બે વર્ષ કરતા ટૂંકા સમયમાં ઉના સંકલીત બાળ વિકાસ અધિકારી પાંચ વખત બદલાયા

0

આઇ.સી.ડી.એસ. ઉના કચેરી જ્યારે ભ્રષ્ટાચારનું પર્યાય બની હોય તેવા સમાચાર ચારે તરફ વહેતા થયા છે ત્યારે ખરેખર ખુબ જ ટૂંકાગાળામાં ઘણી ક્ષતિઓ અને ભ્રષ્ટાચાર તેમજ આંગણવાડી વર્કરબહેનોનું શોષણ થતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. રાંધણગેસ સિલિન્ડરનું આંગણવાડી કેન્દ્રને બદલે કચેરી ઉપર બોલાવી વિતરણ થતું હોવાની જાન્યુઆરી ૨૦૧૯ માં ચોકવનારી વિગતો સામે આવી હતી. આંગણવાડી માટે નવા મકાન બાંધકામ થયા બાદ પણ ભાડાના મકાનમાં ચાલુ રહેતા હોવાના, સરકાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ ફોન શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોવાના, અગ્નિશામકની અવધિ બાબતે તંત્રની નિષ્ક્રિયતા તેમજ આંગણવાડીકેન્દ્રમાં વર્કર અને તેડાગરની ભરતીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ઓડિયોક્લિપ વાયરલ થયાના અહેવાલ પણ પ્રસિધ્ધ થયા હતા. મધુબહેન વાઢેર કે જેમની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરીકે બઢતી થતા તેમણે તા.૦૩-૦૨-૨૦૧૯ દિવસે ઉના આઈ.સી.ડી.એસ.માં સી.ડી.પી.ઓ. તરીકે વિદાય લીધા બાદ પ્રથમ લાભુબહેન વાળા કે જે મૂળ કોડીનારનાં વતની છે અને ઉના શહેર-૧ માં મુખ્યસેવીકા છે તેમણ ફેબ્રુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકે ચાર્જમાં રહ્યા હતા. લાભુબહેન વાળા બાદ રતનબહેન કે જે અમોદ્રા સેજાના મુખ્યસેવીકા અને મૂળ કોડીનારનાં વતની છે તે પણ ડિસેમ્બર ૨૦૧૯ માં ૧૮ દિવસ માટે જ બીજા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકે રહ્યા હતા. રતનબહેન બાદ ફરી લાભુબહેન વાળા ફરી ડિસેમ્બર ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ત્રીજા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકે રહ્યા હતા. લાભુબહેન વાળા બાદ દર્શનાબહેન પુરોહિત કે જેઓ ઉના શહેર- ૨ નાં મુખ્યસેવીકા છે તેમણે ચોથા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકે ફેબ્રુઆરી ૨૦૨૦ થી ઓક્ટોબર ૨૦૨૦ સુધી ફરજ બજાવી હતી. દર્શનાબહેન પુરોહિત બાદ મંજુલાબહેન મોરી કે જે કોડીનારના રેગ્યુલર સી.ડી.પી.ઓ. છે તેમને પણ ઓક્ટોબર ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ સુધી પાંચમા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જાે કે, પુરા ચાર મહિના કરતા ઓછા સમયમાં જ તેમણે કોઈ કારણોસર ઉના આઈ.સી.ડી.એસ. માંથી ચાર્જની મુક્તિ મેળવી હતી. મંજુલાબહેન મોરી બાદ રમીલાબહેન અમીન કે જે દેલવાડામાં મુખ્યસેવિકા છે તેમને તા.૩૦-૦૧-૨૦૨૧ થી ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. તરીકે ચાર્જ સોંપાયો છે ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર ક્યાં સુધી આવી રીતે સરકારની આટલી ખુબ જ સરસ યોજના ઉપર પાણી ફેરવશે અને નિદ્રાવસ્થામાં રહેલ તંત્ર કયારે જાગશે? અત્યાર સુધીમાં માત્ર એક જ રેગ્યુલર સી.ડી.પી.ઓ. ને ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે વહીવટીતંત્ર દ્વારા મુખ્યસેવીકાને સી.ડી.પી.ઓ.નો કામચલાઉ ચાર્જ આપી ગાડું ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો મળી રહી છે.
ઉના પંથકના બુદ્ધિજીવી વર્ગોમાં તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે શું આ પાંચમાંથી કોઈ એક પણ આ કામગીરી માટે યોગ્ય વ્યક્તિ નહીં હોય? આંગણવાડી વર્કરમાંથી બઢતી થઈને સુપરવાઈઝર (મુખ્ય સેવિકા)નો હોદ્દા ઉપર આવ્યા હોય તેઓ આ ૨૪૫ આંગણવાડી કેવી રીતે સંભાળે? તેમજ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ઘણા રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી છેલ્લા દસેક વર્ષથી એકની એક જગ્યા ઉપર ફરજ બજાવે છે અને જૂના અને જાણીતા થયા હોવાથી ખાનગીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર પણ કરતા હોય તેવું પણ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મધુબહેન વાઢેર કે જે આ જ ખુરશી ઉપર બેસીને ઉના અને ગીરગઢડા બન્ને તાલુકાની આંગણવાડીનું ખુબ જ સારી રીતે સંચાલન કરતા હતા ત્યારે કોઈ પ્રશ્ન હતા તો પણ તેઓ પોતાની આવડતથી નિરાકરણ કરી લેવામાં માહિર હતા. ખરેખર કુપોષણ દૂર કરવાના દિવાસ્વપ્ન જાેતા તંત્રને ઉના પંથકમાં પ્રમાણિક નિષ્ઠાવાન સક્ષમ અને બાહોશ રેગ્યુલર સી.ડી.પી.ઓ. તેમજ પ્રમાણિક નિષ્ઠાવાન ભણેલા અને હોંશિયાર સક્ષમ અને બાહોશ તેમજ આવડતવાળા મુખ્યસેવિકાની ખુબજ તાકીદે જરૂરિયાત ઉભી થયેલ છે. પરંતુ એક કહેવત છે કે, ‘વાવમાં હોય તો અવેડામાં આવે’ તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ સારા પ્રોગ્રામ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી તે જગ્યા ઉપર પણ નિયુક્તી થવી અત્યંત જરૂરી છે નહિતર દિવસે-દિવસે ઉના અને ગિરસોમનાથ જિલ્લામાં કાર્યરત આઈ.સી.ડી.એસ. વિભાગ ભ્રષ્ટાચારનું કાયમી ઘર બની જશે તેવી ભીતિ છવાઈ રહી હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!