કોરોના મહામારીની સ્થિતિમાં વેક્સિન આવી જતાં રાજ્યભરમાં વેક્સિનેશનનો બીજાે તબક્કો શરૂ થઈ જવા પામ્યો છે. ત્યારે બે દિવસ પહેલાં વડોદરામાં વેક્સિન લીધા બાદ બે કલાકમાં જ યુવાનનું મોત થવાને લઈને અનેક પ્રશ્નો ઊભા થવા સાથે રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. જેમાં હવે આજે અમદાવાદ અને વડોદરામાં વેક્સિન લીધા બાદ ૩૦ જેટલા પોલીસ કર્મીઓને તાલીમાર્થીઓને આડઅસર થવા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આડઅસરના આ બનાવને લઈને રાજ્યમાં વેક્સિન સામે શંકા ઊભા થવા સાથે લોકોમાં ગભરાટ ફેલાયો છે. હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજાે તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં વેક્સિનની આડઅસર જાેવા મળી રહી છે. આજે વડોદરામાં ૧૫ પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આડઅસરના થોડા સમયમાં જ અમદાવાદ શહેરમાં પણ ૧૫ પોલીસ કર્મીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હોવાની વાત સામે આવી છે. શહેરમાં બીજા તબક્કામાં વેક્સિન લેનારા ૧૫ જેટલા પોલીસ કર્મીને આડઅસર થઈ હતી, જેને પગલે ૧૫ જેટલા પોલીસ કર્મી અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જે.પી મોદીએ જણાવ્યું હતું કે ૧૫ જેટલા પોલીસ કર્મીને સામાન્ય આડઅસર થઈ હતી. કોઈને ગંભીર આડઅસર જાેવા મળી નથી. તાવ, માથું દુઃખવું તેમજ શરીર દુઃખાવાનાં સામાન્ય લક્ષણો જણાયા હતા. વડોદરા શહેરમાં કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રવિવારે પોલીસ કર્મચારીઓ અને સફાઇ કામદારોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન કોરોના રસીને કારણે રવિવારે એક સફાઇ કામદારનું મોત નીપજ્યું હતું. જેમાં વહીવટી તંત્રએ આ કર્મચારીને હૃદય રોગની બીમારી અને શ્વાસની તકલીફ હોવાનું ખુલાસો કર્યો હતો. તો બીજી બાજુ આજે સવારે પોલીસ તાલીમ શાળાના ૧૫ પોલીસ તાલીમાર્થીને પણ કોરોના વેક્સિનની સામાન્ય અસર થઇ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી હતી. જેમાં ત્રણ તાલીમાર્થીને વધુ અસર હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેક્સિન લીધા બાદ ૪ આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું, હોવાની પણ વિગતો મળી રહી છે. તેઓ પેટમાં દુખાવો, તાવ, ગભરામણ અને ચક્કર આવતા સારવાર આપવામાં આવી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલના નોડેલ ઓફિસર ઓ.બી.બેલિમે જણાવ્યું હતું કે, કોરોના રસી મૂકવાને કારણે સામાન્ય તાવ, પેટમાં દુખાવો કે શરીર દુખવું જેવી અસર થતી હોય છે. તેનાથી ગભરાઈ જવાની જરૂર નથી. તાવ કે પેટમાં દુખાવો થાય તે કોરોના રસી તમારા શરીર ઉપર સફળતાથી અસર કરી રહી છે તે સાબિત કરે છે. કોરોના વેક્સિનની સામાન્ય આડઅસર થઈ છે જેમાં ૧૦ મહિલા પોલીસ તાલીમાર્થી છે. વેક્સિન માટે બાકી રહેલા પોલીસ જવાનો પણ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં આવી પહોંચતા હોસ્પિટલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પોલીસ જવાનોની લાંબી કતારો લાગી હતી. કોરોના વેક્સિનની આડઅસરનો ભોગ બનેલા પોલીસ તાલીમાર્થીઓ નામ નીચે મુજબ છે. ૧) મિત્તલ તાંદલે ર) રાધા રાઠવા ૩) લક્ષ્મી ઠાકોર ૪) દીપિકા મોદી, પ) શિલ્પા રબારી, ૬) આશા રબારી, ૭) આરતી મીઠાપરા, ૮) મેઘના ભલગામ મિયા, ૯) સરસ્વતી પંડ્યા ૧૦) કવિતા ભાલિયા ૧૧) શિલ્પા વાઘેલા ૧ર) ગૌતમ દુધરેજી, ૧૩) સિધ્ધાર્થ ચૌધરી સહિત ૧પ પોલીસ તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગત ૧૬ જાન્યુઆરીએ વેક્સિન આપવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે તબીબો, સ્ટાફ નર્સ અને ત્યારબાદ હવે સરકારી કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews