Sunday, February 28

જૂનાગઢનાં જાણિતા કવિશ્રી દાદબાપુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત

જૂનાગઢના નગરજનોનાં હૈયામાં ખુશીની લહેર દોડી જાય અને હર્ષની લાગણી ઉદભવે એવા ગુડ ન્યુઝ ફરી એકવાર પ્રાપ્ત થયાં છે. જી.હા… જૂનાગઢનાં નામાંકીત અને સુપ્રસિધ્ધ કવિ દાદબાપુને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવતાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એક ઉંચા ગજાનાં કવિની કદર કરવાનાં આ પગલાની ગુજરાતભરમાં સર્વત્ર સરાહનાં કરવામાં આવી રહી છે. સાવ નાની ઉંમરથી જ ગુજરાતી પ્રધ્ય, સાહિત્યની યાત્રા શરૂ કરનાર કવિશ્રી દાદબાપુ હાલ જૂનાગઢનાં વતની છે એવું વટથી કહી શકીએ તેવું ગૌરવ તેઓએ આપણને અપાવ્યું છે. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ કવિદાદબાપુને વધામણાની વર્ષા કરવામાં આવી રહી છે. ત્યારે
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર પણ તેઓશ્રીને શુભકામના પાઠવે છે.
પાળિયા થઈને નથી પુજાવવુંં, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ગીતની પંકિત સાંભળતા જ હૃદયમાં અનેરી ઉર્મી અને શૌર્ય છવાઈ જાય અને એક વીરપુરૂષની યશોગાન અને કિર્તીને યશકલગી આપી રહેલા આ ગીતના શબ્દોથી છાતી ફાટફાટ થવા માંડે તેવી આ રચના છે અને આ રચનાના રચયતા છે. જૂનાગઢનાં સુપ્રસિધ્ધ કવિ દાદાબાપુ અને તેમની આ પંકિતને શબ્દસુર આપ્યો છે. જૂનાગઢ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતનાં પ્રથમ હરોળનાં નામાંકીત ગાયક સ્વ.પ્રાણલાલ વ્યાસે આ ગીત તેઓએ ગાયેલા અનેક ભજનો પૈકી સૌથી વધુ હીટ રહયું હતું. આ ગીતની રચના કરનારા કવિશ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવીને કેન્દ્ર સરકારે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે ગૃહ વિભાગમાંથી આ અંગેની જાણ તેમને કરવામાં આવી હતી. આ સાથેજ તેઓ જૂનાગઢની ચોથી એવી વ્યકિત બન્યા છે જેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિ. સામે અક્ષર મંદિર નજીક રાજમોતી સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષીય દાદુદાન ગઢવીનું મુળ વતન ઈશ્વરીયા ગીરમાં હિરણનાં કાંઠે આવેલું છે. પણ વર્ષોથી તેઓ જૂનાગઢમાં જ રહે છે. તેમની ૬૦ થી વધુ વર્ષની ગુજરાતી પદ્મ સાહિત્ય યાત્રામાં કવિશ્રી દાદબાપુએ રચેલું કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો કન્યા વિદાયનો પ્રસંગ વર્ણવતા લગભગ તમામ લોકસાહિત્યકારોના મુખે ગવાયેલું છે. જયારે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું સ્વ.પ્રાણલાલ વ્યાસે ગાયેલા સૌથી હીટ ગીતો પૈકીનું એક છે. પૂ.નારાયણ સ્વામીએ ગાયેલું ‘‘કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું’’ પણ કવિ દાદબાપુએ રચેલું છે. કવિશ્રી દાદબાપુની કાવ્ય રચનાના ૮ પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે. જેમાં ટેરવાં નામથી ગ્રંથ પણ પ્રકાશીત થયો છે. આવા ગુજરાતી પધ્ય અને ગધ્ય સાહિત્યની યાત્રા કરનારા કવિશ્રી દાદબાપુ જૂનાગઢ રહે છે અને તેઓનો સુખી પરિવાર છે. તેમના પરિવારમાં ચાર પુત્રી અને ત્રણ પુત્રોનો સુખી પરિવાર છે. માતા સરસ્વતી અને કુળદેવી માતાજીની સતત કૃપા આ પરિવાર ઉપર વર્તી છે. આજે જયારે કેન્દ્ર સરકાર દ્વારા કવિશ્રી દાદબાપુને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી છે. ત્યારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કવિદાદબાપુનાં પુત્ર જીતુદાનભાઈ ગઢવીએ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, દાદબાપુ ગાયક, વકતા, અને કવિ એમ ત્રણેયમાં પ્રભુત્વ ધરાવે છે. ૧પ ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગવાયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં એક ગુજરાતી સાહિત્યનાં વિદ્યાર્થીએ કવિશ્રી દાદબાપુ ઉપર પીએચડી પણ કર્યુ છે. અને તેમને અત્યાર સુધીમાં ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિત અનેક સન્માન પ્રાપ્ત થયાં છે. કવિશ્રીદાદબાપુને મહેશદાન, વિષ્ણુદાન અને જીતુદાન ત્રણ પુત્રો છે. આજે જયારે પદ્મશ્રી એવોર્ડથી તેઓને નવાજવામાં આવનાર છે. ત્યારે દાદબાપુ તેમજ તેમનાં સમગ્ર પરિવારને ખુબજ ખુશી અને રાજીપો થયો છે. આજે પણ તેઓ સ્વસ્થ છે અને ૧પ વર્ષથી શરૂ થયેલી સાહિત્યની યાત્રા આજે ૮૧ વર્ષે પણ તેઓએ જાળવી રાખી છે તેમ શ્રીજીતુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢનાં સ્વ.દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ ગઢવી, સ્વ.વલ્લભભાઈ મારવાણીયા બાદ કવિશ્રી દાદુદાન ગઢવી, પદ્મશ્રી સન્માન મેળવનાર જૂનાગઢનાં ચોથા સન્માનીય વ્યકિત બન્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!