જેતપુરનાં ગંદા પાણીનાં નિકાલની પાઈપલાઈન યોજનામાં ર૦૦ કરોડનાં ટેન્ડરમાં ‘ઓન’

0

જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં સાડી ઉદ્યોગના કારણે ફેલાઈ રહેલ લાલ પાણીના પ્રદૂષણની સમસ્યા હલ કરવા અને સાડી ઉદ્યોગને બચાવી લેવા રાજ્ય સરકારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી કેમિકલયુકત પાણીનો દરિયામાં નિકાલ કરવા રૂા.૬૯૬ કરોડની મહત્વાકાંક્ષી પાઈપલાઈન યોજના બનાવી છે. પરંતુ, કાળા-ધોળા કરવા માટે કુખ્યાત પાણી પૂરવઠા બોર્ડએ ગટર વ્યવસ્થા બોર્ડના કેટલાક ‘મોરલા’ઓએ આ ટેન્ડરમાં ‘કળા’ કરી લીધાની ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજકોટથી માંડી ગાંધીનગર સુધી ચર્ચા જાગી છે. રાજ્ય સરકારે જેતપુરથી પોરબંદરના દરિયા સુધીની બનાવેલી આ સુએજ પાઈપલાઈન યોજના માટે રૂા.૬૯૬ કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો. પરંતુ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં આ ટેન્ડરનું બજેટ વધીને આશ્ચર્યજનક રીતે રૂા.૯૦૦ કરોડ થઈ જતાં ‘દાળમાં કંઈક કાળુ’ હોવાની શંકા સાથે ઠેઠ ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી છે. જાણકાર સૂત્રોના કહેવા મુજબ આ રૂા.૬૯૬ કરોડના ટેન્ડર બનાવવાથી માંડી મંજૂર કરવા સહિતની અનેક પ્રક્રિયા શંકાસ્પદ છે અને એક નેતાએ ઉઠતી બજારે મોટો ખેલ પાડ્યાની જાેરશોરથી ચર્ચા છે. જાે કે, આ ટેન્ડરના ‘ખેલ’ અંગે ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચતા હાલ આ કામના વર્કઓર્ડર અટકાવી દેવામાં આવ્યા છે અને સરકારકક્ષાએ ફેર વિચારણા હાથ ધરાયાનું જાણવા મળી રહ્યું છે. જેતપુરમાં લાલપાણીના પ્રદૂષણનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા સરકારે લાલપાણીનો દરિયામાં નિકાલ કરવાની ખાસ યોજના બનાવી છે અને ગંદાપાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવા આવા કામનો બહોળો અનુભવ ધરાવતા પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને નોડલ એજન્સી બનાવી તેને જ કામ સોંપી દેવાયું છે. જેતપુરથી પોરબંદરના દરિયા સુધીની આ સુએજ પાઈપલાઈનના કામ માટે રૂા.૬૯૬ કરોડનો ખર્ચ નિર્ધારવામાં આવ્યો છે. પરંતુ, પાણી પૂરવઠા બોર્ડમાં ટેન્ડર બનાવવાથી માંડી ટેન્ડર બહાર પાડવા અને મંજૂર કરવા સુધીની પ્રક્રિયામાં મોટી ગોલમાલ થયાની ચર્ચાએ ભારે જાેર પકડ્યું છે. જાણકારોનું કહેવું છે કે, રૂા.૬૯૬ કરોડનું આ ટેન્ડર ચોકકસ કોન્ટ્રાકટર કંપનીઓને ધ્યાને રાખીને જ બનાવવામાં આવ્યું હતું. ટેન્ડરમાં અમૂક શરતો એવી લાદી દેવામાં આવી હતી કે, નકકી કરેલી કંપનીઓ સિવાય કોઈ ટેન્ડર ભરી જ શકે નહીં અને ભરે તો પણ માન્ય રહી શકે નહીં. આ ‘ગોઠવણ’ના કારણે રૂા.૬૯૬ કરોડની યોજના માટે બે જ કંપનીના ટેન્ડર ભરાયા હતા. જેમાંથી એક કંપનીએ ૫૦ ટકા ઓન ભરી હતી. જ્યારે બીજી કંપનીએ ૩૦ ટકા જેવી ઓન ભરી હતી. જેના કારણે ૩૦ ટકા ઓન ભરનાર કંપનીનું ટેન્ડર માન્ય રાખવાની પ્રક્રિયા ઝડપભેર આગળ વધી રહી છે. જ્યારે આ જ કામમાં ૫૦ ટકા ઓન ભરનાર કંપનીને અમદાવાદનું ૧૫૦૦ કરોડનું કામ આપવાની પણ સુવ્યવસ્થિત ‘ગોઠવણ’ થઈ ગયાની ચર્ચા છે. અમદાવાદના કામમાં પણ આ બન્ને કંપનીના ટેન્ડર ભરાવી જેતપુરનું કામ રાખનાર કંપની ઉંચા ભાવ ભરી બીજી કંપનીને મદદ કરે તેવો ત્રાગડો રચાયો હોવાનું બહાર આવેલ છે. જેતપુરથી પોરબંદર સુધીની સુએજ પાઈપલાઈનના ટેન્ડરની કોસ્ટ રૂા.૬૯૬ કરોડ હતી. તેમાં ૨૦૫ કરોડ જેવી ઓન સાથે ટેન્ડર ભરાતા યોજના રૂા.૯૦૦ કરોડે પહોંચી ગઈ છે અને આ ટેન્ડર મુજબ કામ આપવામાં આવે તો સરકારની તિજાેરીને પણ રૂા.૨૦૦ કરોડથી વધુનંુ નુકસાન જાય તેમ છે. ગાંધીનગરમાં એવી ચર્ચા છે કે, આ યોજનાના ટેન્ડર બનાવવાથી માંડી કં૫ની ફાઈનલ કરવા સુધી રાજકીય હસ્તક્ષેપ થયો છે અને એક નેતાએ ‘ઉઠતી’ બજારે સ્વહિતાર્થે મોટો ખેલ પાડી દીધો છે. ત્યારે સરકારકક્ષાએ યોગ્ય તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે અને ‘સફેદ’ કપડામાં કાળા ‘ડાઘ’ પડે તેવી શક્યતા દર્શાવાય છે.
સ્ટીલનો ભાવ વધારો માત્ર એક જ ટેન્ડરને નડ્યો ?
રૂા.૬૯૬ કરોડનું ટેન્ડર રૂા.૯૦૦ કરોડ થઈ જવા પાછળ સ્ટીલનો ભાવ વધારો જવાબદાર ગણાવાઇ રહ્યો છે. ૩૦ ટકા ઓન માટે જવાબદાર અધિકારીઓ એવો બચાવ કરે છે કે, સ્ટીલના ભાવ રૂા.૪૦થી વધી રૂા.૬૦ થઈ ગયા છે. પરંતુ, ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં ભરાયેલ અને ખૂલેલા એક પણ પાઈપલાઈનના કામમાં ૩૦ ટકા ઓન આવી નથી. મુખ્યમંત્રીના હસ્તે જેનું ખાતમુર્હુત થયું તે નાવડા પાઈપલાઈનનું ટેન્ડર પણ ૭.૫૦ ટકા નીચા ભાવે ગયું છે તો પછી આ ટેન્ડરમાં ૩૦ ટકા ઓન આપવા પાછળનું કારણ શું ? કાંતો કોસ્ટ ખોટી રાખી છે અથવા ‘સેટીંગ’ છે તેવું મનાય છે.
ટેન્ડર ખોલવામાં શંકાસ્પદ ઝડપ
જેતપુરથી પોરબંદર સુધીની સુએજ પાઈપલાઈન યોજનાનો ખર્ચ રૂા.૬૯૬ કરોડ અંદાજાયા બાદ ટેન્ડર ઉંચુ લઈ જવા અને માનીતા કોન્ટ્રાકટર જ ટેન્ડર ભરી શકે તે માટે ખાસ પ્રકારની શરતો ટેન્ડરમાં લદાઇ હતી. જેથી બે જ ટેન્ડર ભરાયા હતા. સામાન્ય રીતે એક જ ટેન્ડર ભરાય તો માન્ય રહી શકે નહીં એટલે બે ટેન્ડર ભરાયા હતા તા.૧૧ જાન્યુઆરીએ ટેન્ડર જમા કરાવવાની છેલ્લી મુદત હતી. ત્યારબાદ ટેકનીકલ બીડ ખોલવામાં પણ ઝડપભેર ઉતાવળ કરી તા.૧૨ જાન્યુઆરીએ જ ટેકનીકલ બીડ ખોલી નાંખી ફાઈનાન્સીયલ પ્લાનિંગ પણ તે જ દિવસે કરી નખાયું હતું અને ૩૦ ટકા ઓન પણ મંજૂર કરી દેવામાં આવી હતી. હવે નેગોસીએશનના બહાને બે-ત્રણ ટકા ઓન ઘટાડવાની ‘ગોઠવણ’ ચાલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!