયેલા સન્માન સમારંભમાં ગીરનાર રોપવેને અનોખું શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ ઉભું કરવા માટે ટુરિઝમ એવોર્ડ ર૦ર૦થી નવાજવામાં આવેલ છે. જે અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા જૂનાગઢમાં ગિરનાર રોપવેનું ટુરિઝમ એવોર્ડ ૨૦૨૦માં ‘ગુજરાતના શ્રેષ્ઠ અનોખા પ્રવાસન આકર્ષણ (બેસ્ટ યુનિક ટુરિઝમ એટ્રેક્શન ઓફ ગુજરાત)’ તરીકે બહુમાન કરાયું છે. સોમવારે ગિફ્ટ સીટી ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારંભનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા અને પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે ઉષા બ્રેકોના ગિરનાર રોપવે પ્રોજેક્ટનું ‘બેસ્ટ યુનિક ટુરિઝમ એટ્રેક્શન ઓફ ગુજરાત’ તરીકે બહુમાન કરાયું હતું. ઉષા બ્રેકો વતી આ એવોર્ડ, ઉષા બ્રેકોના રિજીયોનલ હેડ દિપક કપલીશે સ્વીકાર્યો હતો. ઉષા બ્રેકોએ ગિરનાર રોપવેનું નિર્માણ રૂા.૧૩૦ કરોડના ખર્ચે કર્યું છે અને આ રોપવેની ગણના દેશના અત્યંત આધુનિક રોપવે તરીકે થાય છે. આ રોપવે દુનિયાનો સૌથી લાંબો ટેમ્પલ રોપવે પણ છે. આ રોપવે ગિરનાર અને જૂનાગઢમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસમાં ઉદ્દીપક ભૂમિકા ભજવશે અને ગિરનાર, સોમનાથ અને દ્વારકાના પવિત્ર ત્રિકોણીય પ્રવાસન વિકાસને વેગ આપશે. તા.૨૪ ઓક્ટોબર, ર૦ર૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવે ખૂલ્લો મૂકાયા પછી અત્યાર સુધીમાં આશરે ૨ લાખ જેટલા પેસેન્જરનું પરિવહન કરી ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉષા બ્રેકો કંપનીના પ્રાદેશિક અધિકારી દિપક કપલીશ તેમજ હેમંત સડકર અને જૂનાગઢ ખાતેના અધિકારી દિનેશભાઈ પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ અહીં આવનારા પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews